• Gujarati News
  • ધામડોદ ફાટકે કારમાંથી ૪૦ હજારનો દારૂ ઝડપાયો

ધામડોદ ફાટકે કારમાંથી ૪૦ હજારનો દારૂ ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. બારડોલી
સુરત જિલ્લા એલસીબી પોલીસના જમાદાર મુરલીધર દલપતભાઈ, અશોક હરજીવનભાઈ વગેરે રાત્રિ પેટ્રોલિંગમાં હતાં તે સમયે બાતમી મળી કે બારડોલી કડોદ રાજ્ય ધોરી માર્ગ પરથી એક કારમાં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યો છે. જેથી એલસીબી પોલીસે ધામદોડ ગામની સીમમાં રેલવે ફાટક નજીક વોચ ગોઠવી હતી.
મળસકે ૩.૧૦ વાગ્યાના સમયે એક એસેન્ટ કાર નં ((જીજે-૧૯ એએ -૩૨૩૭)) હંકારી આવતાં સરકારી વાહનો રોડ પર આડાશ કરીને થોભાવી અંદર તપાસ કરી હતી. તપાસમાં કારમાંથી અલગ અલગ બ્રાંડની વગર પાસ પરમીટની બિયર વિસ્કીની ૬૨૪ નંગ બોટલ મળી આવી હતી. જેની કિંમત ૪૦,૮૦૦ રૂપિયા જેટલી થાય છે.
કારમાં બે ઈસમો સવાર હતાં તેમની પૂછપરછમાં બંને બારડોલી નગરના પટેલ ફળિયામાં રહેતા મેહુલ દીપકભાઈ પરમાર અને ડોનીલ ઉર્ફે ડેનીશ હરિશભાઈ ભંડારી હોવાની ઓળખ આપી હતી. વિદેશી દારૂ મહુવા તાલુકાના નિહાલી ગામનો ઈલ્યાસ નામના ઈસમ કારમાં આપી ગયો હોવાનું જણાવ્યું હતું. બંનેની અટક કરી વિદેશી દારૂ બે મોબાઈલ કિંમત ૩ લાખ મળી ૩,૪૪,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે દારૂ પહોંચાડનારા ઈલ્યાસ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.