• Gujarati News
  • ગરમીને પગલે ઇમર્જન્સી કેસમાં વધારો

ગરમીને પગલે ઇમર્જન્સી કેસમાં વધારો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- શહેરમાં ૨પ દિવસમાં હીટવેવને કારણે ૧પ૦ને અસર

ભાસ્કર ન્યૂઝ. વડોદરા

છેલ્લાં કેટલાંય સમયથી ગરમીનું તાપમાન વધી રહ્યું છે. ચાલુ વર્ષે એપ્રિલ માસના પ્રથમ ૨પ દિવસમાં ૧૦૮ ઈમરજન્સી સેવાને શહેરમાંથી કુલ ૧પ૦ કેસ ગરમીને કારણે ઉદભવતી સમસ્યાને કારણે મળ્યા છે. રસપ્રદ બાબત એ છે કે, છેલ્લાં ત્રણ વર્ષ દરમ્યાન આ કેસમાં ચોંકાવનારો વધારો જોવા મળ્યો છે.

આ અંગેની મળતી માહિ‌તી અનુસાર, છેલ્લાં કેટલાંય સમયથી સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો પ્રતિદિન ઊંચે જઈ રહ્યો છે. ગરમીને કારણે સામાન્ય નાગરિકો ત્રાહિ‌મામ પોકારી ઉઠયાં છે. બપોરના સમયે શહેરના રસ્તાઓ સુમસામ ભાસી રહ્યાં છે. શહેરનું તાપમાન પણ છેલ્લાં કેટલાંય સમયથી ૪૦થી ૪૨ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે ત્યારે બીજી તરફ ગરમીને કારણે બેભાન થઈ જવું, બેચેની આવી જવી, હૃદયનો હુમલો, ડિહાઈડ્રેશન અને તેને કારણે ડાયેરીયા, વોમીટીંગ વગરે જેવી સમસ્યા ચિંતાજનક તબક્કે ઊંચી જોવા મળી છે.

એક માહિ‌તી અનુસાર, છેલ્લાં ત્રણ વર્ષ દરમ્યાન ગ્રીષ્મની ઋતુને કારણે આવા બનાવો પ્રતિ વર્ષ વધ્યા છે. વર્ષ ૨૦૧૧-૧૨માં આ પ્રકારના કુલ ૨૨૦૬ કેસ નોંધાયા હતા. આ કેસમાં પછીના વર્ષમાં વધારો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૧૨-૧૩માં ૨૧૦૭ અને વર્ષ ૨૦૧૩-૧૪માં ૨પ૩૧ કેસ નોંધાયા હતા. ગરમીનો પારો ઊંચે જતા આવી સમસ્યા સામાન્ય બનતી હોય છે ત્યારે એ સમયે વધુ પાણી પીવું અને શક્ય હોય તો લીબું શરબત પીવાની સલાહ આપી શક્ય ગરમીના પ્રભાવથી બચવું જોઈએ.

બોક્સ મેટર - ૧

ઓછામાં ઓછું ચાર લિટર પાણી પીવું જોઈએ

ઉનાળાની ઋતુમાં શરીરમાં પાણી ઘટવાની સમસ્યા વધી જાય છે. આ સમસ્યા નિવારવા માટે ૨૪ કલાક દરમ્યાન ઓછામાં ઓછું ચાર લિટર પાણી પીવું જોઈએ. આ ઉપરાંત લીબું શરબત અને ઓઆરએસનો પણ ઉપયોગ કરી સંભવિત સમસ્યાથી બચવું જોઈએ. આ સિવાય, બહારની ખાણી-પીણી, જંકફૂડ લેવાનું ટાળવું જોઈએ.

ડો. આચાર્ય જયંત, ફીજીશ્યન