તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • હિઁમતનગરમાં વરસાદે તંત્રની પોલ ખોલી

હિઁમતનગરમાં વરસાદે તંત્રની પોલ ખોલી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાતા પ્રજા ત્રાહિમામ : નગરપાલિકાના કંટ્રોલરૂમમાં ફરિયાદોનો મારો
ભાસ્કર ન્યૂઝ.હિઁમતનગર
હિઁમતનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. પરંતુ સવારથી દિવસ દરમિયાન વરસેલા વરસાદે નગરપાલિકાના પ્રિમોનસૂન પ્લાનની પોલ ખોલી નાખી છે. શહેરમાં દિવસ દરમિયાન વરસેલા બે ઇંચથી વધુ વરસાદના કારણે શહેરના મહાવીરનગર, પોલોગ્રાઉન્ડ, જુના બજાર સહિતના વિસ્તારમાં આવેલી સોસાયટીમાં વરસાદી પાણી ભરાવાની ફરિયાદો ઉઠવા પામી હતી. હિઁમતનગર નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે પ્રિમોનસૂન પ્લાન તૈયાર કરાયો હોવાના દાવા થયા હતા. પરંતુ પ્રથમ વરસાદે જ તંત્રની પોલી ખોલી નાખી છે. વહેલી સવારથી જ શહેરમાં વરસી રહેલા અનરાધાર વરસાદ બાદ શહેરના મહાવીરનગર વિસ્તારમાં આવેલી હરી ઓમ સોસાયટી, લક્ષ્મીનારાયણ સોસાયટી, ગણપતિ મંદિર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. વરસાદી પાણી ભરાવાના કારણે પોલોગ્રાઉન્ડના મદીના મિસ્જદ, ઋષભદેવ સોસાયટી, શાંકુતલ, એલ.આઇ.સી. સહિતના વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી અવારનવાર વરસાદી પાણી ભરાઇ જવાની વ્યાપક ફરિયાદો ઉઠવા છતાં નગરપાલિકા તરફથી વરસાદી પાણીના ઝડપી નિકાલની વ્યવસ્થા કરવા માટેની માગણી ઉઠવા પામી છે.
નગરપાલિકા ફરિયાદ રૂમમાં કેટલી ફરિયાદ
હિઁમતનગરના આરોગ્ય વિભાગના કંટ્રોલરૂમમાં જલારામ સોસાયટીમાં વરસાદી પાણી ભરાવાથી ખાળકૂવો બેસી જવાની એકમાત્ર ફરિયાદ મળી હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું.
મહાવીરનગર વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા
આ અંગે સ્થાનિક રહીશોએ જણાવ્યુ હતું કે અગાઉ વરસાદી પાણી હાથમતી કેનાલમાં થઇને ઝડપથી વહી જતુ હતું. પરંતુ મહાવીરનગર વિસ્તારનું વરસાદી પાણી ભૂગર્ભ ગટર લાઇનમાં નાખવામાં આવતા ઠેર ઠેર પાણી ભરાયા છે. ભૂર્ગભ ગટરની કામગીરીમાં ખામી સર્જાતા મેઇન હોલમાંથી વરસાદી પાણી ઊભરાવા લાગ્યુ હતું.જેના કારણે હાલાકીનો સામનો કરવો પડે છે.
વ્યવસ્થાના અભાવે જલારામ મંદિર વિસ્તાર બેટમાં ફેરવાયું
હિઁમતનગર નજીક આવેલ જલારામ મંદિર વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કોઇ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી જનકપુરી, સુવિધા સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.જેના કરાણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. દિવસ દરમિયાન વરસેલા વરસાદથી ઠેર ઠેર પાણી ભરાતા જનજીવનને વ્યાપક અસર થઇ હતી.
ઓમ કોમ્પલેક્ષની દુકાનોમાં પાણી ઘૂસ્યા
મહાવીરનગર વિસ્તારમાં આવેલ ઓમ કોમ્પલેક્ષમાં આવેલી પાંચથી વધુ દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા, તો બીજી તરફ જગદીશ પાર્ક સોસાયટીના બે મકાનોમાં પાણી ઘૂસી જતા રહીશોમાં રોષ ભભૂકી ઉઠયો હતો.
શહેરમાં સાફ સફાઇ કરવામાં આવી હતી
શહેરમાં વરસાદી પાણીના નિકાલની કેવી વ્યવસ્થા થઇ હતી ?
કેટલાક વિસ્તારોમાં મેઇન હોલમાં કચરાથી વરસાદી પાણી ભરાયા છે. ત્યારે તંત્ર દ્વારા ઝડપથી મેઇન હોલ સાફ સફાઇની કામગીરી શરૂ કરી છે.
ફરિયાદોના નિકાલ માટે શું વ્યવસ્થા છે ?
નગરપાલિકાના કંટ્રોલરૂમને મળતી પાણી ભરાવાની ફરિયાદોને પ્રાથમિકતા આપવામાં આવે છે. ઝડપથી સ્ટાફ મોકલી ખાડામાં માટી પુરાણ તથા પથ્થરો નાખવાની કામગીરી કરવામાં આવે છે