તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ભચાઉમાં લઠ્ઠાકાંડ: ૫નાં મોત: ૩ની હાલત ગંભીર

ભચાઉમાં લઠ્ઠાકાંડ: ૫નાં મોત: ૩ની હાલત ગંભીર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉના જૂના વાડા વિસ્તારમાં ચાલતા દેશીદારૂના વેપલામાં દારૂ પીધા બાદ પાંચ લોકોનાં મોત થતાં ખળભળાટ વ્યાપી ગયો હતો. આ લઠ્ઠાકાંડમાં ત્રણની હાલત ગંભીર બની હોવાનું જાણવા મળે છે. આ બનાવને પગલે વાગડ પંથકમાં દારૂની વકરેલી બદીનું ભયાનક ચિત્ર સામે આવતાં પોલીસ તંત્ર સામે પણ આક્રોશની લાગણી વ્યાપી ગઈ હતી.
ભચાઉના પરાંવિસ્તારમાં વોર્ડ-૯માં આવેલા અને નેશનલ હાઈવે નજીકના જૂનાવાડા વિસ્તારમાં મંગળવારે લઠ્ઠાકાંડનો બનાવ બન્યો હતો.
...અનુસંધાન પાનાનં.૬
આ વિસ્તારમાં વેચાતો દેશીદારૂ પીધા બાદ સુજાભાઈ કરસનભાઈ રબારી(૪૫)નું મોત નીપજયું હતું. અન્ય લોકો પણ આ લઠ્ઠાકાંડનો ભોગ બન્યા હતા, જેમાં દારૂ પીધા બાદ કેટલાક લોકો ચાલવા, જોવામાં તકલીફ અને શરીરે અશક્તિ જોવા મળતાં પહેલાં ભચાઉ અને બાદમાં ગાંધીધામ ખસેડવામાં આવ્યા હતા. જૂનાવાડા વિસ્તારમાં મંગળવારે ૩૦ લોકોએ દારૂ પીધો હતો, જે પૈકી પાંચ લોકોએ જીવ ગુમાવ્યાને સમર્થન મળી રહ્યું છે. સુજાભાઈ રબારી પહેલાં બે દિવસ દરમિયાન ચાર લોકો મોતને ભેટી ગયાનું લોકોએ જણાવ્યું હતું, જેમાં મજૂરીકામ કરીને પેટિયું રળતો પરપ્રાંતીય બાલુ ભંગારિયો, ૩૦ વર્ષીય હકો કોલી, બાબુ દેવીપૂજક ઉપરાંત સીતારામપુરા વિસ્તારમાં રહેતો કોલી યુવાન પણ આ લઠ્ઠાકાંડનો ભોગ બન્યા હોવાનું જાણવા મળે છે. આમ, કુલ પાંચ લોકોએ લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવ્યાનો મામલો સામે આવતાં પોલીસ તંત્રમાં પણ દોડધામ વ્યાપી ગઈ હતી.
રબારી સમાજના અગ્રણી સાજણભાઈ રબારીએ જણાવ્યું કે, તેમના પરિવારના ચાર જણને અસર થઈ છે, એમાં હતભાગી સુજા તેમનો ભાઈ થાય છે.
બોકસ: ભચાઉમાં કોણ ચલાવે છે દારૂના અãા?
જૂનાવાડા વિસ્તારમાં બે સ્ત્રી સહિત પાંચ લોકો દારૂનો વેપલો ચલાવે છે. લખધીર ગજુ કોલી, બાબુ વેલા કોલી, કુંવરબેન રામા કોલી, રાજીયા વેરશી કોલી, કુંવરબેન વિરમ કોલી આ પ્રકારના ધંધા કરતા હોવાનું ભોગ બનનારાના સ્વજને જણાવ્યું હતું.
બોકસ: ભચાઉમાં અન્ય વિસ્તારોમાં પણ હપ્તાના જોરે ચાલે છે ધંધા
ભચાઉના જુદા-જુદા વિસ્તારોમાં દેશી અને વિદેશી દારૂના ધંધા ખુલ્લેઆમ ચાલતા હોવાનું જાણવા મળે છે, જેમાં પોલીસને તગડી કમાણી થતી હોવાથી કોઇનો વાળ વાંકો થતો નથી. ભચાઉના ભવાનીપુર વિસ્તારમાં બેથી ત્રણ જગ્યાએ, હિઁમતપુરામાં કોલિયાસરીવાળા નાકા પાસે તો એક મકાન જ દારૂના વેચાણ માટે પચાવી પાડવામાં આવ્યું છે.

બોકસ : ભચાઉની ઘટનાને પગલે મુખ્યમંત્રી કાયૉલય સક્રિય થયું
ભચાઉમાં લઠ્ઠાકાંડને કારણે એકનું મોત અને ત્રણને હોસ્પિટલમાં દાખલ કર્યાની વાત જેમ જેમ પ્રસરતી ગઇ તેમ માત્ર પૂર્વ કચ્છ પોલીસ જ નહીં, પરંતુ ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી કાયૉલય (સીએમઓ) પણ અચાનક સક્રિય થઇ ગયું હતું. સીએમઓમાંથી કચ્છના ઉચ્ચ પોલીસ અધિકારીઓને ફોન મારફતે સૂચના પણ આપવામાં આવી હતી કે, મીડિયા મેનેજમેન્ટ સક્રિય કરે. કદાચ એ સીએમઓની સક્રિયતા જ હતી કે, ભાગ્યે જ ફોન ઉપર વાત કરતા પૂર્વ કચ્છના એસપી દિવ્ય મશિ્રએ મીડિયાને એસએમએસ કરીને ખુલાસો કર્યો હતો કે, ‘માત્ર એક વ્યક્તિનું મોત થયું છે અને ત્રણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લઠ્ઠાકાંડ છે કે, નહીં તેની એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.’ બે શખ્સે ર્દિષ્ટ ગુમાવી
હદુ મંગાર રબારી(૬૦) અને ઇશ્ર્વર રાજા રબારી (૪૫) અંધ બની ગયા હતા, જ્યારે થાવર કરસન રબારી(૩૨)ને પણ અસર હોવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હદુભાઈ અને ઇશ્ર્વરભાઈને ગાંધીધામ ખસેડવામાં આવ્યા છે અને તેમની હાલત ગંભીર ગણાવવામાં આવી છે.
અમદાવાદ લઠ્ઠાકાંડના આઠ પોલીસ કચ્છમાં મુકાયા હતા
કચ્છના ભચાઉ પાસે કથિત લઠ્ઠાકાંડને કારણે ત્રણ લોકો હોસ્પિટલ ભેગા થયા છે, ત્યારે થોડા વર્ષો પહેલાં અમદાવાદના ઓઢવમાં થયેલા લઠ્ઠાકાંડની યાદ આવી જાય છે, જેમાં ૧૦૦થી વધુ માણસ મરી ગયા હતા. મહત્વની વાત એ છે કે, અમદાવાદના લઠ્ઠાકાંડમાં જવાબદાર માનીને પોલીસે જે ૩૬ ‘વહીવટદાર’ને બદલી નાખ્યા હતા, તેમાંના આઠ તો હજુ પણ કચ્છમાં, તેમાંય વળી મોટા ભાગના પૂર્વ કચ્છમાં ફરજ બજાવી રહ્યા છે. અમદાવાદના લઠ્ઠાકાંડથી ફફડી ઉઠેલી મોદી સરકારે અમદાવાદ શહેર પોલીસની સાફસૂફી કરી હતી. તત્કાલીન ડીજીપી શબ્બીર ખંડવાવાલા તેમજ કમિશનર એસ.કે. સાઇકિયાએ તે વખતે એક લસ્ટિ તૈયાર કર્યું હતું, જેમાં દારૂના અãાવાળા પાસેથી હપ્તો ઉઘરાવનારા ૩૬ પોલીસના વહીવટદારના નામ હતાં. આ વહીવટદારોને સજાના ભાગરૂપે કચ્છ સહિતના જુદા જુદા જિલ્લામાં ટ્રાન્સફર ...અનુસંધાન પાનાનં.૬
કરવામાં આવ્યા હતા, જેમાંથી આઠ કુખ્યાત અને કુશળ વહીવટદારને કચ્છમાં મોકલાયા હતા. પોલીસ કમિશનરની આંખ-કાન ગણાતી પ્રિવેન્સન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (પીસીબી)ના એક શક્તિસિંહ નામના વહીવટદારને તો કંડલા જેવા મહત્વપૂર્ણ પોલીસ સ્ટેશનમાં મુકાયો હતો. હજુ કેટલાક કર્મચારી એવા છે, જે પૂર્વ કચ્છમાં તેમાંય ખાસ કરીને ભચાઉની આસપાસ નોકરી કરી રહ્યા છે, ત્યારે ખુદ પોલીસ બેડાના કેટલાક જાણકારો એમ કહે છે કે, ભચાઉના આ કથિત લઠ્ઠાકાંડમાં આ કર્મચારીઓનો તો હાથ નહીં હોય ને?