• Gujarati News
  • ભાજપના નેતાની વાડીમાં ચાલતી જુગાર કલબ પર પોલીસ ત્રાટકી

ભાજપના નેતાની વાડીમાં ચાલતી જુગાર કલબ પર પોલીસ ત્રાટકી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ તાલુકાના કાથરોટા ગામની સીમમાં તાલુકા પંચાયતના ભાજપના સભ્યની વાડીમાં ચાલતી ઘોડીપાસાની જુગાર કલબ પર પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા ૧૩ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે રૂ.૩.૭૫ લાખની રોકડ અને ચાર મોબાઇલ સહિત કુલ રૂ.૧૩૯૯૯૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે વાડી માલિક રાજકીય અગ્રણી સહિત બે શખ્સો નાસી ગયા હતા.
સરધાર નજીકના કાથરોટા ગામે તાલુકા પંચાયતના ભાજપના સભ્ય વલ્લભ મેરા મકવાણાની વાડીમાં જુગાર કલબ ધમધમી રહ્યાની બાતમી મળતાં તાલુકા પોલીસ મથકના પી.આઇ. દેસાઇ, પીએસઆઇ ગામેતી અને એ.ડી. પરમાર સહિતનો કાફલો મંગળવારે વહેલી સવારે ૬ વાગ્યે કાથરોટાની સીમમાં ધસી ગયો હતો. અને વાડીમાં દરોડો પાડી જુગાર રમી રહેલા હબીબ અલી ઠેબા, અમિત કિશોર સાવલીયા, રફીક જુસબ સુમરા, સાબીર આમદ ભાણુ, ભુપેન્દ્રસિંહ ખોડુભા પરમાર, મન્સુરઅલી બરકતઅલી રૈયાણી, જેઠાનંદ જમનાદાસ લાલવાણી, ભીખુ ઇબ્રાહિમ દોઢીયા, અક્રમ અબ્દુલ ઓધાવીયા, ગની અબ્દુલ મોદન, બાબુ ઉફેઁ ભાવેશ લક્ષ્મણ મેવાડા, મીતેન અરવિંદ દુબલ અને ઇસુ ઉફેઁ યુસુફ અહેમદ સપિાહીને ઝડપી લીધા હતા. જ્યારે પોલીસને જોઇ વાડી માલિક વલ્લભ મકવાણા અને જનક ગજેરા નાસી છુટયા હતા.
પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.૩,૭૫,૯૫૦, ચાર કાર, એક બાઇક અને ૧૭ મોબાઇલ સહિત કુલ રૂ.૧૩,૯૯,૯૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપીઓ ઘોડીપાસાનો
...અનુસંધાન પાના નં. ૯

જુગાર રમી રહયા હતા. પહેલીવાર જ રમવા બેઠા હોવાની આરોપીઓએ કેફીયત આપી હતી જોકે એ વાત પોલીસને ગળે ઉતરતી નહતી. ભાજપ અગ્રણી અને તાલુકા પંચાયતનો સભ્ય વલ્લભ મકવાણા પોતાની વાડીમાં કલબ ચલાવતો હોવાની અને પોલીસ દરોડાને પગલે તે નાસી છુટતા રાજકીય વર્તુળોમાં અને કાથરોટા ગામમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે વલ્લભ સહિત નાસી છુટેલા બંનેની શોધખોળ શરૂ કરી વિશેષ તપાસ હાથ ધરી હતી.


એએસપી મંડલિકે બે નશાખોરને પકડયા’ને કલબનો ભાંડો ફૂટÛો
રાજકોટ-ગોંડલ હાઇવે પર એએસપી મંડલીક રાત્રીના પેટ્રોલિંગમાં હતા ત્યારે શંકાસ્પદ હાલતમાં પસાર થયેલી કાર તેમણે અટકાવી હતી. અને કારમાં બેઠેલા બે શખ્સો નશાખોર હાલતમાં મળી આવ્યા હતા. અને બંને પાસે રૂ.૫૦ હજાર રોકડા મળી આવ્યા હતા. રકમ અંગે આઇપીએસ અધિકારી મંડલીકે પૂછપરછ કરતા રાજાપાઠમાં રહેલા બંને શખ્સોએ કાથરોટાની સીમમાં ચાલતી જુગાર કલબમાં જુગાર રમવા જઇ રહ્યાની કબૂલાત આપી હતી. નશાખોરોએ આપેલી કેફીયતને ગંભીરતાથી લઇ મંડલીક પોતાના કાફલા સાથે કાથરોટા દોડી ગયા હતા. અને રાજકોટ પોલીસને પણ જાણ કરી જુગાર કલબનો પદૉફાશ કર્યો હતો.
પોલીસને જોઇ ભાગેલો જુગારી કૂવામાં ખાબકયો
ભાજપના અગ્રણીની વાડીમાં તેની ઓથ હેઠળ બિન્દાસ્તપણે જુગાર રમી રહેલા જુગારીઓ પોલીસને જોતા જ ગભરાઇ ગયા હતા. અને જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. અનેક લોકોએ બચવા માટે દોટ મૂકી હતી. જે પૈકી એક જુગારી કૂવામાં ખાબકયો હતો. તેને તરતા પણ આવડતું નહીં હોવાથી તેની હાલત કફોડી બની હતી. પરંતુ પોલીસે જ દોરડા નાખી તેને બચાવી લીધો હતો. અને કૂવાની બહાર કાઢયો હતો. તેને હાથ-પગમાં ઇજા થયાનું તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું.
રાજકોટ, ગોંડલ અને મોરબીથી જુગારીઓ રમવા પહોંચ્યા’તા
જુગાર રમતા ઝડપાયેલા ૧૩ આરોપીઓએ કેફીયત આપી હતી કે, પ્રથમ વખત જ જુગાર રમવા વાડીમાં બેઠા હતા. પરંતુ ઝડપાયેલા જુગારીઓ રાજકોટ, ગોંડલ અને મોરબીથી કાથરોટા પહોંચ્યા હતા. આમ દૂર-દૂરથી જુગાર રમવા આવેલા શખ્સોને ત્યાં સુધી કોણે અને કેવી રીતે પહોંચાડયા? તે મુદ્દો તપાસનો વિષય બન્યો હતો. અને લાંબા સમયથી વાડીમાં જુગાર કલબ ધમધમતી હોવાની પોલીસને શંકા છે. જોકે વાડી માલિક વલ્લભ હાથ આવ્યા બાદ હકીકત પ્રકાશમાં આવશે તેવું તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું.