• Gujarati News
  • પાસાના કેદીને પોલીસે હોટલમાં રાખ્યો

પાસાના કેદીને પોલીસે હોટલમાં રાખ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજની પાલારા જેલમાં પાસા તળે સજા કાપતા કેદીને હાડકાંની સારવાર માટે પોલીસ જાપ્તા હેઠળ જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જયાં કેદી પાર્ટીના પોલીસ જવાનોએ તોડ પાણી કરી લઇ માત્ર કેસ કાઢી પાંચ કલાક ફરવા લઇ જઇ હોટલમાં જમાડીને આગવી સરભરા કરી હતી અને રાત્રિના અચાનક જ હોસ્પિટલમાં ફરી પ્રગટ થતાં તબીબો પણ આશ્ર્વર્યમાં મૂકાઇ ગયા હતા. સૌથી વધુ ધનવાન પીઆઇ તરીકે રહી ચૂકેલા પોલીસ ઇન્સ્પેકટરના પુત્ર પ્રત્યે પોલીસ જવાનોએ કુણુ વલણ દાખવ્યાની જાણ થતાંની સાથે જ પશ્ચિમ કચ્છ એસપી હોસ્પિટલ દોડી ગયા હતા. આગામી દિવસોમાં જવાબદાર કર્મીઓ સામે સસ્પેન્શન સુધીના પગલાં ભરાવવાની સૂત્રોએ શકયતા વ્યક્ત કરી છે.
બરોડામાં કરોડોના ખનિજ કૌભાંડોમાં સંડોવાયેલો અને પાલારા જેલમાં પાસાની સજા ભોગવતો બ્રિજેશસિંહ કિશોરસિંહને હાડકાં સંબંધી રોગ માટે શુક્રવારના સાંજે કેદી પાર્ટીના કર્મચારીઓ લઇ હોસ્પિટલ લઇ આવ્યા હતા, જયાં કેસ કઢાવ્યા બાદ જાપ્તામાં સાથે આવેલા પોલીસ કર્મચારીઓ સેટિંગ કરી લેતાં તેને એડમીટ કરવાને બદલે ફરવા અને હોટલમાં જમવા લઇ ગયા હતા, જયાંથી રાત્રિના ૧૧ વાગ્યે પરત આવી હોસ્પિટલમાં બ્રિજેશસિંહને દાખલ કરી દીધો હતો, પરંતુ આ મામલો ખુલ્લો પડી ગયો હતો. પશ્ચિમ કચ્છના એસપી બપિીન શંકરરાવ અહિરેને થતાં સીધા જ કમાન્ડો સાથે હોસ્પિટલમાં પહોંચી ગયા હતા.
સાથોસાથ એલસીબી, એસઓજીનો સ્ટાફ પણ આવી ગયો હતો. જોકે, આ સમયે હોસ્પિટલમાં મળી આવતાં એસપીએ તાત્કાલિક સિટી પીઆઇ જમોડને ગુપ્તરાહે સમગ્ર ઘટનાનો રિપોર્ટ તૈયાર કરી જાણ કરવા સૂચના આપી છે. આ મામલે પોલીસ બેડામાં ગરમાવો આવી ગયો છે.
તપાસ ચાલુ છે: સિટી પીઆઇ જમોડ
આ અંગે તપાસનીશ પોલીસ ઇન્સ્પેકટર જમોડ પાસેથી ‘દિવ્ય ભાસ્કર’એ સમગ્ર હકીકત જાણવાનો સંપર્ક કરતાં તેણે હાલ તપાસ ચાલી રહી છે, અત્યારે આ અંગે કંઇ પણ કહેવું મુશ્કેલ છે, જ્યારે કેદી પાર્ટીના જવાનોને સસ્પેન્ડ કર્યાની પૂછતાછ કરતાં તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારો સામે પગલાં ભરવાનું જણાવ્યું હતું.
આરોપી સૌથી ધનવાન પીઆઇનો પુત્ર
આધારભૂત સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, આરોપી બ્રિજેશસિંહ પોલીસ ઇન્સ્પેકટર રહી ચૂકેલા કિશોરસિંહ અને કાંભાઇ ચૌહાણ તરીકે ઓળખાતા પીઆઇનો પુત્ર છે. આ ઉપરાંત કાંભાઇ સૌથી ધનવાન પીઆઇ છે, જે એન્ટી કરપ્શન બ્યૂરો અને ઇન્કમટેકસની ઝપટે પણ ચડી ચૂકયા છે.