• Gujarati News
  • વિદાય મેચમાં મોટા ભાગના સ્ટાર ખેલાડી ચમકદાર દેખાવ નથી કરી શક્યા

વિદાય મેચમાં મોટા ભાગના સ્ટાર ખેલાડી ચમકદાર દેખાવ નથી કરી શક્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી. નવીદિલ્હી
બ્રાયન લારા સહિ‌ત વિશ્વભરના ક્રિકેટ પ્રશંસક ઈચ્છે છે કે સચિન તેની વિદાય ટેસ્ટ મેચમાં મોટી સદી ફટકારે પરંતુ ઈતિહાસ સાક્ષી છે કે કેટલાક અપવાદોને બાદ કરતા વિશ્વના મોટા ભાગના સ્ટાર ક્રિકેટર પોતાની છેલ્લી મેચમાં ચમકદાર દેખાવ કરી શક્યા નથી. સચિન વેસ્ટ ઈન્ડીઝ સામે ૧૪ નવેમ્બરથી પોતાની ૨૦૦મી અને છેલ્લી ટેસ્ટ રમશે. વેસ્ટ ઈન્ડીઝનો મહાન બેટ્સમેન લારા કરાચીમાં ૨૦૦૬માં પોતાની છેલ્લી ટેસ્ટ રમ્યો હતો જેમાં તે શૂન્ય અને ૪૯ રન બનાવી શક્યો હતો. જોકે તેણે ૨૧ એપ્રિલ ૨૦૦૭ એ ઈંગ્લેન્ડ સામે વિશ્વ કપની મેચ રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કરી હતી. આ મેચમાં લારા ૧૮ રન બનાવીને આઉટ થઈ ગયો હતો અને પ્રેક્ષકો નિરાશ થયા હતા.
ડોન બ્રેડમેન : પોતાની કેરિયરમાં રનનો અંબાર લગાવનારા સર ડોન બ્રેડમેન અંતિમ ટેસ્ટની ઈનિંગ્સમાં શૂન્ય પર આઉટ થયા હતા. તેઓ આ મેચમાં ચાર રન બનાવી લેત તો તેમની સરેરાશ ૧૦૦ પર પહોંચી જાત પરંતુ એલિક હોલિઝે તેમને બોલ્ડ કરી દીધા હતા. બ્રેડમેન આ મેચમાં માત્ર બે બોલ રમી શક્યા હતા.
ગારફિલ્ડ સોબ‌ર્સ : ક્રિકેટ ઈતિહાસમાં પોતાની વિશેષ ઓળખ ઊભી કરનારા ગારફિલ્ડ સોબ‌ર્સ પણ પોતાની છેલ્લી ટેસ્ટ મેચની પહેલી ઈનિંગ્સમાં ખાતું ખોલાવી શક્યા નહતા જ્યારે બીજા દાવમાં તેણે ૨૦ રન બનાવ્યા હતા.
ઈયાન બોથમ : ઈંગ્લેન્ડના મહાન ઓલરાઉન્ડર ઈયાન બોથમ પોતાની અંતિમ ટેસ્ટ મેચમાં બે અને છ રન જ બનાવી શક્યા હતા. વળી સમગ્ર મેચમાં તેણે માત્ર પાંચ ઓવર બોલિંગ કરી હતી.
.... આ ખેલાડીઓ પણ નિષ્ફળ રહ્યા
ઈયાન ચેપલ, ક્લાઈવ લોઈડ, વિવ રિચ‌ર્ડ‌સ, સનથ જયસૂર્યા અને સ્ટીફન ફલેમિંગની તેમની વિદાય મેચમાં રમેલી અડધી સદીઓ યાદગાર બની શકી નહતી. પોતાની કારકિર્દી દરમિયાન વિશ્વભરના બેટ્સમેનોને પોતાની કલાઈના જાદૂથી છકાવનાર શેન ર્વોન પોતાની છેલ્લી ટેસ્ટ મેચમાં માત્ર બે વિકેટ ઝડપી શક્યો હતો. બેટિંગમાં તેણે ચોક્કસ ૭૧ રન બનાવીને પ્રેક્ષકોને રોમાંચિત કર્યા હતા.
કપિલદેવ : ભારતના મહાન ઓલરાઉન્ડર કપિલદેવે પોતાની વિદાય ટેસ્ટમાં બે વિકેટ લીધી અને ૧૮ રન બનાવ્યા હતા. તેણે વન-ડે મેચ રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી હતી. એ મેચમાં તેણે પાંચ ઓવરમાં ૩૭ રન આપ્યા હતા અને બેટિંગમાં માત્ર ૧૨ રન બનાવ્યા હતા.
વસિમ અકરમ : પાકિસ્તાનના વસિમ અકરમે પોતાની છેલ્લી ટેસ્ટ મેચમાં માત્ર ૨.૪ ઓવર બોલિંગ કરી હતી. ઈજા હોવાને લીધે તેને બેટિંગની તક મળી નહતી. તેની છેલ્લી વન-ડે વરસાદને લીધે ધોવાઈ ગઈ હતી.અકરમના આદર્શ રહેલા ઈમરાન ખાનની વિદાય શાનદાર રહી હતી. ઈમરાને ભલે તેની છેલ્લી ટેસ્ટમાં બોલિંગ ન કરી તથા ૨૨ અને શૂન્ય રને આઉટ થઈ ગયો પરંતુ તેણે ૧૯૯૨માં પોતાની ટીમને વિશ્વ કપ અપાવીને ક્રિકેટને અલવિદા કહ્યું હતું.
મુરલીધરન : શ્રીલંકાના મુથૈયા મુરલીધરને પણ ૨૦૧૦માં ગાલેમાં ભારત સામે પોતાની વિદાય મેચમાં આઠ વિકેટ ઝડપીને પોતાની ટીમના વિજયમાં અહમ ભૂમિકા નિભાવી હતી.
.... તેમણે ફટકારી બેવડી સદી
અરવિંદ ડીસિલ્વા : શ્રીલંકાના અરવિંદ ડીસિલ્વાએ પોતાની છેલ્લી મેચમાં રમેલી ઈનિંગ્સને કોઈ ભૂલી શકે એમ નથી. ડીસિલ્વાએ બાંગ્લાદેશ સામે ૨૦૦૨માં કોલંબોમાં ૨૦૬ રન બનાવીને ક્રિકેટને અલવિદા કહી હતી. ડીસિલ્વા સિવાય જે ખેલાડીઓએ પોતાની વિદાય ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારી હોય એમાં ઓસ્ટ્રેલિયાના બિલ પોન્સફો‌ર્ડ‌ અને વેસ્ટ ઈન્ડીઝના સેમોર ન‌ર્સનો સમાવેશ થાય છે. પોન્સફો‌ર્ડ‌ ૨૬૬ અને ન‌ર્સ ૨પ૮ રનની મોટી ઈનિંગ્સ રમીને નિવૃત્ત થયા હતા.
નાસિર હુસૈનની વિદાયની સદી : ઈંગ્લેન્ડના પૂર્વ સુકાની નાસિર હુસૈને જોરદાર ઈનિંગ્સ રમીને નિવૃત્તિ લીધી હતી. તેણે ૨૦૦૪માં ન્યૂઝીલેન્ડ સામે લો‌ર્ડ‌સ ખાતે ચોથી ઈનિંગ્સમાં અણનમ ૧૦૩ રન બનાવીને પોતાની ટીમને વિજય અપાવ્યો અને ક્રિકેટને અલવિદા કહી હતી.