• Gujarati News
  • આંબાપરમાં ઓછી શ્રવણશક્તિ ધરાવતા પ્રૌઢનું ડમ્પર અડફેટે મોત

આંબાપરમાં ઓછી શ્રવણશક્તિ ધરાવતા પ્રૌઢનું ડમ્પર અડફેટે મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગામમાં ગાય મૂકીને પ્રૌઢ પગપાળા ઘરે જતા હતા, ત્યારે ઝાંપા પર ડ્રાઇવરે ડમ્પર બહાર કાઢવા રિવ‌ર્સમાં લીધું હતું
ભાસ્કર ન્યૂઝ. ભુજ
અંજાર તાલુકાના આંબાપર ગામમાં એક પ્રૌઢનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. ગુરુવારે બનેલી આ ઘટનામાં રિવ‌ર્સમાં જતાં ડમ્પરે તેમને અડફેટે લીધા હતા. હતભાગી પ્રૌઢની શ્રવણશક્તિ નબળી હતી. તેઓ ગામમાં ગાય મૂકીને પાછા જતા હતા, ત્યારે સવારના પહોરમાં બનેલી આ ઘટનાએ ભારે અરેરાટી
જન્માવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આંબાપરમાં ગુરુવારે સવારે સાત વાગ્યાના અરસામાં બનેલી આ ઘટનામાં પ૦ વર્ષીય નારાણ રામજી ખાટરિયાએ જીવ ગુમાવ્યો હતો. આ બનાવ વિશે હતભાગીના ભાઈ રવાભાઈ રામજી ખાટરિયાએ નોંધાવેલી ફરિયાદ પરથી પોલીસે કહ્યું કે, ગામમાં એક શખ્સે ડમ્પરને બેદરકારીથી રિવ‌ર્સમાં લીધું, ત્યારે તેમના ભાઈ અડફેટે ચડી ગયા હતા. શરીરે ગંભીર ઇજાને કારણે તેમણે દમ તોડી દીધો હતો. પોલીસે રાજકોટ પાસિંગના ડમ્પરચાલક સામે ગુનો નોંધી તપાસ આગળ વધારી હતી.
આ ઘટના અંગે તપાસ ચલાવતા હેડ કોન્સ્ટેબલ ગિરિરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, સવારના સમયે નારાણભાઈ તેમની ગાયને ગામમાં મૂકવા ગયા હતા. ગાયને મૂકીને તેઓ પરત પગપાળા પોતાના ઘરે જતા હતા. ગામના ઝાંપા પાસે તેઓ પહોંચ્યા એ સમયે ત્યાં રહેલી ગામની ગાડીઓ પૈકી એક ડમ્પરને બહાર કાઢવા ડ્રાઇવર રિવ‌ર્સમાં હંકારતો હતો, ત્યારે પાછળના જોટામાં પ્રૌઢ કચડાઈ ગયા હતા. તેમની શ્રવણેન્દ્રીય કમજોર હોવાનું પણ જાણવા મળ્યું હતું. હતભાગીના પરિવારજનોના હૈયાં પણ શોકથી ભારે થઈ ગયાં હતાં.