• Gujarati News
  • અમદાવાદનો પાસાનો કેદી ભચાઉ નજીક ચાલુ ટ્રેને ઉતરી ભાગી ગયો

અમદાવાદનો પાસાનો કેદી ભચાઉ નજીક ચાલુ ટ્રેને ઉતરી ભાગી ગયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદના રાણીપમાં રહેતો અને વાહન તથા ઘરફોડ ચોરીના અનેક ગુનામાં સંડોવાયેલા આરોપીને પાસા તળે ભુજની પાલારા જેલમાં ધકેલવાનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હુકમ કરતાં ઇસનપુર કેદી પાર્ટીનો સ્ટાફ આરોપીને લઇ રાત્રિના સયાજી એકસપ્રેસ ટ્રેનમાં ભુજ આવવા રવાના થયો હતો. કચ્છથી થોડે દૂર ટ્રેન પહોંચતાની સાથે જ સીટ મળી જતાં કેદી પાર્ટી આરોપીને હાથકડી બાંધી ઉંઘી ગયો હતો, ત્યારે ભચાઉ સ્ટેશન આવે તે પૂર્વે ચાલુ ટ્રેનમાંથી ઉતરી જઇ ભાગી છુટયો હતો.
ગાંધીધામ રેલવે પોલીસના જણાવ્યા મુજબ, મૂળ રાજસ્થાન અને અમદાવાદના રાણીપમાં રહેતો ભીમસિંગ ઉફેઁ રાજુ શંભુસિંહ ભાટી (૨૩) અનેક વખત ઘરફોડ ચોરીમાં પોલીસ ચોપડે ચડી ચૂકયો હતો, તેવામાં થોડા દિવસ પૂર્વે શહેરમાં ફરી એક ચોરીના ગુનામાં સંડોવણી ખૂલતાં ઇસનપુર પોલીસના કબજામાં હતો, ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનાખોરી કરતાં તત્વોનું લસ્ટિ તૈયાર કર્યું હતું, જેમાં ભીમસિંગ ઉફેઁ રાજુને પાસા તળે ભુજની પાલારા જેલમાં ધકેલવાનો હુકમ કર્યો હતો,
...અનુસંધાન પાના નં. ૧૧
જેથી શુક્રવારની રાત્રિના બાન્દ્રા-ગાંધીધામ-ભુજ ટ્રેનમાં એએસઆઇ અરવિંદભાઇ સહિતનો કેદી પાર્ટીનો સ્ટાફ આરોપીને લઇ રવાના થયો હતો. ભચાઉ પહેલાં કેદી પાર્ટીના જવાનોને સીટ મળી જતાં હાથકડી પહેરાવી ઉંઘી ગયા હતા, ત્યારે આરોપી પોલીસને ઉંઘતા રાખી ભાગી ગયો હતો. સવારે ૫ વાગ્યે ભચાઉ સ્ટેશન ટ્રેન પહોંચતાં કેદી ભાગી ગયાની જાણ થઇ હતી. ત્યાર પછી શોધખોળ કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં તો બહુ મોડું થઇ ગયું હતું. રેલવે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કેદી પાર્ટીના જવાનો કહે છે, હાથકડી ઢીલી હતી
રેલવે પોલીસના પોલીસ સબ ઇન્સ્પેકટર બી.એમ. બારિયાનો ‘દિવ્ય ભાસ્કરે’ સંપર્ક કરતાં તેણે જણાવ્યું હતું કે, કેદી પાર્ટીના જવાનોની પૂછપરછ કરતાં તેણે એવું નિવેદન આપ્યું હતું કે, આરોપીને હાથમાં જે હાથકડી પહેરાવાઇ હતી તે થોડી ઢીલી હતી. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, પોલીસે જાણતાં હોવા છતાં આવી બેદરકારી દાખવી.