• Gujarati News
  • ચૂંટણી ચક્રવ્યૂહ લોકસભાની ચૂંટણીના સળવળાટ વચ્ચે હજી નામોની ચર્ચા સુઘ્ઘાં થઇ નથી

ચૂંટણી ચક્રવ્યૂહ લોકસભાની ચૂંટણીના સળવળાટ વચ્ચે હજી નામોની ચર્ચા સુઘ્ઘાં થઇ નથી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વડોદરા
લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ મધ્ય ગુજરાતમાં ભાજપી મોરચે ભારે સળવળાટ શરૂ થઇ ગયો છે પણ હજી સુધી દાવેદારોના નામોની ચર્ચા મોવડીમંડળે કરી નથી. આ સંજોગોમાં હવે હોળી પછી ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરીની બેઠકમાં પેનલના નામોની ચર્ચા કરવામાં આવનાર છે.
મધ્ય ગુજરાત સહિ‌ત રાજયની તમામ ૨૬ બેઠક માટે તા.૩૦ એપ્રિલે ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી કરવા માટે ભાજપે નિરીક્ષકોની પેનલ બેઠક દીઠ બનાવી હતી અને સુનાવણી કરી હતી. આ સુનાવણી પછી પ્રદેશ પાર્લામેન્ટરી બો‌ર્ડ‌ની બેઠક મળી હતી પણ તેમાં હજી સુધી કોઇ નામોની ચર્ચા કરવામાં આવી નથી. મધ્ય ગુજરાતની વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને ભરૂચ બેઠક પૈકી ભાજપ પાસે ચાર બેઠક છે અને એક બેઠક((દાહોદ)) કોંગ્રેસના ફાળે છે. લોકસભાની ચૂંટણી પૂર્વે નરેન્દ્ર મોદીને ભાજપે વડાપ્રધાનના ઉમેદવાર તરીકે ઘોષિત કરી દેવાયા છે ત્યારે તેઓ ગુજરાતની ૨૬ પૈકી કોઇ બેઠક ઉપરથી ઝંપલાવશે કે કેમ તે હજી સુધી અનિિર્ણત છે.આ સંજોગોમાં, ભાજપે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખોલી નાંખ્યા છે પણ ઉમેદવાર વગર પ્રચાર કયાં કરવા જવુ તે અંગે ખુદ હોદ્દેદારો પણ અવઢવમા છે. ભાજપ માટે હાલમાં નરેન્દ્ર મોદીની બેઠકની સાથોસાથ એલ કે અડવાણીની ગાંધીનગર બેઠકનો મુદ્દો પેચીદો બની રહ્યો છે અને તેના કારણે મધ્ય ગુજરાતની પાંચેય બેઠકના ઉમેદવારોની પસંદગી ઘોંચમાં પડી છે. જેના કારણે, ભાજપના મધ્ય ગુજરાતના ચારેય સાંસદ ઉમેદવારો ખોંખારીને સત્તાવાર પ્રચારનો પ્રારંભ કરી શકતા નથી તેવી હાલત છે.
મધ્ય ગુજરાતની તમામ બેઠકો હાંસલ કરવા માટે ભાજપે ઉમેદવારોની પસંદગીમાં ગોથુ ના ખાઇ જવાય તે માટેની વ્યૂહરચના ઘડી છે. મધ્ય ગુજરાતમાં ભાજપના આંતરિક વિવાદોને ડામી દેવા માટે ડેમેજ કંટ્રોલ માટે એક ટીમ કાર્યરત થઇ ગઇ છે અને જૂના જોગીઓ તેમજ અસંતુષ્ટ જૂથના મનામણા માટેની ગતિવિધી તેજ કરવામાં આવી છે. ભાજપે મધ્ય ગુજરાતની તમામ પાંચ બેઠક ઉપર કાર્યકરોના સ્વીકૃત અને પ્રજામાં લોકપ્રિય હોય તેવા ઉમેદવારની પસંદગી કરવાની દિશામાં કવાયત આદરી છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મધ્ય ગુજરાતથી સુપેરે પરિચિ‌ત છે ત્યારે ઉમેદવારોની પસંદગીમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.