• Gujarati News
  • ઓકે....પોલીસનું ચુસ્ત ચેકિંગ છતાં લૂંટારું વૃદ્ધાના હાથમાંથી બંગડી કાપી ગયા

ઓકે....પોલીસનું ચુસ્ત ચેકિંગ છતાં લૂંટારું વૃદ્ધાના હાથમાંથી બંગડી કાપી ગયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
કોમ્બિંગ નાઈટ, આ પત્યા પછી સવારે દસ વાગ્યાથી બપોરે અઢી વાગ્યા સુધી દરેક પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓને વાહન ચેકિંગમાં ઉતાર્યા છતાં વસ્ત્રાપુરમાં લૂંટની ઘટના બની છે. વહેલી પરોઢિયે નહેરૂપાર્ક પાસેના વૃંદાવન એપા‌ર્ટમેન્ટમાં રહેતા ૭પ વર્ષી‍ય વૃદ્ધા ફલેટ નીચે ફૂલ લેવા ઊભા હતા ત્યારે બાઈક પર આવેલા બે લૂંટારુઓએ અન્ય મહિ‌લાના ઘરનું સરનામું પૂછી તેમનું મોઢું દબાવી હાથે પહેરેલી સોનાની બંગડી કાપી લૂંટી ગયા હતા.
નહેરૂપાર્ક પાસે આવેલા વૃંદાવન એપા‌ર્ટમેન્ટમાં રહેતા તારાબેન મોહનલાલ પરમાર ((ઉં.૭પ)) સોમવારે સવારે સાત વાગ્યાના અરસામાં પોતાના ફલેટ નીચે ફૂલ લેવા નીકળ્યા હતા. રોજિંદા ક્રમ અનુસાર તેઓ મંદિર જતા પૂર્વે અહીંથી ફૂલ લઈને જતા હોય છે. આજે સવારે તેઓ નીકળ્યા ત્યારે બાઈક પર બે અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા. જે પૈકીના પાછળ બેઠેલા શખ્સે તારાબેનને માજી જસીબેન કયાં રહે છે ? તેવી પૃચ્છા કરી હતી. હજુ તારાબેન કંઈ સમજે કે કંઈ બોલે તે પહેલાં જ બાઈક પર આગળ બેઠેલા શખ્સે તારાબેનનું મોઢું દબાવી દઈ કોઈ સાધન વડે તેમના હાથમાં પહેરેલી ૩ તોલા સોનાની બંગડી કિં.રૂ.૬૦ હજારની મતાની કાપી ફરાર થઈ ગયા હતા. તારાબેને પરિવારને જાણ કર્યા બાદ આ અંગે વસ્ત્રાપુર પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.
બોકસ
સવારે દસથી બપોરે અઢી પોલીસસ્ટેશનો ખાલીખમ
છેલ્લા ચાર દિવસથી સતત અમદાવાદમાં પોલીસ કમિશનર શિવાનંદ ઝાના આદેશથી પોલીસ કોમ્બિંગ નાઈટ કરે છે. આજે સોમવારે સવારે પણ એકાએક પોલીસ માટે નવો આદેશ થયો હતો. જે અનુસાર, દરેક પોલીસ સ્ટેશનના વહીવટી સ્ટાફથી માંડીને તમામ પોલીસ કર્મચારીઓને તેમના પોલીસમથક હદ વિસ્તારમાં વાહનચેકિંગમાં નીકળવા આદેશ કર્યો હતો. જેને પગલે આ ગાળામાં દરેક પોલીસસ્ટેશન ખાલીખમ જોવા મળ્યા હતા.