• Gujarati News
  • ભુજમાં અગનવર્ષા, ગઢશીશામાં કમોસમી વર્ષાજિલ્લામથક ફેરવાયું અગનગોળામાં, ૪૪.૪ ડિગ્રીથી રાજ્યમાં

ભુજમાં અગનવર્ષા, ગઢશીશામાં કમોસમી વર્ષાજિલ્લામથક ફેરવાયું અગનગોળામાં, ૪૪.૪ ડિગ્રીથી રાજ્યમાં બીજા નંબરનું ગરમ શહેર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડલા એરપો‌ર્ટમાં ૪૩.૩, કંડલામાં ૪૧.૭, નલિયામાં ૩૯.૪ ડિગ્રી તાપ
માંડવીના શેરડી, હમલા-મંજલ, વાંઢ, ગઢશીશા તથા નખત્રાણાના વડવા કાંયા, વડવા ભોપા, દુજાપર સહિ‌તના વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદ
શેરડીમાં લાઇટ ગુલ : કેરી-ઘઉંના પાકને નુકસાન
ભાસ્કર ન્યૂઝ. ભુજ, ગઢશીશા
ગઇકાલે છેલ્લા ત્રણ વર્ષનો રેકો‌ર્ડ‌બ્રેક ગરમ દિવસ નોંધાયા બાદ આજે સૂર્યનારાયણની દાદાગીરી વધતાં જિલ્લામથક ભુજમાં ૪૪.૪ ડિગ્રીએ પારો પહોંચતાં શહેરવાસીઓ દાઝી ગયા હતા, તો કંડલા એરપો‌ર્ટમાં ૪૧.૭ તથા નલિયામાં ૩૯.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં ડીસા-ઇડર ૪૪.૬ ડિગ્રી સંયુક્ત સૌથી ગરમ મથક બની રહ્યાં હતાં. બીજી બાજુ બપોર બાદ વાતાવરણમાં ફેરફાર થતાં અચાનક જ વરૂણ દેવે મહિ‌નામાં બીજી વાર પોતાની હાજરી નોંધાવતાં માંડવી તથા નખત્રાણા તાલુકાના કેટલાક વિસ્તારોમાં જોરદાર પવન સાથે ઝાપટાં પડયાં હતાં. આ કમોસમી વરસાદના કારણે જિલ્લામાં ખાસ કરીને કેરી તથા ઘઉંના પાકને નુકસાન પહોંચવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી હતી.
રવિવારે રવિનો પ્રકોપ વધતાં પાટનગર ભુજ અગનભઠ્ઠીમાં ફેરવાયા બાદ આજે વધુ એક ડિગ્રી પારો ઉંચકાતાં પાટનગરમાં સૂર્ય વધુ ગરમ થતાં ૪૪.૪ ડિગ્રીએ પારો પહોંચી ગયો હતો. પરિણામે જનજીવન બળી ઉઠયું હતું. બપોરના સમયે રીતસર આભમાંથી આગ વરસી રહી હતી. અસહ્ય તાપથી શહેરવાસીઓ ત્રસ્ત થયા હતા. પંખા તો ઠીક એસી પણ આ અંગારા સામે લાચાર બની ગયાં હતાં. બપોર બાદ વાદળછાયું વાતાવરણ થયું હતું, પણ કોઇ જ રાહત વર્તાઇ નહોતી. અહીંનું લઘુત્તમ તાપમાન ૨૭.પ ડિગ્રી રહેતાં સાંજ બાદ પણ અકળામણમાં કોઇ ફેરફાર થયો નહોતો. પરિણામે, આખો દિવસ બળબળતો પસાર થયો હતો. રણકાંધી વિસ્તાર પણ ગરમ બની રહ્યો હતો.
કંડલા એરપો‌ર્ટ((ગળપાદર))માં પણ હાઇએસ્ટ ગરમી પડતાં મહત્તમ ૪૩.૩ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન ૨૬.૪ ડિગ્રીએ અટકયું હતું, તો કંડલામાં પણ પારો તીવ્ર ઉંચાઇએ પહોંચતાં મહત્તમ ૪૧.૭ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો, તો
...અનુસંધાન પાનાનં.૪

લઘુત્તમ તાપમાન ૨૮.પ ડિગ્રી જેટલું ઉંચું રહેતાં રાત્રિ સુધી ગરમ માહોલ જળવાયો હતો, જેને લીધે અંજારથી ગાંધીધામ વિસ્તાર ઉકળી ઉઠયો હતો. નલિયામાં પણ ગરમી ઉંચકાતાં મહત્તમ ૩૯.૪ અને લઘુત્તમ ૨પ.૯ ડિગ્રી નોંધાયું હતું.
બીજીતરફ દિવસ આખો જોરદાર ગરમ બની રહ્યા બાદ ચાલુ મહિ‌નામાં બીજી વાર કમોસમી વરસાદ આવતાં બપોરે ચાર વાગ્યાના અરસામાં માંડવી તથા નખત્રાણાના કેટલાક વિસ્તારોમાં જોરદાર પવન સાથે ઝાપટાં પડયાં હતાં. માંડવીના શેરડી ગામમાં તો લગભગ અડધો ઇંચ વરસાદ થયો હોવાનું જાણવા મળ્યું હતું, તો ગામના વીજથાંભલા પણ પડી જતાં ૨૪ કલાક સુધી લાઇટ વિના ગામલોકોને પસાર કરવા પડશે તેવી સ્થિતિ સર્જા‍ઇ હતી. અમુક દુકાનોના પતરાં પણ ઉડી ગયાં હતાં, જેથી નાના ધંધાદારી ભૂપેન્દ્ર શંભુલાલની હોટેલના છાપરાં ઉડતાં ૨પ૦૦૦ જેટલી નુકસાની થઇ હતી. આજુબાજુના હમલા-મંજલ, વાંઢ, ગઢશીશા વિસ્તાર સુધી કમોસમી વરસાદ પડયો હતો. આ જ અરસામાં નખત્રાણા વિસ્તારમાં સવારી પહોંચતાં તાલુકાના વડવા કાંયા, વડવા ભોપા, દુજાપર સહિ‌તના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડતાં પાણી વહી નીકળ્યાં હતાં. આજે પડેલા વરસાદથી કેરી તથા ઘઉંના પાકને ખાસ્સું નુકસાન થવાની દહેશત ધરતીપુત્રોએ જતાવી હતી.