• Gujarati News
  • ઇરાને મિસાઇલ બનાવવાની ફેક્ટરી શરૂ કરી

ઇરાને મિસાઇલ બનાવવાની ફેક્ટરી શરૂ કરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી. તેહરાન

ઇરાનના પરમાણુ કાર્યક્રમના વિવાદ વચ્ચે શનિવારે ઇરાને મિસાઇલ બનાવવાની નવી ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું છે. સંરક્ષણ પ્રધાન જનરલ હુસેન દેહગાને આ પ્રસંગે જણાવ્યું કે દેશની હવાઇ સુરક્ષા માટે આ બહુ જરૂરી છે.

આ ફેક્ટરીમાં સૈયાદ-૨ મિસાઇલો બનશે. આ મિસાઇલો હેલિકોપ્ટરો, ડ્રોન તેમ જ અન્ય મધ્યમ અંતરના હવાઇ હુમલા કરનારાઓને નિશાન બનાવવામાં સક્ષમ હશે. દેહગાને જણાવ્યું કે વિજ્ઞાનીઓએ તલાશ નામની અન્ય એક મિસાઇલ પ્રણાલી તૈયાર કરી છે. ઇરાન ૧૯૯૨થી પોતાની હવાઇ અને દરિયાઇ સરહદોની સુરક્ષા કરવાની તૈયારીઓમાં લાગેલું છે.

દરમિયાન, જિનેવામાં ઇરાનના પરમાણુ કાર્યક્રમ અંગે છ મહાસત્તાઓની યોજાયેલી બેઠકમાં શનિવારે પણ કોઇ ખાસ પરિણામ આવી શક્યું નથી. આ દેશોના વિદેશ પ્રધાનોની બેઠકનો ત્રીજો દિવસ હતો. ફ્રાન્સના વિદેશ પ્રધાન લોરેં ફાબિયાંએ જણાવ્યું કે તેમને આ બેઠકથી કોઇ ખાસ અપેક્ષા નથી, જ્યારે બ્રિટિશ વિદેશ પ્રધાન વિલિયમ હોગે જણાવ્યું મંત્રણામાં બહુ સારી પ્રગતિ થઇ છે પરંતુ મહત્ત્વના મુદ્દાઓનો કોઇ ઉકેલ આવ્યો નથી. ઇરાનના વિદેશ પ્રધાન મોહંમદ જાવેદ જરીફે ફ્રાન્સ સામે અમેરિકાથી પણ વધુ કડક વલણ અપનાવવાનો આરોપ મૂક્યો છે.