તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પાટનગરમાં મેઘરાજાની બઘડાટીથી સવeત્ર પાણી પાણી: ગાંધીનગરના વસાહતીઓએ ચોમાસું બેઠા પછી બીજીવાર અસ

પાટનગરમાં મેઘરાજાની બઘડાટીથી સવeત્ર પાણી પાણી: ગાંધીનગરના વસાહતીઓએ ચોમાસું બેઠા પછી બીજીવાર અસલ વરસાદી માહોલ અનુભવ્યો: મોસમનો કુલ વરસાદ ૨૦ ટકાએ પહોંચ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ગાંધીનગર
ગાંધીનગર જિલ્લામાં આખરે મેઘરાજાની શ્રીકાર ઇનિંગ શરૂ થઇ ચૂકી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન પવન ફુંકાવા સાથે વરસેલા વરસાદ સાથે ગાંધીનગરમાં મોસમનો કુલ વરસાદ ૬.પ ઇંચ, કલોલમાં ૧૧, દહેગામમાં ૭ અને માણસામાં ૮ ઇંચ પર પહોંચી ગયો છે. બીજી બાજુ એકધારા વરસાદને કારણે પાટનગર પાણીથી તરબોળ થઇ જવા સાથે જ સફાઇની વાતોના તો લીરા ઉડી ગયા છે. શહેરના તમામ સેકટરો વરસાદી પાણીથી ગંધાતા અને ગોબરા બની ગયા છે. પરંતુ વ્યાપક ગંદકી ઉપાડવા તંત્ર કામે લાગ્યું નથી.
સખત ઉકળાટ પછી બુધવારે રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં પવન ફૂંકાયો હતો. ત્યાર પછીની ગણતરીની મીનીટોમાં વરસાદ શરૂ થયો હતો. અડધો કલાક સુધી સુસવાટા મારતા પવનો સાથે વરસાદ વરસતો રહ્યો હતો. વેધર સ્ટેશનના સત્તાવાર રીપોર્ટ પ્રમાણે સવાર સુધીમાં પોણા બે ઇંચ પાણી ં વરસ્યું હતું અને ગુરુવારે આખો દિવસ વરસાદ ચાલુ રહેવાથી નગર આખુ પાણી પાણી થઇ ગયું હતું. આ સાથે ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ૧૦ વર્ષની સરેરાશ સામે મોસમના કુલ વરસાદની ટકાવારી ૨૦ પર પહોંચી ગઇ છે.
ડઝિાસ્ટર કન્ટ્રોલ રૂમનાં સત્તાવાર સુત્રોનાં જણાવ્યા પ્રમાણે જિલ્લામાં ગુરુવારે મોડી બપોરે ૪ વાગ્યા સુધીમાં ૭.૪૦ ઇંચ સરેરાશ વરસાદ થઇ ચૂકયો છે. દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કલોલ તાલુકામાં ૧૩૦ મિલી મીટર, માણસા તાલુકામાં ૧૧૦ મીલીમીટર, ગાંધીનગર તાલુકામાં ૮૦ મિલી મીટર અને દહેગામ તાલુકામાં ૧૦૦ મિલી મીટર વરસાદ થયો છે.
પાટનગરમાં બુધવારે સમી સાંજે વીજળીના કડાકા ભડાકા બાદ રાતથી મેઘરાજા મંડાવાના કારણે નગર આખું પાણીથી તરબોળ થઇ ગયું હતું. રાત્રે ૧૦ વાગ્યાના ગાળામાં શરૂ થયેલો વરસાદ એકધારો અને ક્યારેક ધોધમાર વરસ્યો હતો.પરિણામે નગરના માર્ગો પરથી પાણી વહી જવા સાથે ઠેકઠેકાણે પાણી ભરાયા હતાં.
બુધવારે સવારથી જ હવામાં ભેજનું પ્રમાણ વધ્યું હતું. દિવસભર જળવાયા પછી સાંજે પણ ભેજના પ્રમાણમાં ફરી વધારો થયો હતો. જેના પગલે છાંટાની શરૂઆત થઈ ગઈ હતી. હવામાન ખાતાના સૂત્રોએ સામાન્ય વરસાદની આગાહી કરી હતી. તેને સમર્થન આપવું હોય તેમ મેઘરાજા રાત્રે જોરમાં આવ્યા હતા અને ગુરુવારે આખો દિવસ વરસાદ વરસવાના કારણે શહેર આખુ પાણી-પાણી થઈ ગયું હતું. ખુલ્લા પ્લોટ્સમાં તો તળાવની સ્થિતિ સજૉઈ હતી. પરંતુ ધરતી તરસી હોવાથી સવાર પડતાં સુધીમાં પાણી સુકાઈ જવાની શકયતા છે.
સુત્રોએ હજુ પણ ૨૪ કલાક વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. આમ પણ આકાશમાંથી વાદળો દૂર થયા નથી.સાંજે ૬ વાગ્યા પછી વરસાદે થોડીવારનો વિરામ લીધો હતો પરંતુ આકાશ ગોરંભાયેલું રહ્યું હોવાથી ફરી વરસાદ શરૂ થઇ ગયો હતો. છેલ્લા થોડાં દિવસ દરમિયાન બફારાથી અકળાયેલા વસાહતીઓને વરસાદ વરસી જતાં ઠંડકનો અહેસાસ થઇ ગયો હતો. સાથે જ રાત્રી દરમિયાન વરસાદ વરસવાની પૂરી શકયતા આકાશમાં ઘેરાયેલા વાદળો અને વીજળીના ચમકારાથી દેખાતી હતી.