• Gujarati News
  • કંડલાના મીઠા પોર્ટને મુદ્દે ક્ષાર અંકુશ વિભાગને નોટિસ અપાશે

કંડલાના મીઠા પોર્ટને મુદ્દે ક્ષાર અંકુશ વિભાગને નોટિસ અપાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ તાલુકા પંચાયત કચેરી ખાતે શુક્રવારના સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં ગાંધીધામની જીવાદોરી સમાન ટપ્પર ડેમમાં રહેલા પાણીની ખારાશ વધી જતાં ટીડીએસનું પ્રમાણ ઘટાડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કંડલાના મીઠા પોર્ટ પર પાણી આવતું-જતું હોવાથી ક્ષાર અંકુશ વિભાગને નિવેડો લાવવા માંગ કરી હતી, પરંતુ જવાબદાર વિભાગે કોઇ પગલાં ન ભરતાં તેમજ બેઠકમાં પણ ગેરહાજર રહેતાં નોટિસ પાઠવાશે.
આ બેઠકમાં રોટરી સર્કલથી રાજવી ફાટક સુધીનો માર્ગ ચાર માર્ગીય રસ્તો કયારે થશે તેવો પ્રશ્ન કરાતાં આર એન્ડ બીએ દરખાસ્ત મૂકી દીધાનું જણાવ્યું હતું, તો તાલુકાના ગામોમાં દબાણ દૂર કરવા અમુક તલાટીઓએ જ દબાણ હટાવ્યાનો રિપોર્ટ આપ્યો હતો, જ્યારે રિપોર્ટ ન કરનારા તલાટીને નોટિસ પાઠવવા ટીડીઓને સૂચના આપી હતી. રાજવી ફાટક પાસે ઓવરબ્રજિ બનાવવાની માંગ ઉઠતાં આર એન્ડ બીએ સરકારમાં રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. ટાગોર રોડ પર આવેલા સર્વિસ રોડને પેચવર્ક કરવાનું કામ વરસાદ પછી કરવાનું જવાબદાર વિભાગે કહ્યું હતું. ગ્રામ પંચાયતોને તાત્કાલિક વેરા વસૂલાત કરવા, ભારાપર ગામમાં ધમધમતી ફેકટરીઓ પ્રદૂષણનો રિપોર્ટ આવતાં સંકલન બેઠકમાં મોકલવા, તાલુકાના ગ્રામજનોને રાશનકાર્ડ માટે ગાંધીધામ મામલતદાર કચેરી ખાતે ધક્કા થતા હોવાથી ગ્રામીણ વિસ્તારના લોકો માટે તાલુકા પંચાયતમાં અલગથી રાશનકાર્ડ મળી રહે તે માટે કલેકટરને પત્ર લખવા તેમજ મીઠીરોહર પાસે થતા અકસ્માતો અને ટ્રાફિકની પણ આૈપચારિક રીતે ચર્ચા કરવામાં આવી હતી.
ગામના નમૂનાપત્રક આપવા તલાટીઓ તૈયાર થઇ જજો
ગ્રામજનોને ફોર્મ નં ૧૨ ગામના નમૂનાપત્રક જે-તે પંચાયતના તલાટીઓને આપવાનું હોવા છતાં કાઢી આપતા ન હોવાથી તલાટીઓને જિલ્લામથકેથી પોતાના પાસવર્ડ મેળવી લેવા તેમજ સોફ્ટવેરમાં સમસ્યા સર્જાય તો એનઆઇસી તથા ગાંધીધામ મામલતદાર કચેરીનો સંપર્ક કરવાનું જણાવી જવાબદારીમાંથી હાથ ઉંચા ન કરવા તાકીદ કરી હતી.