• Gujarati News
  • રાપરમાં બૂટલેગરને પકડવા પોલીસ ફળિયામાં ઘૂસતાં હોબાળો

રાપરમાં બૂટલેગરને પકડવા પોલીસ ફળિયામાં ઘૂસતાં હોબાળો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેવટે પોલીસે ગૃહસ્થને સમજાવતાં મામલો થાળે પડયો
ભાસ્કર ન્યૂઝ. ભુજ
રાપર શહેરમાં ગુરુવારે રાત્રે પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે દારૂ વેચતા એક શખ્સને પકડવા જતાં તે ભાગ્યો હતો. એ શખ્સને પકડવા પોલીસ કોઇ રહેવાસીના ફળિયામાં પહોંચી જતાં રહેવાસીએ આ મુદ્દે વાંધો લઈને પોલીસ સાથે બોલાચાલી કરી હતી. જોકે, બાદમાં માત્ર આરોપીને પકડવાનો ઇરાદો હોવાનું જણાવતાં તેઓ માંડ સમજ્યા હતા. મળતી વિગતો પ્રમાણે રાપરમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સુરેશ કોલી નામનો શખ્સ દારૂ વેચતો જોવા મળ્યો હતો. પોલીસે તેનો પીછો કરતાં તે દારૂની દસ થેલી મૂકીને ભાગ્યો હતો. પોલીસ તેનો પીછો કરી રહી હતી, એવામાં તે કોઇ રહેવાસીના ઘરમાં ઘૂસી ગયો હતો. પોલીસ પણ ત્યાં પ્રવેશી જતાં રહેવાસીએ ઉગ્ર વાંધો લીધો હતો કે, આ રીતે તમે કેમ કોઇના ઘરમાં આવી શકો? આ બનાવ અંગે રાપરના સિનિયર પીએસઆઇ એ.બી. પટેલે કહ્યું કે, અમારો ઇરાદો માત્ર આરોપીને પકડવાનો હતો, એટલે ફળિયામાં તપાસ કરી હતી. આ મુદ્દે સમજાવવામાં આવતાં રહેવાસી શાંત પડયા હતા.