• Gujarati News
  • માટી ખસેડયા વગર પાણીનો છંટકાવ કરતા વાહનચાલકો લપસ્યા

માટી ખસેડયા વગર પાણીનો છંટકાવ કરતા વાહનચાલકો લપસ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.બારડોલી
બારડોલી નગરનાં ગાંધીરોડ પર ભૂર્ગભગટર લાઇનની કામગીરી દરમિયાન ખોદકા્મ કરતાં માર્ગ પર માટી ફેલાઇ ગઇ હતી. પાલિકાએ કોન્ટ્રાકટર પાસે હાલ કામ બંધ કરાવ્યુ હતું. બાદમાં માર્ગ પરની માટી ખસેડવાની કામગીરીમાં વેઠ ઉતારતાં વાહનોની અવર જવર થતાં માર્ગ ધૂળિયો બન્યો હતો. માર્ગ પર પાણીનો છંટકાવ માટી યોગ્ય રીતે ખસેડયાં વગર કરતાં માર્ગ કાદવ કીચડ સાથે મોટરસાયકલો સ્લીપ થતાં અકસ્માતની ઘટના બની રહી છે. છતાં પાલિકાના જવાબદારોની ઊંઘ ઊડી નથી. આવી ગંભીર બેદરકારી ભર્યા વહીવટથી નગરજનોં અસંતોષની લાગણી વ્યક્ત કરી રહ્યાં છે.
બારડોલી નગરનાં ગાંધીરોડ પર કરોડો રૂપિયાનાં ખર્ચે જીયુડીસીની ગ્રાંટમાંથી ભૂર્ગભગટર લાઇનની કામગીરી કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન આડેધડ ખોદકામના કારણે ગાંધીરોડની સોસાયટીનાં રહીશો પરેશાન થઇ ગયા હતાં. વધુમાં ગેસલાઇન બે વખત તોડી નાંખતા સ્થાનિકોના જીવ અધ્ધર થઇ ગયાં હતાં. તાજેતરમાં પાલિકાનાં સીઓએ પ્રી મોનસુનની કામગીરીને ધ્યાનમાં રાખી કોન્ટ્રકટરને કામ બંધ કરાવવાની સુચના આપતાં,કોન્ટ્રાકટરે કામ બંધ કર્યુ પરંતુ માર્ગ પરની માટી ખસેડવાની કામગીરીમાં વેઠ ઉતારી આડેધડ કામ કરી માર્ગ શરૂ કરાવતાં જ માર્ગ ધૂળિયો બની ગયો હતો.
સ્થાનિક સોસાયટી તેમજ દુકાનદારો ધૂળની ડમરીથી પરેશાન થઇ ગયાં હતાં. જે અંગે દિવ્યભાસ્કરમાં અહેવાલ પણ પ્રસિધ્ધ કર્યો હતો. બાદમાં કોન્ટ્રાકટરે માટી માર્ગ પરથી સાફ કરાવ્યા વગર પાણનો છંટકાવ કરાવતાં માર્ગ પર કાદવ કીચડ થઇ ગયો હતો. અને જેના કારણે મોટરસાયકલ સવાર નગરજનો સ્લીપ થતાં અકસ્માતની ઘટના બની રહી છે. નિર્દોષ નગરજનો પાલિકાનો બેદરકારી ભર્યા વહીવટના કારણે પરેશાની વેઠી રહ્યાં છે. આવી સ્થિતિ છતાં આજે પણ માર્ગ પર માટી જોવા મળી રહી છે. કોન્ટ્રકટરને કામગીરી કરવાની ફરજ શુધ્ધા પાડી શકયા નથી. માર્ગ પર હાલ પાણી છંટકાવથી આ હાલ છે. જો માટીનું સફાઇ કામ યોગ્ય કરવામાં નહી આવે તો વરસાદમાં માર્ગની અવદશાની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. વહીવટી ઉપણના ભોગે કોન્ટ્રાકટરો કામમાં વેઠ ઉતારવાની હિંમત દાખવી રહ્યાં હોવાનું નગરજનો જણાવી રહ્યાં છે.