• Gujarati News
  • દાહોદ પાસે સળિયા ભરેલી ટ્રક ફંગોળાતાં પ જણનાં મોત

દાહોદ પાસે સળિયા ભરેલી ટ્રક ફંગોળાતાં પ જણનાં મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ.દાહોદ
દાહોદ શહેરના બાયપાસ હાઇવે ઉપર એક લક્ઝરી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જા‍તા ટ્રકમાં ભરેલા સળીયા નીચે દબાઇ જતા ચારના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતાં. જ્યારે એકનુ સારવાર દરમિયાન ગોધરાના સીવીલ હોસ્પીટલમાં મોત નીપજ્યુ હતુ. સળીયા નીચે દબાયેલા મૃતકોને જેસીબી અને હીટાચીની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. ૨૨ જેટલા ઇજાગ્રસ્તોને ૧૦૮ દ્વારા સરકારી દવાખાને લઇ જવાયા હતા.
મળતી માહિ‌તિ અનુસાર, મંગળવારના રોજ સવારના સાત કલાકે ગોધરા તરફથી લોખંડના સળીયા ભરી આવતી એક ટ્રકમાં લીમખેડાના દેગાવાડાથી દાહોદ મજુરી કામ અર્થે આવવા ૩પ જેટલા શ્રમજીવીઓ ટ્રકમાં બેસી દાહોદ આવવા નીકળ્યા હતા. લગભગ ૭.૪પના સમયે હાઇવેથી ગોધરા રોડ તરફના રસ્તેથી દાહોદથી એક લક્ઝરી ગોધરા તરફ જઇ રહી હતી. તેની સાથે પુરપાટ ઝડપે આવતી ટ્રક ધડાકાભેર લક્ઝરીની પાછળની સાઇડે અથડાતા ચાલકે ટ્રક ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. લકઝરીની ટક્કરથી સળીયાભરેલી ટ્રક ડીવાઇડર કુદી હાઇવેની રેલીંગ તોડી ખાડામાં ખાબકતા તેમાં બેસેલા ૩પ પૈકી ચાર શ્રમજીવીઓના સળીયા નીચે દબાઇ જતા ઘટના સ્થળે જ તેમના મોત નીપજ્યા હતા.
જયારે ટ્કમાં બેસેલા અન્ય લોકો ફંગોળાતાં ૨૨ને ઇજા થઇ હતી. સાથે ટ્રકના ડ્રાયવર રામદીનને ગંભીર ઇજા થઇ હતી તેમજ મોહન પટેલને ગંભીર ઇજા થતા તેમને ગોધરા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યા સારવાર દરમિયાન મોહનભાઇનુ મોત નીપજ્યુ હતુ.
ઘટનાના પગલે ૧૦૮ ધ્વારા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દાહોદના સરકારી દવાખાને લઇ જવાયા હતા. આ ઘટના બનતા દાહોદ ફાયર બ્રીગેડના લાશ્કરોએ આવી અને સળીયા ખસેડવાનો પ્રયત્ન કર્યો હતો.