માંગરોળ તાલુકાના વાંકલ વિસ્તારમાં વિવિધ ગામોમાં દૂધાળા પશુ અને ખાતર ખેતીના સાધનો યોજનાકીય સહાયથી આપવાના બહાને બાયફ સંસ્થાના કર્મચારી ખેડૂતો સાથે ૧૨,૬૧,૦૦૦ની છેતરપિંડી કરતાં ભોગ બનેલ ખેડૂતોએ માંગરોળ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ અન્ય ગામના છેતરપિંડીનો ભોગ બનેલ અન્ય ગામના લાભાર્થીઓએ છટકુ ગોઠવી ગુનેગાર ઈસમને ઝડપી પાડી પોલીસને હવાલો કરતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.
આ અંગે મળતી વિગતો અનુસાર માંગરોળ વિસ્તારમાં બાયફ સંસ્થા કાર્યરત છે. આ સંસ્થા દ્વારા પશુપાલકોને પશુપાલન માટે સરકારી સહાય માટે મદદ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. આથી યોજનાકીય પશુપાલન ખેતી માટે ઈન્સ્ટીટÛુટ ફોર ઈકોનોમીકસ કન્સ્ટ્રકશન વડોદરા (ગ્રીવ્સ બાયફ) અંતર્ગત માંડવીની ટ્રાયબલ સપ્લાન ૨૦૧૧થી ૨૦૧૪ની યોજના હેઠળ સહાય આપવામાં આવી રહી હતી.
દરમિયાન માંગરોળ તાલુકાના આંબાવાડી સહિત વાંકલ વિસ્તાર વેરાકૂઈ-રતોલા જેવા અનેક ગામના લોકોએ આ પ્રતિનિધિને ગાય અને ખાતર માટે પૈસા જમા કરાવ્યા હતાં. પરંતુ યોજના હેઠળ લાભાર્થીઓને ગાય- ખાતર ખેતીના સાધનો પૂરા પાડવામાં આવ્યા ન હતાં. આખરે ખેડૂતોને છેતરપિંડી થયાનું જણાયું હતું. આથી ઉપરોકત ગુના અંગે જીતુભાઈ ચૌધરી (રહે. આંબાવાડી, તા.માંગરોળ)એ માંગરોળ પોલીસમાં છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી હતી.
દરમિયાન છેતરપિંડીનો ભોગ બનેલા ખેડૂતોએ જાતે જ આ બાબતે કસાલી ગામે છટકું ગોઠવ્યું હતું અને તેને રૂપિયા લેવા માટે બોલાવ્યો હતો. આ સમયે લાભાર્થીઓએ આરોપી રણજીત વસાવાને ઝડપી પાડÛો હતો. ત્યારબાદ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.
નદીમાં કુદી પડવાની ચીટર દ્વારા ધમકી છતાં....
ચીટર યુવકને છેતરપિંડીનો ભોગ બનેલા લાભાર્થીઓએ ઝડપી પાડી પોલીસને હવાલે કરતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. કંસાલી અને આંબાવાડી ગામે મોટાપાયે છેતરપિંડી થઈ હતી. જેથી કંસાલી ગામના લાભાર્થીઓએ બીજા દશ લાભાર્થીઓના પૈસા જમા કરાવવાના હોવાનું છટકુ ગોઠવી કંસાલી ગામે રણજિતને બોલાવી ઝડપી લીધો હતો. આ સમયે તેણે ભાગી છુટવાનો પ્રયાસ કર્યો હતો અને નદીમાં કૂદી પડીશ તેવી ધમકી આપી હતી. પરંતુ છેતરાયેલા લાભાર્થીઓ તેની ધમકીને વશ થયા વિના પોલીસને હવાલે કર્યો હતો.
સંસ્થાના કર્મચારીઓ સામે પણ કાર્યવાહીની માગ
તેમજ ગુનેગાર યુવકે પોતે આ નાણાં સંસ્થામાં ભરી દીધા હોવાનું જણાવી રહ્યો છે. બાયફ સંસ્થાના માંડવીના કર્મચારી તેમજ વડોદરાથી સંસ્થાના કર્મચારીઓએ પોલીસ સમક્ષ આવવું પડયું હતું. જેથી ભોગ બનેલા સ્થાનિક ફરિયાદીઓએ સંસ્થાના કર્મચારી પણ જવાબદાર હોવાનું જણાવી તેઓની સામે પણ પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે.
મંત્રીના બોગસ લેટર પેડનો ઉપયોગ
પશુપાલકને વિશ્વાસમાં લેવા માટે ચીટર યુવકે રાજ્યના વનમંત્રીની ખોટી સહીવાળો લેટરપેડનો ઉપયોગ કર્યો હતો, જેમાં નિયામકને ઉદ્દેશીને ભલામણ કરી પશુ-ઘાસચારો પુરી પાડવાનું જણાવાયું હતું. આ બનાવટી લેટર લોકોને બતાવી વિશ્વાસમાં લીધા હતાં. તેમજ બાયફ સંસ્થાની રોકડ જમાની બોગસ રસીદનો ઉપયોગ કરી લોકો પાસે નાણાં પડાવ્યા હતાં.
બાયફના અધિકારી સામે આંગળી ચિંધાઈ
માંગરોળ વિસ્તારમાં ગરીબ લાભાર્થીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થતાં વર્ષોથી ખાસ આદિવાસી વિસ્તારમાં કામ કરતી બયફ સંસ્થા અને તેના માંડવી સ્થિત જવાબદાર અધિકારી સામે આંગણી ચિંધવામાં આવી રહી છે. પોતાની સંસ્થાનો કર્મચારીએ હાલમાં છેતરપિંડી કરી છે તેને છુટો કરી દીધો હોવાનું સંસ્થા જણાવે છે, પરંતુ આ કર્મચારી છેલ્લા એક દોઢ વર્ષથી સંસ્થાનો કર્મચારી તરીકે લોકો સાથે લાખો રૂપિયાની છેતરિંપડી કરી રહ્યો હતો તો શું આ સંસ્થાના જવાબદાર અધિકારી કે આ બાબતનો કોઈ સંકેત ન મળ્યો હોય તે શંકા ઉપજાવે તેવી બાબત છે.
કોના કેટલા રૂપિયાની છેતરપિંડી થઈ
આંબાવાડી ગામના કુલ ૧૨૩ લાભાર્થીઓએ ત્રણ હજાર પ્રમાણે ગાય અને ઘાસચારા વાસણ માટે કુલ ૩,૬૯,૦૦૦, નાનીફળી ગામના કુલ ૨૫ લાભાર્થીએ ખાતર, શાકભાજી ઉછેર માટે રૂપિયા ૨.૨૫ લાખ, નાંદોલા ગામના ૧૧ લાભાર્થીઓએ ગાય માટે ૬૬,૦૦૦, પાતલદેવી ગામના ૨૩ લાભાર્થીઓ ગાય માટે રૂપિયા ૩,૬૦,૦૦૦, સેલારપુર ગાય માટે બે લાભાર્થી રૂપિયા ૮૦૦૦ ઓગણીસા ગામના પાંચ લાભાર્થી રૂપિયા ૧૦,૦૦૦, કંસાલી ગામના ૧૮ લાભાર્થીઓ ગાય ખાતર માટે ૯૭૦૦૦ વાંકલના બે લાભાર્થી ખાતર માટે ૫૫૦૦૦ મળી કુલે ૧૨,૬૧,૦૦૦ બાયફ સંસ્થાના પ્રતિનિધિ રણજિત ગંભીર વસાવા (રહે. સુકાઆંબા તા. દેડીયાપાડા, નર્મદા)ને જમા કરાવ્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.