• Gujarati News
  • સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ પ્રોજેક્ટ પર રોક લગાવવા માગ

સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ પ્રોજેક્ટ પર રોક લગાવવા માગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અતિ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ અંગે સત્તાવાળાઓએ કોઈ જ પર્યાવરણીય મંજૂરી કે નદીના પટમાં આકાર પામનારા આટલા વિશાળ બાંધકામના પરિણામે આસપાસના પર્યાવરણ પર થનારાં જોખમો વિશે કોઈ જ અભ્યાસ પણ થયો ન હોવાથી આ પ્રોજેક્ટને તત્કાળ અટકાવી દઈ ગુજરાત સરકારને આ મામલે પર્યાવરણીય મંજૂરી મેળવવા આદેશ કરવો જોઈએ તેવી ઉગ્ર રજૂઆત કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રાલય સમક્ષ કરવામાં આવી છે.
કેવડિયા પાસે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમા બાંધવામાં આવી રહી છે અને તેનું ખાતમુહૂર્ત ૩૧મી ઓક્ટોબરે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રોજેક્ટના સંદર્ભમાં અનેક ભયસ્થાનો રજૂ કરતાં ૨૩ જેટલા કર્મશીલોએ કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રાલયના સચિવ ડૉ. વી. રાજગોપાલનને એક પત્ર લખ્યો છે.
પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિ‌ત પ્રજાપતિ સહિ‌તના કર્મશીલોએ આ પત્રમાં એવો દાવો કર્યો છે કે, પર્યાવરણ સુરક્ષાધારા ૧૯૮૬ની જોગવાઈઓનો ભંગ કરી આ પ્રતિમા માટે પ્રોજેક્ટ કાર્યાન્વિત કરતાં પહેલાં પર્યાવરણીય મંજૂરી, સામાજિક અસરોનો અભ્યાસ કે જાહેર મંત્રણાઓ જેવા કોઈ જ પગલાં ભરવામાં આવ્યાં ન હોવાથી આ પ્રોજેક્ટ ગેરકાયદે ગણાય અને જ્યાં સુધી આવી મંજૂરી ન મળે ત્યાં સુધી પ્રોજેક્ટને લગતું તમામ કામકાજ અટકાવી દેવાનો આદેશ કરવો જોઈએ.