• Gujarati News
  • કલરકામ અર્થે આવેલા ચાર શ્રમજીવીઓ પર હિંસક હુમલો

કલરકામ અર્થે આવેલા ચાર શ્રમજીવીઓ પર હિંસક હુમલો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નડિયાદ
નડિયાદ કોલેજ રોડ નહેર પાસે નવનિર્મિ‌ત છ માળના કોમ્પલેક્ષમાં કલરકામ કરવા આવેલ ચાર શ્રમજીવીઓ પર સોમવારે વહેલી સવારે કોઈ અજાણ્યા ઈસમે ચપ્પાથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ગંભીર રીતે ઘવાયેલા ચાર ઈસમોને કરમસદની કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનાવ સંદર્ભે શહેર પોલીસે અજાણ્યા ઈસમ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રા માહિ‌તી અનુસાર વિદ્યાનગર હરિઓમ નગરમાં ઉત્તરપ્રદેશ ગોરખપુર જિલ્લાના ચંપાવત ગામના બ્રીજેશકુમાર બેચઈપ્રસાદ પાસવાન, ગુરૂપ્રસાદ સુરજભાણ પાસવાન, પિન્ટુ ઉર્ફે ક્રિષ્ના મનોહરપ્રસાદ પાસવાન તથા વિવેક બાબુપ્રસાદ પાસવાન રહેતા હતા. તેઓના સબંધી પપ્પુ પાસવાન ખેડા તથા આણંદ જિલ્લામાં નવનિર્મિ‌ત મકાનોમાં કલરકામ તથા પોલીશનું કામ રાખતા હતા. દરમિયાન પપ્પુ પાસવાને તાજેતરમાં નડિયાદ કોલેજ રોડ નહેર પાસે આવેલ નંદનવન સોસાયટી નજીક બનતાં નવા છ માળના કોમ્પલેક્ષમાં કલરકામનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો. આ કલરકામ માટે પપ્પુ પાસવાને ઉપરોક્ત ચાર વ્યકિતઓને તા. પમી માર્ચના રોજ નડિયાદ મોકલ્યા હતા.
તેઓ કોમ્પલેક્ષમાં જ કલરકામ કરતા હતા અને ઉપરના પહેલા માળે સુઈ જતા હતા. દરમિયાન સોમવારે વહેલી સવારે આ ચારેય મિત્રો કોમ્પલેક્ષમાં સુતા હતા. તે વખતે કોઈ અજાણ્યા ઈસમે કોમ્પલેક્ષમાં ચપ્પા સાથે પ્રવેશ કર્યો હતો. આ વખતે અચાનક પિન્ટુ ઉર્ફે ક્રિષ્ણા જાગી જતાં અજાણ્યા ઈસમે પિન્ટુના પેટની ડાબી બાજુના ભાગે ચપ્પાથી ઘા કરતાં ગંભીર ઈજા પહોંચી હતી અને લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઈ પડયો હતો. આ વખતે પિન્ટુએ બૂમાબૂમ કરતાં તેના અન્ય ત્રણ મિત્રો પણ જાગી ગયા હતા. આ ત્રણેય યુવકો અજાણ્યા ઈસમને પકડે તે પહેલા જ તેણે ગુરૂપ્રસાદને જમણા હાથે તથા ખભા ઉપર, બ્રિજેશને છાતીના તથા પીઢના ભાગે તથા વિવેકને પેટમાં ડાબી બાજુ તથા પંજા ઉપર ચપ્પાના ઘા મારી જીવલેણ ઈજાઓ કરી ફરાર થયો હતો. આ બનાવની જાણ બ્રિજેશે પોતાના કોન્ટ્રાક્ટર પપ્પુ પાસવાનને કરતાં તેણે શહેર પોલીસને જાણ કરી હતી.