• Gujarati News
  • વાગડની નર્મદા કેનાલનું કામ નબળું : તંત્રનો એકરાર

વાગડની નર્મદા કેનાલનું કામ નબળું : તંત્રનો એકરાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જયદીપ વૈષ્ણવ. ભુજ
કચ્છમાં ખેતી માટે જીવાદોરી સાબિત થનારાં નર્મદાના નીરનું વહન કરવા વાગડ વિસ્તારમાં કેનાલ બનાવવાનું કામ આરંભાયું છે, તેમાં વખતો-વખત ગ્રામજનો દ્વારા નબળી ગુણવત્તા અંગે આક્ષેપ સાથેની રજૂઆતો થતી રહી છે, પણ ખુદ નર્મદા નિગમના કચ્છના મુખ્ય ઇજનેરે જ ચોબારી વિસ્તારમાં કેનાલનું નિરીક્ષણ કરી કામ નબળું હોવાનું કબૂલ્યું છે. જોકે, આ માટે તેમણે સંબંધિતો પાસે ખુલાસો પૂછયો છે, પણ કિસાન સંઘે જો આ મુદ્ો છેડયો ન હોત તો લોટ, પાણી ને લાકડાં’ જેમ
...અનુસંધાન પાના નં. ૬
બનાવાયેલી કેનાલ વિશે કોઇને ખબર પણ પડી ન હોત.
ગત ફેબ્રુઆરી માસના અંતિમ સપ્તાહમાં ચોબારી પાસે બની ગયેલી કેનાલના નિરીક્ષણ માટે આવેલા નર્મદા નિગમના અધિકારીઓ અને સંબંધિત કોન્ટ્રાકટ એજન્સીને ભચાઉ તાલુકા કિસાન સંઘના જાગૃત કાર્યકરોએ કામની નબળી ગુણવત્તા અંગે પડકાર્યા બાદ તાજેતરમાં તા.૧૦/૩ના કિસાન સંઘના જિલ્લા કારોબારીના હોદે્દારો સાથે ખુદ ચીફ ઇજનેર ડી.સી. ઠક્કર અને તેમની ટીમે ચોબારી પાસેની સાંકળ ૧૬૯.૬૦૦ કિમીથી ૧૭પ કિમી પાંચ કિલોમીટર ચાલીને નિરીક્ષણ કર્યું હતું.
આ સાંકળો વચ્ચે અનેક જગ્યાએ તિરાડો તથા કોંક્રિટ બેસી ગયાનું તેમજ પેરાપેટની દીવાલોમાં તૂટફૂટ તથા તળિયામાં જમીનમાંથી પાણી આવતું હોવાનું જોવા મળ્યું છે તેવું કબૂલતાં કચ્છ શાખાના મુખ્ય ઇજનેરે મુલાકાત સમયે હાજર રહેલા ઇજનેર ઇન્ડિયા લિ.-નવી દિલ્હીના પ્રતિનિધિ વર્ગને સંપૂર્ણ સાંકળોમાં ચકાસણી કરવા સૂચના આપી હોવાનું જાણવા મળ્યું હતું.
હે. બ્રિજ અને વરસાદી નાળાં પણ ઢંગધડા વગરના
સાંકળ ૧૭૩ કિમી તથા ૧૭૨ કિમીપરના બ્રિજ તથા આ સાંકળો વચ્ચે બાંધવામાં આવેલાં વરસાદી નાળાંના લોકેશન યોગ્ય ન હોવાની ગામલોકોએ રજૂઆત કરી હતી, જેના પગલે વડોદરાની સિકોન પ્રા.લિ.ના પ્રતિનિધિની મદદ લઇ તમામ નાળાંના સ્થળ બરાબર છે કે નહીં તે ચકાસવા ભચાઉના કાર્યપાલક ઇજનેરને સૂચના અપાઇ હતી.