• Gujarati News
  • સહારા સિટીની સ્કીમમાં મુદત બાદ પઝેશન ન મળતાં હોબાળો

સહારા સિટીની સ્કીમમાં મુદત બાદ પઝેશન ન મળતાં હોબાળો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
સહારા ગ્રૂપે શેલા ગામ પાસે ૨૦૦૪માં સહારા સિટી હોમ્સની સ્કીમ લોન્ચ કરી હતી, જેમાં મકાન બુક કરાવનારા ૩પ૦ ગ્રાહકને પઝેશન લેટરની સમયમર્યાદા બાદ પણ મકાન ન અપાતા હોબાળો સર્જા‍યો છે. સ્કીમની જમીનમાં છેલ્લાં ૧૦ વર્ષમાં ૧૦ ટકા જ બાંધકામ કરી હવે આ જમીન સફલ ગ્રૂપને વેચી દેવાનો સહારા ગ્રૂપ કારસો ઘડી છેતરપિંડી કરી રહ્યું હોવાની શંકાને આધારે સહારાના માલિક સુબ્રતો રોય, સ્કીમના સાઇટ ઇન્ચાર્જ સહિ‌ત છ સામે બોપલ પોલીસમથકમાં ફરિયાદ અરજી નોંધાવાઈ છે.
સહારાએ ૨૦૦૪માં સહારા સિટી હોમ્સ નામથી ચાર હજાર ફ્લેટ અને બંગ્લોઝની સ્કીમ લોન્ચ કરી હતી, જેમાં આદિ સિટી હોમ્સ બદાઉ પ્રા. લિ. ડેવલપર તરીકે કામ કરતી હતી. ૨૦૦૪માં લોન્ચ કરાયેલી આ સ્કીમમાં ૨૦૧૦ સુધીમાં કંપનીના જણાવ્યાનુસાર ૩પ૦ લોકોએ મકાન બુક કરાવ્યાં હતાં. સહારાએ મકાન બુક કરાવનારા લોકો પાસેથી અંદાજિત ૧૨૦ કરોડ રૂપિયા બુકિંગ એમાઉન્ટ લીધી હતી, જેમાં દરેક ગ્રાહકોને મકાન બુક કરાવતાં જ એક પઝેશન લેટર અપાયો હતો, જેમાં મકાન બુક કરાવ્યાના ૩૮ મહિ‌નામાં મકાનનું પઝેશન મળશે તેમ જણાવાયું હતું. જોકે ગ્રાહકોને ૩૮ મહિ‌નાનો સમય વીતી ગયો હોવા છતાં એક પણ મકાનનું પઝેશન ન મળતાં રવિવારે સહારાની આ સાઇટમાં મકાન બુક કરાવનારા એચપીના ગુજરાતના લીગલ મેનેજર સુનિત જશવંતભાઈ બાટી, હેન્ડીક્રાફ્ટનો સ્ટોલ ધરાવતા કુલદીપ પૃથ્વીસિંહ દેવલ, દુર્ગેશ રાધેશ્યામ શર્મા, રાજેશ મોહનલાલ ગોયલ, દશરથ છોટુરામ શર્માએ બોપલ પોલીસમથકમાં સહારા ગ્રૂપના સુબ્રતો રોય, સાઇટ ઇન્ચાર્જ આર. કે. સિંહ, આશિષસિંહ, સહારા પ્રાઇમ સિટી લિમિટેડ, આદિ સિટી હોમ્સ બદાઉ પ્રા.લિ. તથા સહારા ઇન્ડિયા ર્કોપોરેશન લિ. સામે ફરિયાદ કરતી અરજી નોંધી છે. જોકે બોપલ પોલીસમથકના પીઆઈ એમ. એ. પટેલના જણાવ્યાનુસાર, સહારા ગ્રૂપની સામે થયેલી અરજી કલેક્ટર દ્વારા મોકલાયા બાદ જ એફઆઈઆર દાખલ કરાશે. ગ્રામ્ય વિસ્તારોમાં જમીનને લગતા વિવાદો પહેલાં કલેક્ટર ઓફિસ પહોંચે છે. જે કિસ્સામાં ફરિયાદ દાખલ કરવાની હોય તે ફરિયાદ જે તે પોલીસ સ્ટેશનમાં કલેક્ટર દ્વારા મોકલવામાં આવે છે.’ દિવ્ય ભાસ્કરે સહારા ગ્રૂપના ર્કોપકોમ વિભાગના સિનિયર મેનેજર સાથે વાત કરતાં તેમણે નામ ન આપવાની શરતે જણાવ્યું કે, સહારા તેની તમામ જવાબદારી પૂરી કરશે.’