• Gujarati News
  • ઢાંકપિછોડો અમદાવાદનો ડોન ૧૦ સાગરીતો સાથે વડોદરા દોડી આવ્યો

ઢાંકપિછોડો અમદાવાદનો ડોન ૧૦ સાગરીતો સાથે વડોદરા દોડી આવ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . વડોદરા
આરટીઆઇ એક્ટિવિસ્ટ સલીમ મસાણિયા હત્યા કેસમાં ભીનું સંકેલી લેવા અમદાવાદના કુખ્યાત અબ્દુલ વહાબ અને તેના સાગરીતો સક્રિય બન્યા છે. ગત શુક્રવારે બપોરે ૩ વૈભવી કારમાં લઇને ૧૦ શખ્સો નવાબવાડા સ્થિત સલીમ મસાણિયાના ઘરે પહોંચ્યા હતા. મસાણિયાની પત્નીએ શૌહર કી લાશ પે કોઇ સોદા નહિ‌ હોગા તેમ પરખાવી દેતાં ગેંગસ્ટરો રવાના થયા હતા. કેસમાં ~૩ કરોડમાં સમાધાન થયાની અફવા વહેતી થઇ છે.
આરટીઆઇ એક્ટિવિસ્ટ સલીમ શેખ ઉર્ફે મસાણિયાની ગત ૩૧મી મેએ રાત્રે ફતેપુરા પાસે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઇ હતી. હત્યામાં પોલીસે કાવતરાખોર ગની હાસમખાન પઠાણ અને ઐયુબ હાસમખાન પઠાણ સહિ‌તના આરોપીઓની ધરપકડ
કરી હતી.
આધારભૂત સૂત્રો અનુસાર, તાજના સાક્ષી ફિરોજ પઠાણની હત્યાના પ્રયાસના કેસના ટ્રાયલ બાદ જ જામીન અરજી મૂકવી પડે તેવી સ્થિતિ સર્જા‍તાં નામચીન ગની અને ઐયુબ પઠાણે અમદાવાદના ગેંગસ્ટર અબ્દુલ વહાબને મધ્યસ્થી બનાવ્યો હતો. ગત શુક્રવારે બપોરે નમાજ બાદ ૩ વાગ્યાના
સુમારે અબ્દુલ વહાબ, જફર બચ્ચન, યુસુફ લપલપ, મુન્ના પાટા અને સઇદ સહિ‌ત ૧૦ શખ્સો નવાબવાડા સ્થિત સલીમના ઘરે આવ્યા હતા. મસાણિયાની પત્નીને તેમણે આપ કી જરૂરિયાત ક્યા હૈ, ૧૬ લોંગો કે પરિવારવાલે પરેશાન હૈં કહી સમજાવટની કોશિશ કરી હતી, પરંતુ તેમણે કો‌ર્ટ હૈ, પુલિસ હૈ, કાનૂન હૈ , વો હમેં ન્યાય દેંગે તેમ સંભળાવી દીધું હતું. મેરે શોહર કી લાશ પે કોઇ સોદાબાજી નહિ‌ થાય તેમ સ્પષ્ટ સંભળાવી દેતાં ગેંગસ્ટરો રવાના થઇ ગયા હતા. આ કેસમાં ૩ કરોડની સોદાબાજી થઇ હોવાની વાતો વહેતી થઇ હતી. મસાણિયાના ઘરેથી અબ્દુલ વહાબ અને તેના સાગરીતો સેન્ટ્રલ જેલ પર ગની પઠાણની મુલાકાત લેવા ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.