• Gujarati News
  • ૨૦૧પની વાઇબ્રન્ટ સમિટમાં નેધરલેન્ડ્સ પા‌ર્ટનર દેશ બનશે

૨૦૧પની વાઇબ્રન્ટ સમિટમાં નેધરલેન્ડ્સ પા‌ર્ટનર દેશ બનશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . ગાંધીનગર

ભારતમાં કુલ વિદેશી મૂડીરોકાણમાં પાંચમા ક્રમે આવતા નેધરલેન્ડ્સએ ભારત અને ખાસ કરીને ગુજરાત સાથેના વ્યાપારી અને ઔદ્યોગિક સંબંધો વધુ મજબૂત બનાવવાના હેતુથી શહેરમાં વીસા ફેસિલિટેશન સર્વિ‌સીઝ((વીએફએસ)) સેન્ટર શરૂ કર્યું છે. ભારત ખાતેના નેધરલેન્ડ્સના રાજદૂત અલ્ફોન્સસ સ્ટોલિંગાએ વેપારી મહામંડળના પ્રાંગણમાં આ સેન્ટરનું શુક્રવારે ઉદ્ઘાટન કર્યું હતું અને આ જ દિવસે નેધરલેન્ડ્સના સૌથી મહત્ત્વના દિવસ કિંગ્સ ડેની ઉજવણી દરમિયાન તેઓ સત્તાવાર વેબસાઈટ લોન્ચ કરી હતી.

આ પ્રસંગે મીડિયાને સંબોધતાં સ્ટોલિંગાએ ગુજરાત સાથે તેમના દેશના ૪૦૦ વર્ષ જૂના સંબંધોની યાદ અપાવતાં કહ્યું હતું કે, ગુજરાતમાં અમદાવાદ ખાતે આ વીએફએસ સેન્ટર શરૂ કરવા પાછળનો મુખ્ય આશય અહીંથી વ્યાપારી અને ઉદ્યોગ સાહસિકોને વીસા મેળવવામાં સરળતા ઉપરાંત મોટી સંખ્યામાં અહીંથી પ્રવાસે જતાં ગુજરાતીઓની સુવિધા પણ વધારવાનો છે.

તેમણે કહ્યું કે, ભારતમાંથી દર વર્ષે સમગ્ર વિશ્વમાં વિવિધ સ્થળોએ પ્રવાસે જતાં કુલ વૈશ્વિક પ્રવાસીઓમાંથી ૩૦થી ૪૦ ટકા ગુજરાતમાંથી હોય છે. વળી, એએઆઈ ટ્રાફિક રિપો‌ર્ટ ૨૦૧૪ની માહિ‌તી મુજબ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના વર્ષ ૨૦૧૨-૧૩ના વૃદ્ધિદરમાં અમદાવાદ ચોથા ક્રમે છે.

મુંબઈ ખાતેની નેધરલેન્ડ્સની કોન્સ્યુલેટ જનરલની કચેરીના અધિકારી મોનાઝ બિલિમોરિયાના જણાવ્યા મુજબ, અમદાવાદમાં વીએફએસ સેન્ટર શરૂ થવાથી ગુજરાતના પ્રવાસીઓને વીસા મેળવવામાં પ્રોસેસિંગ સમય નોંધપાત્ર પ્રમાણમાં ઘટી જશે. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, દર વર્ષે ભારતમાંથી નેધરલેન્ડ્સના વીસા મેળવવા સરેરાશ પ૦ હજાર અરજીઓ આવે છે જેમાંથી આશરે ૩પ હજાર વીએફએસ સેન્ટર દ્વારા આવે છે. જેમાંથી મોટા ભાગના બિઝનેસ ટ્રાવેલ‌ર્સ હોય છે.

બોક્સ:૧

ગુજરાતમાં સ્પો‌ર્ટ્સ પાર્ક ડેવલપ કરવામાં આવશે

નેધરલેન્ડ્સના રાજદૂતે ભારત અને તેમના દેશ સાથેના વ્યાપારી અને ઔદ્યોગિક સંબંધો પરની વિગતો આપતાં કહ્યું કે, તેમનો દેશ વિશ્વના એવા દેશોમાંથી એક છે જે સ્પો‌ર્ટ્સ પાર્ક બનાવવામાં નિપુણતા ધરાવે છે અને ગુજરાતમાં તેઓ પ્રકારના સ્પો‌ર્ટ્સ પાર્ક બનાવવામાં ગંભીર રસ ધરાવે છે. આ અંગે ગુજરાત સરકાર સાથે વાતચીત ચાલી રહી છે.

બોક્સ:૨

ચૂંટણી પ્રક્રિયામાં ભારત વિશ્વમાં મોખરે

દેશમાં યોજાઈ રહેલી લોકસભાની ચૂંટણીઓના સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે, વિશ્વમાં આટલા વિશાળ પાયે, કરોડો લોકોની સામેલગીરી સાથે ચૂંટણીઓ યોજવી તે ભગીરથ કામ છે અને ભારત આ પ્રક્રિયા સામે કોઈપણ પ્રકારના પ્રશ્નાર્થ ન ઊઠે તે રીતે ચૂંટણીઓ યોજી રહ્યું છે તે ખરેખર સરાહનીય છે. તેમણે કહ્યું કે, હજુ તેમના દેશમાં તો પેપર અને પેનથી મતદાન થાય છે જ્યારે ઈવીએમની મદદથી આટલી વિશાળ મતદાન પ્રક્રિયા યોજનાર ભારત દેશમાં મોખરે છે.