• Gujarati News
  • ફતેપુરાના અતિ સંવેદનશીલ ગામોની મુલાકાતે કલેક્ટર

ફતેપુરાના અતિ સંવેદનશીલ ગામોની મુલાકાતે કલેક્ટર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ફતેપુરા
લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં ચૂંટણી કમિશન દ્વારા આચારસંહિ‌તા લાગુ કરી દેવામાં આવી છે. આ વખતે લોકસભાની ચૂંટણી કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા અત્યારથી જ કવાયત હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ફતેપુરા તાલુકાના અતિસંવેદનશીલ ગણાતા તાલુકાના સાત ગામોના બુથોની મુલાકાત દાહોદ જિલ્લા કલેક્ટર,એસપી સહિ‌તના અધિકારીઓએ લઇ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે આયોજન કર્યુ હતું.
દાહોદ કલેક્ટર ડી.એ.સત્યા, દાહોદ જિલ્લા પોલીસ વડા એમ.એ. ચાવડા, ફતેપુરા મામલતદાર વી.એમ.પ્રજાપતિ, ફતેપુરા સુખસરના પી.એસ.આઇ, ચૂંટણી અધિકારીઓએ તાલુકાના સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લીધી હતી. તાલુકાના અતિ સંવેદનશીલ ગણાતા ઘુઘસ, નળવા ફળિયા, પ્રા.શાળા બુથ, ભીચોર પ્રા.શાળા, મોટી ઢડેલી, મોટા નટવા, આસપુર, ચીખલી, કુડંલાના ગોના બુથોની મુલાકાત લઇ આ વિસ્તારોમાં શાંતિપૂર્ણ માહોલમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી યોજાય તે માટેની પૂર્વ તૈયારીઓ અત્યારથી જ આરંભી દીધી છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ વિસ્તારના ગામોમાં અગાઉ ચૂંટણી સમયે મતદાન પેટીઓને લૂંટવાનો પ્રયાસ, મતદાન બુથો કેપ્ચરિંગ કરવા જેવી ઘટનાઓ અગાઉ બની ચૂકી છે. જેને લઇ ચૂંટણી અધિકારીઓ કાર્યવાહી કરી રહ્યા છે.