• Gujarati News
  • કાર્યક્ષેત્રની બહાર માટી ભરીને જઇ રહેલા ડમ્પર ચાલકને અટકાવ્યા હતા

કાર્યક્ષેત્રની બહાર માટી ભરીને જઇ રહેલા ડમ્પર ચાલકને અટકાવ્યા હતા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . વડોદરા
અંપાડ ગામે માટી ભરીને લઇ જતા ડમ્પર ચાલક પાસે સિંચાઇ વિભાગના ઇજનેરે રોયલ્ટી પાસ માગતા વિખવાદ થયો હતો. ડમ્પર માલિકે ડ્રાઇવરને માટી ભરેલું ડમ્પર લઇ ભગાડી મૂકતા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. રોયલ્ટી પાસના મુદ્દે વિવાદ ઊભો થતાં કાર્યપાલક ઇજનેરે કાર્યક્ષેત્રની બહાર કામગીરી કરનાર સિંચાઇ વિભાગના કર્મચારી હસમુખ પ્રજાપતિનો ખુલાસો માગતા સરકારી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
વડોદરા તાલુકાના અંપાડ ગામે ગત રવિવારે સવારે માટી ભરીને લઇ જતા ડમ્પરને સિંચાઇ યોજના પેટાવિભાગમાં ફરજ બજાવતા ઇજનેર અને હાલ પાદરા મતવિસ્તારમાં ચૂંટણી કામગીરીના ઝોનલ ઓફિસર હસમુખભાઇ પ્રજાપતિએ અટકાવી ડ્રાઇવર પાસે રોયલ્ટી પાસ માગ્યો હતો. ડમ્પર ચાલક માનબહાદુરે માલિક કમલેશ ધૂળાભાઇ રબારીને બોલાવતા અધિકારી સાથે ઝઘડો થયો હતો. ઇજનેરે સરકારી કામમાં રૂકાવટ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી.
સિંચાઇ વિભાગના અધિકારી ખાણખનીજ વિભાગની કામગીરી કરવા કેવી રીતે ગયા તે બાબતે વિવાદ સર્જા‍યો હતો. મામલતદારના કહેવાથી તેમણે માટી ભરેલું ડમ્પર અટકાવ્યું હતું જ્યારે મામલતદાર વણઝારાએ પણ હસમુખ પ્રજાપતિને કહ્યું હોવાનું જણાવ્યું હતું. જોકે, મૌખિક સૂચનાથી કામગીરી કેવી રીતે સોંપાઇ તેવો પણ સરકારી કર્મચારીઓમાં ગણગણાટ શરૂ થયો હતો. કુબેરભુવન સિંચાઇ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીમાં કામ કરતા હસમુખ પ્રજાપતિ તેમના કાર્યક્ષેત્રની બહાર કામગીરી કરવા માટે કેવી રીતે ગયા તે અંગે તેમનો ખુલાસો પૂછવામાં આવ્યો છે. કાર્યપાલક ઇજનેરે તેમને આ બાબતે સ્પષ્ટતા કરવા માટે કહ્યું છે. કાર્યપાલક ઇજનેર જે.કે. પટેલને પૂછતા તેમણે પણ ઇજનેર હસમુખ પ્રજાપતિનો ખુલાસો પૂછ્યો હોવાની વાતને સમર્થન આપ્યું હતું. ઈજનેર હસમુખ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મને ખુલાસા અંગેનો પત્ર મળ્યો છે. જે વાચ્યા બાદ કાલે હું જવાબ આપીશ.