• Gujarati News
  • સ્પષ્ટ આદેશ ખાતેદારનાં મૃત્યુ બાદ વારસદારોને નાણા મેળવવામાં પડતી તકલીફોને દૂર કરતો આરબીઆઈનો ન

સ્પષ્ટ આદેશ ખાતેદારનાં મૃત્યુ બાદ વારસદારોને નાણા મેળવવામાં પડતી તકલીફોને દૂર કરતો આરબીઆઈનો નિર્દેશ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
((-------------)) અમદાવાદ,

મૃત્યુ પામેલા થાપણદારનાં નાણાં મેળવવા માટે તેમના વારસદારો અને નોમિનીઝને આંખે પાણી આવી જાય છે. કેટલાક કિસ્સાઓમાં પાંચ-સાત વર્ષ સુધી આ નાણાં બેંકની લાંબી પ્રક્રિયામાં સલવાયેલાં રહે છે. આ પ્રક્રિયા સરળ કરીને બેંકના થાપણદાર મૃત્યુ પામ્યા છે તેનો પુરાવો આપવામાં આવે તો થાપણદારના નામે બેંકમાં પડેલી રકમ વારસદારોએ કે નોમિનીએ દાવો કર્યાના ૧પ દિવસમાં ક્લિયર કરવા માટેના આદેશો રિઝર્વ બેંકે આપ્યા છે.

રિઝર્વ બેંકે મૃતક થાપણદારના નાણાં જો કોઈ કો‌ર્ટ કેસ ના હોઈ તો તેમના વારસદારોને સરળતાથી મળી જાય તે માટે ૨૦૦પથી પ્રયાસો હાથ ધર્યા છે અને સમયે સમયે સૂચનાઓ જાહેર કરી છે. જો કે આ સૂચનાઓનું કડકાઈથી પાલન ના થતાં અને આ નિયમોનું તમામ બેંકોમાં એકસરખી રીતે પાલન ના થતાં હવે રિઝર્વ બેંકે ફરીથી કડક સૂચના આપી છે. રિઝર્વ બેંકે આપેલી સૂચના મુજબ જે ખાતામાં થાપણદારે નોમિનીનું નામ બેંકને આપેલું હોઈ તેવા ખાતામાં બેંકે મૃતકનું ડેથ સર્ટિ‌ફિકેટ ચકાસવાનું રહેશે, મૃતકના ખાતામાંથી નાણાં ના ઉપાડવા દેવા અંગેનો કોઈ કો‌ર્ટનો હુકમ નથી તે ચકાસવાનું રહેશે. આ સ્થિતિ સ્પષ્ટ થયા બાદ લિગલ રિપ્રેઝન્ટેશન માંગવું તે ફાજલ વાત છે. આથી બેંકોએ મૃતક થાપણદારના વારસદારો કે નોમિની પાસેથી કોઈ પણ પ્રકારનું સક્સેશન સર્ટિ‌ફિકેટ, લેટર ઓફ એડમિનિસ્ટ્રેશન અથવા તો મૃતકના વસિયતનામાની કાયદાકીય ખરાઈ કરતાં દસ્તાવેજો માંગવાના રહેશે નહિ‌.

જે કિસ્સામાં ખાતેદારે નોમિનીનું નામ ના આપ્યું હોઈ તેવા કિસ્સામાં બેંકે ખાતામાંથી કેટલીક રકમ જે કાયદેસરની વારસાઈના પુરાવા આપે તેવા લોકોને તાત્કાલિક આપી દેવાની રહેશે. કેટલા ટકા રકમ આપવી તે બેંકનું બો‌ર્ડ‌ નક્કી કરી શકે છે. આવા વારસદારો પાસેથી બેંકે જો બેંકને કોઈ નુકસાન થાય તો તે ભરપાઈની બાંહેધરી આપતો પત્ર લેવાનો રહેશે. જો મૃતકના થાપણદારો થાપણ પાકતા પહેલા જ ઉપાડવા માંગતા હોઈ અને ખાતું ખોલાવતા સમયે જો આ અંગેની જોગવાઈ હોઈ તો બેંકે કોઈ પણ પેનલ્ટી લીધા વગર તેની પણ સુવિધા આપવાની રહેશે.

----------- લોકરમાં પણ સરળ પ્રક્રિયા

જો કોઈ વ્યક્તિનું સેઈફ ડિપોઝિટ લોકર હોઈ અને તે મૃત્યુ પામી હોઈ તો નોમિનીને લોકર ખોલવા આપવાની પરવાનગી આપવા માટે પણ બેંકે સરળ પ્રક્રિયા અપનાવવાની રહેશે તેવા નિર્દેશો રિઝર્વ બેંકે આપ્યા છે. થાપણ માટેની જે પ્રક્રિયા છે તે જ લોકર માટે પણ લાગુ કરવાની રહેશે પરંતુ બેંકને તેમાં કોઈ નાના મોટા ફેરફાર કરવા યોગ્ય જણાઈ તો બેંક કરી શકશે.

-------- મૃતક થાપણદારના નોમિની કે વારસદારને નાણાં આપતાં બેંક શું ચકાસશે

૧. ખાતેદારનું મૃત્યુ થયું છે તેવી યોગ્ય દસ્તાવેજો દ્વારા ચાકસણી

૨. બેંકે યોગ્ય દસ્તાવેજો અને પુરાવાના આધારે નોમિની કે વારસદારની ઓળખ કરવાની રહેશે

૩. મૃતકના ખાતેદારના ખાતામાંથી નાણાં ચૂકવવા સામે કોઈ કો‌ર્ટનો કોઈ પણ પ્રકારનો આદેશ નથી તે ચકાસવાનું રહેશે

૪. નોમિની કે વારસદારને બેંકે એ સ્પષ્ટ કરવાનું રહેશે કે આ નાણાં તેમને ટ્રસ્ટી તરીકે મળે છે અને તેના કારણે આ નાણાં મેળવવા માટે અન્ય વારસદારોના હકને કોઈ અસર થશે નહિ‌.