તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • આખલા અડફેટે આવેલાં વૃદ્ધાને ૪૫ ટાંકા લેવા પડયા

આખલા અડફેટે આવેલાં વૃદ્ધાને ૪૫ ટાંકા લેવા પડયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ નગરપાલિકાએ થોડો સમય કરી જુદા-જુદા વિસ્તારમાંથી ૧૦૪ જેટલા આખલાને ડબ્બે પૂરી દઇને છેલ્લા ૧૫થી વધુ સમયથી કામગીરી કરી લીધાનો ઓડકાર ખાઇ લીધો છે, પરંતુ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા યથાવત્ જ છે. ચારેક દિવસ પૂર્વે સુંદરપુરીમાં રહેતાં વૃદ્ધાને આખલાએ અડફેટે લેતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને પેટના ભાગે ૪૫થી વધુ ટાંકા આવ્યા હતા.
સત્તાવાર સૂત્રોમાંથી મળતી વગિત મુજબ, શહેરના સુંદરપુરી વિસ્તારમાં રહેતા રાજીબેન નામના વૃદ્ધા ચારેક દિવસ પૂર્વે ઘરથી કામ સબબ બહાર જઇ રહ્યાં હતાં, ત્યારે ઘર નજીક જ રખડતા આખલાએ અડફેટે ચડાવ્યાં હતાં અને વૃદ્ધાને દૂર ફંગોળી દીધાં હતાં, જેમાં રાજીબેનને હાથ-પગ, પેટ અને માથાના ભાગે ઇજાઓ પહોંચતાં બેભાન હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયાં હતાં. આખલાની અડફેટથી પેટ ચીરાઇ જતાં પેટના ભાગે ૪૫થી વધુ ટાંકા આવ્યા હતા. ચારેક દિવસથી સારવાર લઇ રહેલાં વૃદ્ધાની તબિયત સ્થિર થતાં શુક્રવારના બપોર બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
નામ પૂરતી કામગીરી કરી પાણીમાં બેસી જતી પાલિકા
આ અંગે વિરોધ પક્ષના નેતા સંજય ગાંધીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા સફાઇ ઝુંબેશ હોય કે આખલા પકડવાની કામગીરી માત્ર નામ પૂરતી કરી અધૂરી છોડી મૂકી કામગીરી કર્યાનો સંતોષ માની લે છે. જો ચીફ ઓફિસર જગિર પટેલ સહિતના કર્મચારીઓ તથા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જો દરેક વિસ્તારની મુલાકાત લે તો સાચી પરિસ્થિતિનો તાગ મેળવી શકે.