• Gujarati News
  • ખુદને સાબિત કરવા બાળકોને એક તક જરૂર આપો

ખુદને સાબિત કરવા બાળકોને એક તક જરૂર આપો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક માતા હોવાને ધોરણે તે પોતાની પુત્રીના તૈયાર થવાની રીત પર ધ્યાન આપતી હતી. પૂજા તૈયાર થવામાં ઘણો સમય લગાવતી હતી. પૂજાની માતા વિચારતી કે હાઈસ્કૂલમાં ભણતી કોઈ પણ છોકરીને પૂજાની જેવી જ ટેવ હોય છે. તેમણે પૂજાના તૈયાર થવાની રીતમાં એક ખાસ વસ્તુ જોઈ. તેમણે જોયું કે પૂજા જ્યારે એનસીસી પરેડ કે પ્રેક્ટિસ માટે તૈયાર થતી તો વધુ સમય લગાવતી હતી. માતા-પુત્રીની વચ્ચે હંમેશાં બંદૂક અને નિશાનબાજી અંગે ચર્ચા થતી રહેતી હતી. માતા સમજી ગઈ હતી કે પુત્રીને નિશાનબાજીનો શોખ છે. પુત્રીના આ શોખ અને સમર્પણને જોતાં માતા ભારતી ગાયકવાડની ઈચ્છા હતી કે તેમની પુત્રી શિક્ષણના બદલે બંદૂક પર વધુ ધ્યાન આપે. એ સમયે પૂજાએ ૧૦મું ધોરણ પાસ કરી લીધું હતું. પૂજાની માતા ખુદ શિક્ષિકા હતી, એટલે તેઓ નિશાનબાજીનું મહત્ત્વ સમજતાં હતાં. જોકે ભારતી માટે આગળનો માર્ગ સરળ ન હતો, કેમ કે પૂજા જ્યારે નાની હતી ત્યારે જ તેમના પતિનું નિધન થઈ ગયું હતું. તેમણે એકલા હાથે જ પૂજાને મોટી કરી હતી. આથી દરેક પગલું સમજી વિચારીને લેવાનું હતું. તેમણે પૂજાના નિશાનબાજીના હુનરને વધુ તરાશવા માટે પુણેના ગની શેખ પાસે મોકલી. ટૂંક સમયમાં જ પૂજાની પસંદગી રાજ્યસ્તરની સંસ્થા ક્રીડા પ્રોબોધિનીમાં થઈ ગઈ. સમય પસાર થતો ગયો. પૂજાએ આ દરમિયાન રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક મેડલ જીત્યાં. પૂજાએ પોતાના અભ્યાસ પર પણ એટલું જ ધ્યાન આપ્યું. જોકે ધીમે-ધીમે પૂજાનો નિશાનબાજીમાંથી રસ ઓછો થવા લાગ્યો. આ વખતે પણ પૂજાની માતા તેની પડખે હતી. તેમણે નવેમ્બર ૨૦૧૩માં પૂજાને ઓસ્ટ્રિયા મોકલી. અહીં તેણે ટોમસ પરનિક પાસે ટ્રેનિંગ લેવાની શરૂઆત કરી. હવે તે એક નવી ટીમમાં નવી ઊર્જા‍ સાથે કામ કરી રહી હતી. અહીં શૂટિંગ કોચ ઉપરાંત એક ફિજિયો અને મેન્ટલ ટ્રેનર પણ હતો. તેમણે પૂજાના અંદર એક નવો સ્પાર્ક પેદા કર્યો. તેની ક્ષમતાઓને એક નવા મુકામે લઈ ગયા. પુત્રી માટે માતાએ લીધેલા એક નાનકડા નિર્ણયે પૂજાની જિંદગી બદલી નાખી. ત્યાર બાદ પૂજાએ ક્યારેય પણ પાછા વળીને જોયું નથી. આઠ વર્ષની સખત મહેનત અને માતાના સહયોગે પૂજાને એક નવા મુકામે પહોંચાડી દીધી. ગયા રવિવારે પૂજાએ કુવૈતમાં આયોજિત ૭મી એશિયા એરગન ચેમ્પિયનશિપમાં ૧૦ મીટર રાઈફલ પ્રતિયોગિતામાં પ્રથમ આંતરરાષ્ટ્રીય ખિતાબ જીત્યો. હવે પૂજા ૨૦૧૬માં બ્રાઝિલમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સમાં પોતાના હુનરનું પ્રદર્શન કરશે.
ફંડા એ છે કે બાળકોને પોતાની મરજીના ક્ષેત્રમાં નાખવાને બદલે એક વખત તેમની આંખોમાં ઝાંખીને જોવું જોઈએ. તેમના જુસ્સાને ઓળખો અને તેમને ખુદને સાબિત કરવાની માત્ર એક તક આપો. કોણ જાણે આવતીકાલે દેશને ગોલ્ડ મેડલ અને તમારા માટે ગર્વની ક્ષણ લઈ આવે.