તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ગોધરાકાંડ પછીનાં તોફાનો માટે મોદીને દોષ ન દઇ શકાય : ગિલ

ગોધરાકાંડ પછીનાં તોફાનો માટે મોદીને દોષ ન દઇ શકાય : ગિલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીટીઆઇ. નવી દિલ્હી
પંજાબના ભૂતપૂર્વ ડીજીપી કે.પી.એસ.ગિલે જણાવ્યું હતું કે ગોધરાકાંડ પછીનાં તોફાનો બદલ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને દોષ ન દઇ શકાય. કેમ કે, કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પોલીસ વડાઓની છે. અત્રે ઉલ્લેખનીય છે કે કે.પી.એસ. ગિલ વર્ષ ૨૦૦૨માં ગુજરાતના મુખ્યમંત્રીના સુરક્ષા સલાહકાર હતા.
ગોધરાકાંડ પછીની ઘટનાઓમાં મોદીની કામગીરીનું તમે કેવી રીતે મૂલ્યાંકન કરો છો? તે અંગે પત્રકારોએ પૂછતાં ગિલે જણાવ્યું હતું કે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિમાં પ્રતિક્રિયા આપવાની જવાબદારી પોલીસ વડાઓની હોય છે. રાજકીય નેતાઓની નહીં. ગઇકાલ રાતે પોતાની આત્મકથા કેપીએસ ગિલ : ધ પેરામાઉન્ટ કોપ’ના વિમોચન પ્રસંગે ગિલે ગોધરાકાંડ પછીનાં તોફાનો અંગે નરેન્દ્ર મોદીને ક્લીનચિટ આપી હતી. આ પ્રસંગે પંજાબ કેસરી ગ્રુપ એડિટર ઇન ચીફ વિજયકુમાર ચોપરા, ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એડિટર ઇન ચીફ શેખર ગુપ્તા, સીબીઆઇના ભૂતપૂર્વ ડિરેક્ટર પી.સી. શર્મા
સહિ‌ત અનેક જાણીતી હસ્તીઓ ઉપસ્થિત હતી.
પોતાના પુસ્તકમાં ગિલે ગુજરાતના મુખ્યમંત્રી મોદીના ભરપૂર વખાણ કરીને જણાવ્યું હતું કે તોફાનોનો અંત લાવવા માટે તેમણે સંનિષ્ઠ પ્રયાસ કર્યા હતા. ગિલે જણાવ્યું હતું કે મને ખાતરી થઇ ગઇ છે કે મોદીવિરોધી અને ભાજપવિરોધી એવા તમામ
પક્ષના લોકો આ તોફાનોનો ફાયદો ઉઠાવી રહ્યા છે અને એક અથવા બીજી રીતે મોદીને બદનામ કરવાના તમામ પ્રયાસ કરી રહ્યા છે.


ગોધરામાં ટ્રેનમાં સામૂહિ‌ક હત્યાકાંડ બાદ પોલીસ અને વહીવટીતંત્ર કોમવાદી થઇ ગયું હતું અને મોદી કે જે હજુ તો ((એકદમ નવા))મુખ્યમંત્રી બન્યા હતા. આથી રાજ્યનાં વહીવટીતંત્ર પર તેમની યોગ્ય પકડ નહોતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગોધરાકાંડ પછી રાજ્યમાં ફાટી નીકળેલી હિંસાને અસરકારક રીતે નાથવાના પ્રયાસને વેગ આપવા માટે મે, ૨૦૦૨ના રોજ કે.પી.એસ. ગિલની ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સુરક્ષા સલાહકાર તરીકે નિમણૂક કરાઇ હતી.