• Gujarati News
  • હાઈકો‌ર્ટના ક્વાટ‌ર્સ મુદ્દે સરકારની યોગ્ય પગલાંની ખાતરી

હાઈકો‌ર્ટના ક્વાટ‌ર્સ મુદ્દે સરકારની યોગ્ય પગલાંની ખાતરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ

રાજ્ય સરકારે જાહેર કરેલી કોઇપણ યોજના હેઠળ સરકારી મકાનોની ફાળવણી કરવી નહીં તેવો અગાઉનો મનાઈહુકમ ગુજરાત હાઇકો‌ર્ટે સોમવારે ઉઠાવી લીધો હતો. હાઇકો‌ર્ટના કર્મચારીઓ અને હાઈકો‌ર્ટના સરકારી વકીલની કચેરીના સ્ટાફને મકાનો માટે પ્લોટ નહીં ફાળવવાના કેસમાં સરકારના વલણ અંગે લાલ આંખ કરીને ગુજરાત હાઇકો‌ર્ટના જસ્ટિસ આર. આર. ત્રિપાઠી અને મોહિ‌ન્દર પાલની બેન્ચે આ મનાઈહુકમ જારી કર્યો હતો. જોકે સોમવારે હાથ ધરાયેલી સુનાવણીમાં સરકાર તરફે એડિશનલ એડ્વોકેટ જનરલ તુષાર મહેતાએ કો‌ર્ટને બાંયધરી આપી હતી કે સરકાર આ પ્રશ્નનું નિરાકરણ લાવી દેશે અને કર્મચારીઓને રહેણાક માટે પ્લોટ ફાળવવામાં આવશે. સરકારની બાંયધરીને ધ્યાનમાં રાખીને જસ્ટિસ ત્રિપાઠીની ખંડપીઠે અગાઉ આપેલો મનાઇ હુકમ ઉઠાવી લીધો હતો. આ મામલે આગામી સુનાવણી ૧૬ જુને હાથ ધરાશે.

ૂગુજરાત હાઇકો‌ર્ટના કર્મચારીઓ તેમજ મુખ્ય સરકારી વકીલની કચેરીના કર્મચારીઓ દ્વારા તેઓ સરકારની નીતિ મુજબ રહેઠાણ માટે પ્લોટ મેળવવા માટે લાયક હોવાથી પ્લોટની માગણી કરી હતી. ગોતા અને ઓગણજ નજીક હાઇકો‌ર્ટના ૨૬૨ જેટલા કર્મચારીઓને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. તેમાંથી બાકી રહેતી જમીન ઉપર તેમને પણ પ્લોટ આપવા જોઇએ તેવી રજૂઆત કરી હતી. પરંતુ ગુ. હા.બો‌ર્ડે‌ આ અગાઉ એવી રજૂઆત કરી હતી કે, તેઓએ નબળા અને મધ્યમવર્ગના લોકો માટે મકાનની યોજના જાહેર કરી હોવાથી અને આ જમીન તેમણે ખુદ ખેડૂતો પાસેથી સંપાદન કરી હોવાથી તેમની માલિકીની હોવાથી કર્મચારીઓને આપી શકાય નહીં. આથી હાઈકો‌ર્ટના સિંગલ જજની બેન્ચે સરકાર સમક્ષ રજૂઆત કરવાનો નિર્દેશ કરતા પિટિશનનો નિકાલ કર્યો હતો પણ આ હુકમથી નારાજ કર્મચારીઓએ તેની સામે ડિવિઝન બેંચમાં અપીલ કરી હતી. જેની સુનાવણીમાં ડિવિઝન બેન્ચે સરકાર અને જીએચબીને આ બાબતે નિર્ણય લેવાનો આદેશ કર્યો હતો. જોકે સરકારે રજૂઆત કરી હતી કે, જીએચબીની જમીન હોવાથી આપવાનો ઇનકાર કરાયો છે. બીજી બાજુ એવી હકીકત પણ સામે આવી હતી કે, આ જ કો‌ર્ટ સમક્ષ હાઉસિંગ બો‌ર્ડે‌ એવી એફિડેવિટ દાખલ કરી હતી કે તેઓ હવે કોઇ મકાન બાંધવાની કામગીરી કરતી નથી અને માત્ર અમદાવાદમાં મકાનોના હપતાની રિકવરીનું જ કામ કરે છે. આ મામલે સુનાવણી બાદ કો‌ર્ટે સરકારના વલણને જોતાં સરકાર કે હાઉસિંગ બો‌ર્ડ‌ દ્વારા મકાન માટે કોઇ જમીન નહીં આપવી તેવો હુકમ કર્યો હતો.