• Gujarati News
  • પાટિદાર સમાજના ડોક્ટરો પરિવારોને બેઠા કરશે

પાટિદાર સમાજના ડોક્ટરો પરિવારોને બેઠા કરશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
લેઉવા અને કડવા પાટિદારોની એકતા માટે કામ કરતી સંસ્થા કડવા પાટિદાર પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં સમગ્ર રાજ્યભરમાંથી પાટિદાર ડોક્ટરોના સંમેલનનું આયોજન કર્યુ છે. આ સંમેલન દ્વારા રાજ્યભરમાં વસતા પાટિદાર ડોક્ટરોને ભેગા કરવામાં આવશે અને તેનાથી સમાજને સરળતાથી મેડિકલ સવલતો મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. અગાઉનાં વર્ષોમાં પાટિદાર સમાજની સેવાના હેતુથી લવ-કુશ પાટિદાર ડોક્ટર પરિવાર શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ તે આયોજન અને વહીવટને અભાવે ભાંગી પડયો હતો. આથી ફરિવાર તેને સમાજના કલ્યાણઅર્થે ઊભો કરવામાં આવશે.
કડવા પાટિદાર પરિવાર ટ્રસ્ટના પ્રમુખ ભીખુભાઇ પટેલના જણાવ્યાનુસાર, પાટિદારોના શિક્ષણ, મેડિકલ અને સમાજક્ષેત્રે કલ્યાણ કરવા માટે લગ્ન સહાય કેન્દ્ર, કડવા પાટિદાર સારસ્વત પરિવાર અને ડોકટર પરિવાર શરૂ કરવામાં આવ્યો છે. જાન્યુઆરી મહિ‌નામાં કોબા ખાતે યોજાનારા એક સમારંભમાં સમગ્ર પાટિદાર સમાજના ૨પ૦૦થી વધુ ડોક્ટરોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સમારંભમાં રાજકોટ, મહેસાણા, જૂનાગઢ, કચ્છ, નડિયાદ સહિ‌તના શહેરોમાંથી ડોક્ટરો ઉપસ્થિત રહેવાના છે. પાટિદાર સમાજ રાજ્યભરમાં વિસ્તરેલો છે. દરેક વ્યક્તિને મેડિકલ સહાયની જરૂર પડે છે. હાલમાં મેડિકલ સુવિધા ખૂબ જ મોંઘી બની છે. ગરીબ અને મધ્યમ વર્ગના ઘણા ખરા નાણા તેમાં ખર્ચાઇ જાય છે.
આમ સમાજના જરૂરિયાતવાળા લોકોને જરૂરી તમામ મેડિકલ સવલતો ઓછા ખર્ચે અને ઝડપથી મળી રહેશે. આ સાથે ડોક્ટર પરિવાર દ્વારા નિયત સમયે બ્લડ ડોનેશન, નેત્રદાન- આઇચેકઅપ, ડાયાબિટીસ જેવા હેલ્થ ચેકઅપના કેમ્પ પણ યોજવામાં આવશે. આ સાથે સમારંભમાં ડોક્ટર પરિવારના પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવશે.
ડોક્ટર પરિવાર દ્વારા સમાજના કલ્યાણ માટે પણ નાણા એકઠા કરવામાં આવશે સાથોસાથ જરૂરિયાતવાળાને નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવશે. વિદ્યાર્થીઓને સ્કોલપરશિપ આપવાની પણ સુવિધા ઊભી કરાશે. પાટિદાર સમાજમાં કડવા અને લેઉવાનો ભેદ ભૂલીને સમગ્ર પાટિદારો એકત્ર થાય અને તેમની ઉન્નતિ થાય તે હેતુથી વિવિધ કાર્યો કરવામાં આવે છે.