• Gujarati News
  • બે હોસ્પિટલમાં ચીફ મેટ્રનની ભરતીની જાહેરાત આપી ત્રણ જગ્યા ભરી દેવાઇ

બે હોસ્પિટલમાં ચીફ મેટ્રનની ભરતીની જાહેરાત આપી ત્રણ જગ્યા ભરી દેવાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ

અમદાવાદ મ્યુનિ.ર્કોપોરેશન સંચાલિત મ્યુનિ.ની હોસ્પિટલોમાં ચીફ મેટ્રનની પોસ્ટ ભરવાની પ્રક્રિયામાં ભારે ગેરરીતિ થઇ હોવાની ફરિયાદ વીએસ હોસ્પિટલ, શારદાબહેન હોસ્પિટલ અને એલજી હોસ્પિટલના ટયૂટર બહેનોએ જ ઉઠાવ્યો છે. અમદાવાદ મ્યુનિ.એ એલજી હોસ્પિટલ અને શારદાબહેન હોસ્પિટલમાં ખાલી પડેલી ચીફ મેટ્રનની ભરતી માટે જાહેરાત બહાર પાડી હતી પણ જેમાં બે હોસ્પિટલોની સાથે પાછલા બારણે જાહેરાત વિના વીએસ હોસ્પિટલમાં ચીફ મેટ્રનની ભરતી કરી દેવાઇ હતી. ત્રણેય હોસ્પિટલોમાં મ્યુનિ.ના કર્મચારી એવા ટયૂટર બહેનોનો આક્ષેપ છે કે, ચીફ મેટ્રનની જગ્યા માટે શૈક્ષણિક લાયકાત અને અનુભવનો છેદ ઉડાડીને મનફાવે તેમ ભરતી કરીને ગેરરીતિ આચરવામાં આવી છે. જ્યારે મ્યુનિ.ની હોસ્પિટલોમાં ચંપાવતવાળી થઇ હોય તેથી સમગ્ર ભરતી પ્રક્રિયાની તપાસ કરાવવી જોઇએ તેવી રજૂઆત તેમણે ડેપ્યુટી મ્યુનિ.કમિશનર સી.કે. ખરસાણ અને મ્યુનિ.કમિશનર ગુરુપ્રસાદ મહાપાત્રા સમક્ષ કરી હતી.

અમદાવાદ મ્યુનિ.ર્કોપોરેશન દ્વારા તા.૧૨-૯-૨૦૧૩ના એલજી હોસ્પિટલ અને શારદાબહેન હોસ્પિટલમાં ચીફ મેટ્રનની જગ્યા ભરવા માટેની જાહેરાત આપી હતી જેમાં મ્યુનિ.ની હોસ્પિટલોમાં ફરજ બજાવતા ટયૂટર બહેનોએ પણ એપ્લાય કર્યુ હતું મ્યુનિ.ના અધિકારીઓની હાજરીમાં ઇન્ટરવ્યૂ થયા હતા જેમાં બન્ને જગ્યાઓ મ્યુનિ.ની હોસ્પિટલના ટયૂટર બહેનો સિવાય બહારના ઉમેદવારની પસંદગી થઇ હતી જેમાં બાદમાં એક વેઇટિંગ લિસ્ટ બન્યું હતું. જેમાં પણ જાહેરાત વિના વીએસ હોસ્પિટલમાં ખાલી ચીફ મેટ્રનની જગ્યામાં અન્ય ઉમેદવારની પસંદગી કરી દેવાઇ હતી જેના કારણે ટયૂટર બહેનોએ ભારે આક્રોશ વ્યક્ત કરીને ભરતી પ્રક્રિયા ઉપર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. મ્યુનિ.વિપક્ષના નેતા બદરૂદ્દીન શેખે જણાવ્યું હતું કે,મ્યુનિ.નો પરિપત્ર છે કે, સૂચિત લાયકાત ધરાવતા ઉમેદવાર મ્યુનિ.માંથી જ મળી આવે તો બઢતીથી જગ્યા ભરવી તેવી સ્પષ્ટ નીતિ મંજૂર થયેલી છે છતાં પણ ૧પથી ૨૦ વર્ષનો અનુભવ ધરાવતા મ્યુનિ.ના કર્મચારીઓની જગ્યાએ ભાજપના પ્રીતિપાત્ર હોય તેવા ઓછા અનુભવવાળી વ્યક્તિઓને ભરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.’

બોક્સ-૧

બે વર્ષ સુધી કાર્યકારી ચીફ મેટ્રનની પોસ્ટ સંભાળનાર પણ ઇન્ટરવ્યૂમાં ફેઇલ

અમદાવાદ મ્યુનિ.ની શારદાબહેન હોસ્પિટલમાં બે વર્ષથી ચીફ મેટ્રનની પોસ્ટ ખાલી હતી તેથી ચીફ મેટ્રનની પોસ્ટ ઉપર કાર્યકારી તરીકે વંદનાબહેન ડાભીએ ફરજ બજાવી હતી. તેઓનો ૧૭ વર્ષથી વધુનો અનુભવ અને એમએસસી નર્સિંગની શૈક્ષણિક લાયકાત ધરાવે છે છતાં પણ મ્યુનિ.ના અધિકારીઓએ ઇન્ટરવ્યૂમાં તેઓને પસંદ કર્યા ન હતા, જ્યારે તેમનાથી ઓછો અનુભવ અને શૈક્ષણિક લાયકાત ધરાવતા અંજના પ્રજાપતિ નામના ઉમેદવારની પસંદગી થઇ હતી.

બોક્સ-૨

મારો પટાવાળો પીએચડી તો શું તેને ડેપ્યુટી મ્યુનિ.કમિશનર બનાવી દઉં’

મ્યુનિ.ની હોસ્પિટલોમાં ચીફ મેટ્રનની ભરતીમાં થયેલી ગેરરીતિથી નારાજ ઉમેદવાર બહેનોએ આ અંગે અમદાવાદ મ્યુનિ.ડેપ્યુટી કમિશનર સી.આર. ખરસાણને રજૂઆત કરી હતી કે, ઓછી લાયકાતવાળાની ચીફ મેટ્રન તરીકે પસંદ કરાઇ છે. આ અંગે મીનાક્ષીબહેન પંડયાએ જણાવ્યું કે, અમે ખરસાણ સાહેબને રજૂઆત કરી તો તેમણે જણાવ્યું હતું કે,હું સિમ્પલ ગ્રેજ્યુએટ છું પણ મારો પટાવાળો પીએચડી થયેલો છે, તો શું તેને હું ડેપ્યુટી મ્યુનિ.કમિશનર બનાવી દઉં, ગુજરાતમાં તો આવું ચાલ્યા કરે !