• Gujarati News
  • પતિને લગ્નેતર સંબંધો માટે છૂટાછેડા મળી શકે?

પતિને લગ્નેતર સંબંધો માટે છૂટાછેડા મળી શકે?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તેજસ મહેતા. અમદાવાદ
શું એક પતિ પોતાના લગ્નેતર સંબંધનું કારણ આપીને પત્નીથી છૂટાછેડા મેળવી શકે? ગુજરાત હાઈકો‌ર્ટ સમક્ષ આવેલા એક રસપ્રદ કિસ્સામાં આવો જ મુદ્દો ઉપસ્થિત થયો છે. એક પત્નીએ તેના પતિ સામે કરેલી અરજીમાં વાંધો ઉઠાવ્યો છે કે તેનો પતિ પોતાના અનૈતિક સંબંધનું કારણ દર્શાવીને છૂટાછેડા મેળવવા હક્કદાર નથી. પત્નીએ તેની અરજીમાં આક્ષેપ કર્યો છે કે, વડોદરા ફેમિલી કો‌ર્ટના પ્રિન્સિપલ જજે તેના પતિની છૂટાછેડાની અરજી ખોટી રીતે ગ્રાહ્ય રાખી હતી. હાઈકો‌ર્ટે આ કેસને સોમવારે દાખલ કરતા તેની વધુ સુનાવણી એપ્રિલ મહિ‌નામાં નિયત કરી છે.
૧૯૮૮માં આશાબહેનના લગ્ન દિલીપભાઈ સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને એક પુત્રી પણ જન્મી. દિલીપભાઈ વ્યવસાયે ડોક્ટર છે અને વડોદરામાં તેમનું દવાખાનું છે. તેમના પત્ની આશાબહેન લેબ ટેકનિશિયન છે અને હાલ તેમની દીકરી સાથે અમેરિકા છે. તેમની દીકરી પણ અમેરિકામાં ડેંટિસ્ટ છે.
લગ્નના થોડા સમય બાદ દિલીપભાઈને નિશા નામની એક સ્ત્રી જોડે પ્રેમ થયો. તે તેની સાથે સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયા હતા અને ત્યાં અમુક વર્ષો તેઓ સાથે પણ રહ્યા. ઓસ્ટ્રેલિયા તે આ સ્ત્રી સાથે રહેતા હતા એટલે તેમની પત્ની આશાબહેને ઓસ્ટ્રેલિયન હાઈકમિશનને પણ લખ્યું હતું કે દિલીપભાઈને વિઝા આપવા જોઈએ નહિ‌. થોડા સમય બાદ દિલીપભાઈ ભારત પાછા આવી ગયા.
વર્ષ ૨૦૦૬માં દિલીપભાઈએ વડોદરા ફેમિલી કો‌ર્ટમાં અરજી કરી હતી કે તેમની પત્ની તેમને છોડીને અમેરિકા જતી રહી છે. આથી તેમને છૂટાછેડા મળવા જોઈએ. આશાબહેન તરફે એવી રજૂઆત કરાઈ હતી કે તેમના પતિ લગ્નેતર સંબંધો ધરાવે છે આથી તેઓ તેમની સાથે નથી રહેતા પણ છૂટાછેડા માટે એ કારણ ન હોઈ શકે.
આ મામલે ચુકાદો આપતા ફેમિલી કો‌ર્ટના જજે એમ નોંધ્યું હતું કે પતિના અન્ય સ્ત્રી સાથે લગ્નેતર સંબંધો હતા પણ કારણકે હવે સામાજિક પરિબળો અને મૂલ્યો બદલાયા છે તેને ધ્યાને લેતા છૂટાછેડા મંજૂર રાખવામાં આવે છે. ફેમિલી કો‌ર્ટે એમ પણ નોંધ્યું હતું કે પતિના ભલે અન્ય સ્ત્રી સાથે સંબંધ હતા પણ એ તેની પત્ની સાથે પણ રહેવા માંગતો હતો, આથી પત્નીએ પતિ સાથે ન રહીને તેને ત્રાસ આપ્યો છે અને આથી છૂટાછેડા મંજૂર રાખવામાં આવે છે.
આશાબહેને આ જ નિર્ણયને હાઈકો‌ર્ટમાં પડકાર્યો છે. આશાબહેન તરફે એવી રજૂઆત કરાઈ હતી કે ફેમિલી કો‌ર્ટનો આ નિર્ણય એકદમ ખોટો છે. આ કેસમાં એમ પણ દલીલ કરાઈ હતી કે આપણા સમાજમાં સામાજિક મૂલ્યો એટલી હદે નથી બદલાયા કે કોઈ પત્ની પોતાના પતિના બીજી કોઈ સ્ત્રી સાથે લગ્નેતર સંબંધો હોય તે સહન કરે અને તોય તેની જોડે જ રહેવાની ઈચ્છા રાખે. જોકે દિલીપભાઈ તરફે આ અરજીનો વિરોધ કરાયો છે. આ કેસને દાખલ કરતા જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ આર.પી. ધોલરિયાની બેન્ચે આ કેસને અંતિમ સુનાવણી માટે ૨૩ એપ્રિલ પર મુલતવી કર્યો છે. ((વ્યક્તિઓના નામ બદલ્યાં છે))