તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વરસાદે વાગડ પર વરસાવ્યું હેત

વરસાદે વાગડ પર વરસાવ્યું હેત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છી નવું વર્ષ હવે માત્ર બે દિવસ જ દૂર છે, પણ મેઘરાજા મનમૂકીને વરસવાને બદલે કંજુસાઇ બતાવતા હોય તેવો તાલ સર્જાયો છે. રવિવારે જેઠ માસમાં ભાદરવા જેવો માહોલ રહ્યો હતો. વાગડના કેટલાંક ગામોમાં જોરદાર હેલી વરસી હતી અને અડધો ઇંચ જેટલું પાણી પડયું હતું. ભુજ શહેરમાં પણ માત્ર કોલેજ રોડ પર મૂશળધાર ઝાપટું થયું હતું, પણ તેની આસપાસ અને અન્ય વિસ્તારો કોરાધાકોડ રહ્યા હતા. ગામડાઓમાં પણ લોકો ચાતકનજરે મેઘકૃપાની રાહ જોઇ રહ્યા છે. જોકે, આજે પવન મંદ પડયો હતો અને તેના લીધે ઉકળાટ વધતાં ભારે વરસાદ થાય તેવું જાણકારો કહી રહ્યા છે.
શુક્રવારથી રાજ્યભરમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થયો હતો અને ઠેર-ઠેર મનમૂકીને વરસાદ વરસ્યો હતો, પણ છેવાડાના કચ્છમાં તેનું પ્રમાણ ઓછું રહ્યું હતું. સચરાચરી મહેરને બદલે છૂટોછવાઇ રીતે હાજરી પૂરાવી હતી. માંડવી અને મુન્દ્રા તાલુકામાં મોસમનો વરસાદ પાંચ ઇંચના આંકને સ્પર્શી ગયો હતો, પણ બાકીના તાલુકાઓ હજુ પ્રતિક્ષામાં બેઠા છે.
શનિવારની રાતે આકાશ ચોખ્ખું હતું, પણ રવિવારે સવારે ભુજમાં વાદળો છવાયાં હતાં અને ઉકળાટ વચ્ચે માત્ર અડધા કોલેજ રોડમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. માત્ર પાંચ જ મિનિટમાં રસ્તાઓ પર પાણી ભરાયાં હતાં, પણ આસપાસની કોલોનીઓ તેમજ ગામમાં એક છાંટો પણ વરસ્યો નહોતો. સંસ્કારનગરમાં માત્ર ઝરમર-ઝરમર ચાલુ રહી હતી. જેઠમાં ભાદરવાના માહોલથી લોકોને આશ્ર્વર્ય થયું હતું. ભચાઉ તાલુકાની કાંઠાળપટીના છાડવારા,
...અનુસંધાન પાના નં. ૬
આમલિયારા, જંગી, લલિયાણા, સામખિયાળી, વાંિઢયા, શિકારપુર, કટારિયા, ધોરાણા, લાકડિયા ગામોમાં રવિવારની રજા મોજવાળી રહી હતી અને સામાન્ય ઝાપટાંથી માંડીને અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. કાચાં સોના જેવી કૃપાથી ખેડૂતો અને માલધારીઓના ચહેરા પર નૂર આવ્યું હતું. સામખિયાળીના સરપંચ જગદીશ મઢવીએ કહ્યું કે, ગઇ રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અંદાજે એક ઇંચ પાણી પડી ગયું હતું. ઠેર-ઠેર પાણી ભરાતાં તેઓએ ગ્રામજનોને આરોગ્ય સાચવવા અપીલ કરી હતી, તો ગાગોદરમાં સવારે અગિયારેક વાગ્યાના અરસામાં જોરદાર ઝડી વરસી હતી, પણ આખો દિવસ કોરો રહ્યો હતો.
ગાંધીધામ વિસ્તારમાં ઝાપટાંનો દોર જારી
ગાંધીધામ સંકુલમાં શુક્રવારના દિવસભરમાં પાંચ મિમી જેટલું પાણી વરસાવ્યા બાદ મેઘરાજાએ શનિવારના વિરામ રાખ્યો હતો. ગઇકાલે દિવસભર વાતાવરણ વાદળછાયું રહેતાં ભારે બફારામાં શહેરીજનોને બફાવું પડયું હતું, પરંતુ સિસ્ટમ સક્રીય બનતાં મોડીરાત્રિથી જ છાંટા શરૂ થયા હતા અને મેઘરાજાએ વહેલી સવારે તથા બપોરના બે જોરદાર ઝાપટાં વરસાવી છ મિમી જેટલું હેત વરસાવ્યું હતું. જોકે, માત્ર નજીવા વરસાદથી જ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. એકંદરે વરસાદ બાદ વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી. રવિવારની રજા હોવાથી બપોરના ૧૫ મિનિટ આવેલાં જોરદાર ઝાપટાંમાં યુવાનો નહાવા નીકળ્યા હતા.