• Gujarati News
  • ટોળાં હટાવવા પોલીસનો લાઠીચાર્જ

ટોળાં હટાવવા પોલીસનો લાઠીચાર્જ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામના ટાગોર રોડ પર ગુરુવારના સવારના એટીએમ મશીનમાં કેસ જમા કરાવતી સિકયુરિટી કંપનીની કારના ચાલકેે બાઇક પર વાહન ચઢાવી દીધું હતું. અકસ્માતને પગલે સ્થળ પર ટોળાં એકત્રિત થતાં ચક્કાજામ સર્જાતાં ટ્રાફિક પોલીસે દોડી જઇ લાઠીઓ ઉગામી હતી, તો મેઘપર (બોરીચી) પાસે રોડ ક્રોસ કરતી તરૂણીને અજાણ્યા સ્કુટરના ચાલકે ઠોકરે લેતાં ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચી હતી. અન્ય એક બનાવમાં મહિલા કારચાલકે પોતાની કાર બાઇક સાથે અથડાવી દીધી હતી.
ટાગોર રોડ પર આવેલી આઇસીઆઇસીઆઇ બેંક પાસેથી ગુરુવારના બપોરે એક સિકયુરિટી કંપનીની જીજે ૧ સીવાય ૧૬૧૯ નંબરની કાર રોંગસાઇડમાં ઓસ્લો સર્કલ તરફ આવી રહી હતી, ત્યારે સામેથી આવતાં જીજે ૧૨ સીએ ૪૯૪૩ નંબરના બાઇકના ચાલક પર ચઢાવી દીધી હતી, જેમાં બાઇકચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે સ્થળ પર લોકોના ટોળે ટોળાં એકત્રિત થઇ ગયાં હતાં અને પળવારમાં જ સિટી ટ્રાફિક પોલીસની ગાડી પણ દોડી આવી હતી, ત્યારે ટોળાંને હટાવવા કોઇ સૂચના વગર જ પોલીસે લાઠીઓ ઉગામતાં થોડો સમય દોડધામ મચી ગઇ હતી, તો બીજા બનાવમાં સવારે મેઘપર(બોરીચી) નજીક આવેલા રેલવે પુલિયા પાસે ખુશ્બૂ સુધીરચંદ્ર સિંઘ સવારે ૭:૩૦ વાગ્યાના અરસામાં રોડ ક્રોસ કરી રહી હતી, ત્યારે જીજે ૧૨ બીકયુ ૯૧૯૦ નંબરના સ્કુટરનો ચાલક ટક્કર મારી ભાગી છુટયો હતો, જેમાં તરૂણીને ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચી હતી, જ્યારે બુધવારે સાંજના ડો હોતચંદાણી હોસ્પિટલ પાસેથી પસાર થતાં મહિલા કારચાલકે અકસ્માતે કાબૂ ગુમાવી દેતાં સાઇડમાં ઊભેલાં બાઇક ચાલકને ઠોકરે ચડાવ્યો હતોે. જોકે, અકસ્માતના ત્રણ બનાવ પૈકી એકની જ પોલીસ ચોપડે નોંધ થઇ હતી.