• Gujarati News
  • મોદીના આહ્વાનને બળદિયાએ ઝીલી લીધું

મોદીના આહ્વાનને બળદિયાએ ઝીલી લીધું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. બળદિયા
ઝળહળતી જીત બાદ નરેન્દ્ર મોદીએ વારાણસીમાંથી આહ્વાન કર્યું હતું કે, ગાંધીજીની આવનારી ૧પ૦મી જયંતી સુધી સમગ્ર ભારતને ચોખ્ખુંચણાક કરવાનું છે. તેમના આ આહ્વાનને બળદિયાના વીર ભગતસિંહ યુવા ક્રાંતિ સંઘ નામના સંગઠને બખૂબી ઉપાડીને બળદિયા ગામને સફાઇ કરવાનું કાર્ય
ઉપાડી લીધું છે. આ અભિયાન લાંબા સમય સુધી ચાલુ રહેશે.
સંગઠનના રવજીભાઇ કેરાઇએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદીના શબ્દોને સાર્થક કરવા માટે સંગઠન દ્વારા આઠથી દસ મજૂર રાખીને સમગ્ર ગામમાં જે જગ્યાએ કચરાના ઢગ છે તે ઉપાડવામાં આવે છે તેમજ જ્યાં-જ્યાં ગંદકી છે, ત્યાં પણ સફાઇ કરીને ટ્રેક્ટર દ્વારા કચરો ગામની બહાર ફેંકીને યોગ્ય નિકાલ કરવામાં આવે છે.
બળદિયા ગામમાં બસ સ્ટોપ વિસ્તાર, વથાણ ચોક, બળદેશ્વર મહાદેવ પાસે, શાળા વિસ્તારોને ચોખ્ખા કરવામાં આવ્યા છે તેમજ હજુ પણ આ કામ આઠથી દસ દિવસ સુધી સતત ચાલશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સંગઠન દ્વારા શનિ અને રવિવારના ઘેર-ઘેર જઇ ટ્રેક્ટર દ્વારા કચરો ઉપાડવામાં આવે છે તેમજ શોષખાડા જો ભરાઇ જાય, તો પણ ખાલી કરી આપવા જેવા કાર્ય પણ કરવામાં આવે છે. બળદિયામાં સફાઇ કરવાના આ કાર્ય નાનજીભાઇ અને ડ્રાઇવર મેઘજીભાઇની દેખરેખ હેઠળ કરવામાં આવે છે અને ગંદકી ન થાય તેની તકેદારી રખાશે.