• Gujarati News
  • કચ્છમાં લોકશાહીના યજ્ઞ માટે તંત્ર સજ્જ

કચ્છમાં લોકશાહીના યજ્ઞ માટે તંત્ર સજ્જ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૩૦મીએ ચૂંટણી પ્રક્રિયાને પાર પાડવા ૭૭૮૭ સરકારી કર્મચારી તથા ૪પ૦૦ પોલીસ ખડેપગે કરશે કામગીરી
જિલ્લાના ૧૨,૯૭,૯૨૭ મતદારને સો ટકા મતદાન કરવા કલેક્ટરે કરી હાકલ
ભાસ્કર ન્યૂઝ.ભુજ
લોકશાહીના પર્વ નિમિત્તે તા.૩૦મીએ મતદાન થવાનું છે, ત્યારે કચ્છનું વહીવટીતંત્ર સંપૂર્ણ કામગીરી સફળ રીતે પાર પડી જાય, તે માટે સજ્જ થઇ ગયું છે. જિલ્લાના ૧૨,૯૭,૯૨૭ મતદાર પોતાના વોટનો ઉપયોગ કરવાના છે, જેને અનુલક્ષીને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને પાર પાડવા ૭૭૮૭ સરકારી કર્મચારી તથા ૪પ૦૦ પોલીસ ખડપગે ફરજ બજાવશે. સમગ્ર કામગીરી સુપેરે પાર પડે, તે માટે જિલ્લાના ૧પ૮૧ મતદાન મથક પૈકી અંદાજે ૩૪૭ મથક સંવેદનશીલ જાહેર કરાયાં છે, જ્યાં ચુસ્ત બંદોબસ્ત સાથે અન્ય તકેદારીના પગલાં લેવાશે. વહીવટીતંત્ર દ્વારા આજે બોલાવાયેલી પત્રકાર પરિષદમાં કલેક્ટરે મતદારોને ગત ચૂંટણીની ૪૩ ટકા મતદાનની ટકાવારી પાર કરીને ૧૦૦ ટકા મતદાન કરવા અપીલ કરી હતી. ૩૦મીએ મતદાન બાદ ૧૬/પના મતગણતરી હાથ ધરાશે, જ્યારે ૨૮/પના ચૂંટણી પ્રક્રિયા પૂરી કરાશે. કચ્છ અને મોરબી મળીને લોકસભા બેઠક માટે કુલ ૧પ,૨૯,૬૦૯ મતદાર પોતાના મતનો ઉપયોગ કરવાના છે, ત્યારે પ૦૩ સેવા મતદાર પણ નોંધાયા છે. મતદાન વ્યવસ્થિત રીતે થઇ શકે, તે માટે કચ્છના કુલ મતદારો પૈકી ૧૨,પ૭,૨૮૯ મતદારને મતદાર કાપલીનું વિતરણ કરી દેવાયું છે, જ્યારે જેને કાપલી ન મળી હોય તે વોટરો મતદાન મથક પરથી પોતાની વોટર સ્લીપ મેળવી શકશે તેવું કલેક્ટરે અત્રેથી જણાવ્યું હતું. જિલ્લામાં ૧૦૦ ટકા ઓળખકા‌ર્ડ‌ તથા ફોટો ઇમેજ કવરેજની કામગીરી પૂરી કરી દેવાઇ હોવાનો દાવો પણ કરાયો હતો.
૧પ૮૧ મતદાન કેન્દ્ર, જ્યારે મોરબીના મળીને ૧૮૩પ કેન્દ્ર પર લોકસભાની બેઠક માટે મતદાન થશે અને આ માટે તમામ મથકે વીડિયોગ્રાફી સહિ‌તની પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. રાઉન્ડ ધ ક્લોક ચૂંટણી કામગીરીના મોનિટરિંગ માટે ૧૦ વીડિયો સર્વેલન્સ ટીમ, ૬ વીડિયો વ્યૂવિંગ, ૩ એકાઉન્ટિંગ ટીમ, ૧૮ ફ્લાઇંગ સ્ક્વોડ અને ૭ સ્ટેટીક ટીમ તૈનાત રાખવામાં આવી છે. ચૂંટણીમાં ૨૩૮૪ બેલેટ યુનિટ તેમજ ૨૩૮૪ કન્ટ્રોલ યુનિટ ફાળવવામાં આવ્યા છે, જ્યારે ૩૦૭૯ ટપાલ મતપત્ર પણ તંત્રને મળવા પામ્યા છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઇન્દ્રજીતસિંહ વાળાએ જણાવ્યું હતું કે, એસએમએસ મોનિટરિંગ હેઠળ સંબંધિત ઝોનલ ઓફિસર દ્વારા મતદાનના આગલા દિવસ તેમજ ૨૨ પ્રકારના સેન્ટ્રલાઇઝ એસએમએસ કરવામાં આવશે, જેની સંજ્ઞા ચૂંટણીપંચ દ્વારા નક્કી કરાઇ છે. કુલ મતદાન મથકો પૈકી ૨૦થી ૨૨ ટકા મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે, અંદાજે ૩૪૭ મથક પર ચુસ્ત બંદોબસ્ત હશે. કલેક્ટરે મતદાન જાગૃતિ માટે ભુજની વિવિધ સંસ્થાઓએ કરેલી કામગીરીની નોંધ લીધી હતી, જેમાં લેવા પટેલ ત્રિદિવસીય વ્યાપાર મેળામાં લેવાયેલા સંકલ્પ તથા આઇએમએ દ્વારા જાગૃતિ માટે લેવાયેલાં પગલાં તથા જાગૃતિ માટે અન્ય સંસ્થાઓની કામગીરીને બિરદાવી હતી.