• Gujarati News
  • વાવાઝોડામાં ઘવાયેલાને મફત સારવારની જાહેરાત છતાં

વાવાઝોડામાં ઘવાયેલાને મફત સારવારની જાહેરાત છતાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ

ચા ની કિટલી પર ચા વેચીને ગુજરાતના મુખ્યમંત્રી હવે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બન્યા છે ત્યારે તેમની જ સરકારમાં એક ચા વેચતા ગરીબ દર્દીને જ રૂ. પ૦ હજાર ન હોવાથી મફત જાહેર કરેલી સારવાર પણ નથી મળી રહી.

ગત ૨૦ એપ્રિલે શહેરમાં આવેલાં વાવાઝોડામાં ઘાયલ થયેલાને હોસ્પિટલોમાં નિ:શુલ્ક સારવારની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ, વાવાઝોડામાં માથા પર ઝાડ પડતાં ગંભીર રીતે ઘાયલ થયેલા પ૦ વર્ષીય પ્રકાશ થાપા રાયપુરમાં ચાની કિટલી ચલાવે છે. થાપા હાલમાં વી.એસ. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, પરંતુ સરકારના આદેશને ઘોળીને પી ગયું હોય તે રીતે હોસ્પિટલતંત્ર દ્વારા થાપા પાસે માથામાં પ્લેટ નાંખવાના તેમજ અન્ય સારવાર માટે રૂ. પ૦ હજારની માગણી કરી છે. એટલું જ નહીં દર્દીને સંભળાવી પણ દિધું કે, પૈસા આપો તો જ સારવાર થશે.

થાપા વી.એસ. હોસ્પિટલનાં ન્યુરો સર્જરી વિભાગમાં વો‌ર્ડ‌ નં- ૬નાં બેડ નં- પ પર સારવારની રાહ જોઇ રહ્યા છે. તેમના પર પીપળાનું ઝાડ પડતાં માથામાં ગંભીર ઇજા થવાથી તેમને સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતાં, જ્યાં તેમનાં માથામાં ૧૦ ટકા લેવાયા હતા. તેમણે કહ્યું, સિવિલમાં પણ મેં એક્સ-રે માટેના પૈસા ભર્યા હતા. ટાંકા લીધા બાદ મને ૧૦ દિવસ પછી ફરી બતાવવા આવવાનું કહી ઘરે મોકલ્યો હતો. પરંતુ, ઘરે મને માથામાં સખત દુખાવાની સાથે એક હાથ કામ કરતો ન હોવાનું જણાતાં અમે વી.એસ. હોસ્પિટલમાં ગયાં. જ્યાં મને દાખલ કરવામાં આવ્યો હતો.’

આ દરમિયાન રાજ્યનાં મહેસૂલ મંત્રી આનંદીબહેન પટેલ દ્વારા વાવાઝોડામાં ઘાયલ તમામને સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર અપાશે, તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. થાપાએ કહ્યું, સરકારની આવી જાહેરાત છતાં. વી.એસ. હોસ્પિટલમાં દાખલ થયો ત્યારથી અત્યાર સુધીમાં વિવિધ રિપો‌ર્ટ અને બહારથી મંગાવાતી દવાઓનો ખર્ચ મળી મારે રૂ. ૧૦ હજાર જેટલો ખર્ચ થઇ ગયો છે. હોસ્પિટલના ડોકટરો કહે છે કે, મને માથામાં ગંભીર ઇજા થઇ હોવાથી પ્લેટ નાંખવી પડશે, અને આ પ્લેટ, દવાઓ તેમજ અન્ય જરૂરી સાધનો મળીને રૂ. ૪૦થી પ૦ હજાર જેટલો ખર્ચ થશે. તે ભરો અથવા અમને લાવી આપો તો જ તમારી સારવારી કરીએ. પૈસા નહીં ભરો તો અમે સારવાર કરીશું નહિ‌.’

થાપાએ ડૉક્ટ‌ર્સને સરકારની જાહેરાત અંગે જણાવ્યું તો ડૉક્ટ‌ર્સે તેમને હોસ્પિટલના નિયમો પ્રમાણે ચાલવું પડે તેમ જણાવીને કહ્યું કે, તમારે જ્યાં જવું હોવ ત્યાં જાવ.’ થાપાએ ગળગળા સ્વરે કહ્યું કે, હું ચાની કીટલી ચલાવીને મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. સરકારે નિ:શુલ્ક સારવારની જાહેરાત કરી હોવા છતાં અત્યાર સુધી હોસ્પિટલતંત્રે મને રૂ. ૧૦ હજાર ભરાવ્યા છે, અને બાકીની સારવારના રૂ. ૪૦થી પ૦ હજાર માંગે છે તો અમારે હવે કોને કહેવું.’

--------------

બોક્સ -

હોસ્પિટતંત્ર શું કહે છે?

સરકારે વાવાઝોડામાં ઘાયલને વિનામૂલ્યે સારવારની જાહેરાત કરી છે. પરંતુ, હોસ્પિટલ કમિટીએ નક્કી કર્યા મુજબ, અમે દર્દીને હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફની સેવા મફત આપીએ છીએ. પરંતુ, માથામાં નાંખવાની પ્લેટ કે હૃદયમાં નાંખવાનો સ્ટેન્ટ જેવી કન્ઝયુમેબલ આઇટમ અમારે પણ બહારની મંગાવવી પડે. તેનો ખર્ચ અમે કેવી રીતે ભોગવીએ? એમઆરઆઇ જેવા ટેસ્ટના પૈસા પણ દર્દીએ ભરવા પડે.

ડો. સંદીપ મલ્હાન ((સુપરિન્ટેન્ડેન્ટ, વી.એસ. હોસ્પિટલ))

સિવિલ હોસ્પિટલતંત્ર શું કહે છે?

આપત્તિનાં સમયમાં સરકાર જ્યારે ઘાયલોને નિ:શુલ્ક સારવારની જાહેરાત કરે ત્યારથી તમામ ઘાયલને હોસ્પિટલ તંત્રએ તેની સારવારમાં જરૂરી સાધનો વગેરે મંગાવીને નંખાવવાની જવાબદારી હોસ્પિટલની છે. સિવિલ હોસ્પિટલમાં ઘાયલને તમામ સારવાર નિ:શુલ્ક કરવામાં આવે છે.

ડો. એમ.એમ. પ્રભાકર ((સુપરિન્ટેન્ડેન્ટ, સિવિલ હોસ્પિટલ))

નિ:શુલ્ક સારવાર આપવી જોઇએ-

વી.એસ. હોસ્પિટલ વી.એસ. બો‌ર્ડ‌માં આવે છે, જેથી તમે ડો. મલ્હાનને પૂછો. પરંતુ, હકીકતમાં સરકારે જ્યારે વિનામૂલ્યે સારવારની જાહેરાત કરી હોય ત્યારે દર્દીને નિ:શુલ્ક સારવાર આપવાની આપણી નૈતિક જવાબદારી છે. તેમાં માથામાં નાંખવાની પ્લેટ સહિ‌તનો તમામ ખર્ચ હોસ્પિટલે ભોગવવો જોઇએ.

ડો. સુરેશ પટેલ ((અ.મ્યુ. કો. હોસ્પિટલ કમિટી, ચેરમેન))