તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ભચાઉ લઠ્ઠાકાંડમાં વધુ એક મોત, ૧૧ સારવાર હેઠળ ખસેડયા

ભચાઉ લઠ્ઠાકાંડમાં વધુ એક મોત, ૧૧ સારવાર હેઠળ ખસેડયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉમાં લઠ્ઠાકાંડની ઘટનાએ જિલ્લાભરમાં ખળભળાટ ફેલાવી દીધો છે. આ પ્રકરણમાં બુધવારે વધુ એક યુવાનનું મોત થતાં હાહાકાર વ્યાપી ગયો હતો. વળી, ૧૧ લોકોની હાલત ગંભીર બનતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, ઉપરાંત જે લોકોને અસર થઈ છે, એ ખેતરો અને વાડીઓમાં રહે છે, તેમને સમયસર સારવાર નહીં મળે, તો મૃત્યુનો આંક વધે એવી પણ ભીતિ સેવાઈ રહી છે.
ભચાઉના મદીનાનગરમાં રહેતા મહેબૂબ કાસમ પિંજારા(૪૦)એ બુધવારે સવારે જીવ ગુમાવ્યો હતો. લઠ્ઠાકાંડમાં વધુ એક યુવાન ભોગ બનતાં ચકચાર વ્યાપી ગઈ હતી. બે દિવસ પહેલાં મહેબૂબે જૂનાવાડા વિસ્તારમાં એક બૂટલેગર પાસેથી ખરીદેલો દારૂ પીધો હતો, તેની હાલત પણ ગંભીર બની હતી. જોકે, પોલીસની બીકથી તે ઘરમાં ભરાયેલો રહ્યો હતો. મંગળવારે રાત્રે તેને ગાંધીધામ સારવાર માટે ખસેડી
જવામાં આવ્યો, ત્યારે રસ્તામાં જ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
લઠ્ઠાકાંડ પર ઢાંકપિછોડો કરવાની કોશિશ કરતી પોલીસની બીકથી અનેક લોકો હજી પણ ખેતર અને વાડીઓમાં ભરાયેલા પડ્યા છે, એવા લોકોને તાત્કાલિક સારવાર આપવામાં નહીં આવે, તો મૃત્યુનો આંક વધે એવી પણ સૂત્રોએ ભીતિ દર્શાવી છે. વળી, જૂનાવાડા વિસ્તાર હાઈ-વે પાસે જ આવેલો હોવાથી અહીંના કારખાનાઓમાં કામ કરતા અનેક મજૂરો અહીંનો દારૂ પીતા હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બને એવી પણ વકી છે.સારવાર માટે ખસેડી જવામાં આવેલા લોકો
જૂનાવાડા વિસ્તારમાં રહેતા મનુ દેવા કોલી, ગાંડા સંધરામ વાલ્મીકિ, તાલીક યાકૂબ શેખ, રમેશ પાયા કોલી, લાખા સવા કોલી, મદીનાનગરમાં રહેતા ગુલામ હુસેન શેખ, કાળુ રૂપશી વાલ્મીકિ, નવીન સૂરા કોલી, નારણ જેસંગ કોલી, બીજલ મોમાયા કોલી, દેવા અરજણ કોલીને સારવાર માટે ગાંધીધામા ખસેડી જવામાં આવ્યા હતા. નારાણ, નવીન, બજિલ અને દેવા કોલીને વધુ સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના ડો. હિઁગોરાએ જણાવ્યું હતું કે, ચારેયની હાલત નોર્મલ છે.