• Gujarati News
  • બટાકા હોલસેલમાં ~૪૦૦ મણ

બટાકા હોલસેલમાં ~૪૦૦ મણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ ડીસા, અમદાવાદ
શાકભાજીના રાજા ગણાતા બટાકાના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. દેશભરમાં બટાકા હબ તરીકે ખ્યાતિ પ્રાપ્ત ડીસાના બટાકાનો ભાવ ઓલ ટાઇમ હાઇ થઇ ગયો છે. બટાકામાં ૧પ વર્ષ બાદ અણધારી તેજી આવતાં હાલ હોલસેલ માર્કેટમાં પ્રતિ કિલો બટાકાના રૂ. ૨૦ બોલાઇ રહ્યા છે. જોકે, આ તેજી ટૂંક સમય જ રહેશે અને ૧પ ડિસેમ્બર આજબાજુ પરપ્રાંતના નવા બટાકાની માર્કેટમાં આવકો થતાં ભાવ ઘટશે તેમ આ ક્ષેત્રના નિષ્ણાતો જણાવી રહ્યા છે. નોંધપાત્ર છે કે આજથી ૧પ વર્ષ અગાઉ બટાકાનો ૨૦ કિલોનો ભાવ રૂ.૩૨૦ એટલે કે કિલોનો ભાવ રૂ.૧૬ હતો. જે તે સમયનો સૌથી ઊંચો ભાવ હતો.
બટાકાના ઉત્પાદનમાં મોખરે રહેતાં ડીસા પંથકમાં હાલ બટાકાની વાવણીની સિઝન ચાલી રહી છે. ચાલુ વર્ષે બિયારણનો ભાવ ખૂબ જ મોંઘો ((રૂ. ૧૨૦૦ પ્રતિ કટ્ટા))નો છે. જોકે, ખેડૂતોએ અગાઉથી વાવણીની તૈયારી કરી હોવાથી બિયારણ મોંઘું હોવા છતાં ૩૨-૩૩ હજાર હેક્ટર જમીનમાં વાવેતરનો અંદાજ છે. ગત વર્ષે દિવાળી અગાઉ વાવેતર પૂર્ણ થઇ ચૂક્યું હતું પરંતુ ચાલુ વર્ષે પાછોતરો વરસાદ અને વાવાઝોડાના કારણે વાવેતર લેટ થયું છે.
બટાકાના વેપારી પરેશભાઇ માળીએ જણાવ્યું હતું કે, ૧પ વર્ષ બાદ આ પ્રકારની તેજી આવી છે. બટાકાનો ભાવ હાલમાં ઓલ ટાઇમ હાઇ છે.જ્યારે ડીસામાં કોલ્ડ સ્ટોરેજોમાં હાલ ૧૦ લાખ કટ્ટા છે. શરૂઆતથી માલની શો‌ર્ટેજ હતી જ અને હવે અચાનક ખપત વધતાં ભાવ ઉંચકાયા છે.’ બંગાળ સરકારે ૩૦ ઓક્ટોબરના રોજ એક બેઠક યોજી હતી અને ત્યાંનો પુરવઠો અન્ય રાજ્યમાં ન વેચવા માટે રોક લગાવી દીધી જેના પરિણામે બંગાળથી જતા ઓરિસ્સા, આંધ્ર, તામિલનાડુ અને કર્ણાટકમાં શો‌ર્ટેજ આવી જેનો ગેપ યુ.પીના આગ્રાએ પૂરો પાડતા ત્યાંનો માલ મોટા ભાગનો પીવાઇ ગયો છે.