• Gujarati News
  • સહકારી માળખાને તોડવાનું કામ કેન્દ્ર સરકાર કરી રહી છે : મોદી

સહકારી માળખાને તોડવાનું કામ કેન્દ્ર સરકાર કરી રહી છે : મોદી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ ડીસા
ગુજરાતના ગૌરવ સમા સહકારી માળખા પર કેન્દ્ર સરકાર કુદૃષ્ટી રાખી તેને તોડવાનું પાપ કરી રહી છે તેમ ડીસા ખાતે બનાસ બેન્કના નવનિર્મિ‌ત બનાસ ભવન’નું લોકાર્પણ કરતાં રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. નરેન્દ્ર મોદીએ રાજ્યમાં છેલ્લા દસકામાં સહકારી ક્ષેત્રોનો વિકાસ કરી પ્રગતિનો પથ આપ્યો હોવાનો પણ દાવો કર્યો હતો.વર્તમાન કેન્દ્ર સરકાર રાજ્યની સહકારી બેન્કીંગ પ્રવૃત્તિઓનો વિકાસ રૂંધી રહી છે. કેન્દ્રીય નાણાં પ્રધાને સહકારી બેન્કીંગ સંસ્થાઓને આવકવેરાની જોગવાઈઓ લાગુ પાડી છે જેનાથી સૌથી વધુ નુકસાન ગુજરાતને થઈ રહ્યું છે.આ પ્રસંગે તેમણે કેન્દ્ર સરકાર કરતાં ઉત્તર પ્રદેશ સરકારને ટાર્ગેટ બનાવી ગુજરાતના સહકારી માળખામાંથી શીખ લેવા
જણાવ્યું હતું.
નરેન્દ્ર મોદીએ સહકારી
ક્ષેત્રની પ્રગતિ પોતાના શાસનમાં થઇ હોવાનું જણાવતાં કહ્યું હતું કે, હું મુખ્યમંત્રી તરીકે આવ્યો ત્યારે ગુજરાત ભૂકંપથી તારાજ હતું અને બીજો ભૂકંપ માધવપુરા બેન્કનો આવ્યો હતો. જેનાથી અનેક નાગરિક-સહકારી બેન્કો ડૂબવા લાગી હતી. તે સમયે ખેરખાંઓ સહકારી આગેવાનો હતા. તેમને ભેગા કરી સહકારી ક્ષેત્ર માટે કડક અને કઠોર નિયમો બનાવ્યા જેથી સહકારી માળખું બચી ગયું હતું. આજ સ્થિતિમાં બનાસ બેન્ક પણ ડચકાં ખાતી હતી ત્યારે શંકરભાઇ ચૌધરીએ બેન્કની કમાન સંભાળી અને ખેડૂતોના હિ‌ત માટે મહેનત કરી છ વર્ષમાં બેન્કને રાજ્યની શ્રેષ્ઠ સહકારી બેન્કની હરોળમાં મૂકી દીધી છે.’