• Gujarati News
  • જુગાર કલબના સંચાલકો પૈસાના મુદ્દે આપસમાં બાખડ્યા

જુગાર કલબના સંચાલકો પૈસાના મુદ્દે આપસમાં બાખડ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લેર નજીક એક જુગાર કલબના સંચાલકો ભાગબટાઇના મુદ્દે આપસમાં જ બાખડતાં હવે ખાખીવર્દીધારીએ તેમનો ઝઘડો સૂલઝાવવા કેસ હાથમાં લીધો હોવાનું જાણવા મળે છે. લેર ખાતે થોડાક સમય માટે જ ચાલેલી આ કલબમાં ચાર ભાગીદાર હતા, જેમાં એક કુખ્યાત કનૈયાબે ગામનો, એક અંજાર, એક ભુજ અને અન્ય એક માંડવીનો હતો. ચારેય સાથે મળીને લેર પાસે કલબ શરૂ કરી હતી.
ગયા મહિને ૧૧મીથી ૨૨મી સુધી માત્ર ૧૧ દિવસ માટે જ આ કલબ પોતાનું કામકાજ કરી શકી હતી. આ દરમિયાન નાલ પેટે રૂ. ૧૨.૭૫ લાખની રકમ ઉઘરાવવામાં આવી હતી. એક ભાગીદાર પાસે આ રકમ રહી ગઇ અને અન્ય ભાગીદારોને નવો પૈસો પણ મળ્યો ન હતો. પૈસા હડપ કરી જવાનો ઇરાદો જાણે હોય એમ ભુજના આ ભાગીદારનું જ્યારે પૂછાણુ લેવામાં આવ્યું, ત્યારે તેણે હાથ ઉંચો કરતાં કહી દીધું હતું કે, બધા પૈસા પોલીસવાળાને આપી દીધા. આ સમયે ભાગીદારોએ પૂછયું હતું કે, પોલીસ સાથે તો માસિક ૧૨ લાખના વ્યવહારની વાત થઇ હતી. ૧૧ દિવસ માટે કાંઇ આટલો હપ્તો થોડો આપી દેવાય. હવે આ મામલો જ સૂલઝાવવા માટે પોલીસ સુધી
પહોંચ્યો છે.
મૂડી પણ ચાંઉ થઇ ગઇ
ચારેય ભાગીદારે આ કલબ માટે રૂ. પાંચ લાખની મૂડી એકત્ર કરી હતી અને તે કનૈયાબે ગામના ભાગીદાર પાસે રાખી હતી. આ રકમમાંથી પણ ભુજનો ભાગીદાર દોઢ લાખ રૂપિયા ઉપાડી ગયો હોવાનું જાણવા મળે છે. બાકીના સાડા ત્રણ લાખ આપવાનું કનૈયાબેનો ભાગીદાર નામ લેતો ન હોવાથી બાકીના ભાગીદારો માટે તો ખોટાં કામ પછી રોવા સિવાય કોઇ આશરો જ બચ્યો નથી.