તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જર્જરિત પાંજરુ વનવિભાગને સોંપવા ગ્રામજનોને પરસેવો પડયો

જર્જરિત પાંજરુ વનવિભાગને સોંપવા ગ્રામજનોને પરસેવો પડયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મહુવા તાલુકાના પૂના ગામે દીપડાને પકડવા માટે મૂકવામાં આવેલું પાંજરૂ સાવ જર્જરિત
- પાજરાના એક ટાયરમાં પંકચર તો બીજા વ્હીલનું ટાયર જ નથી
- ૨પથી વધુ ગ્રામજનોએ પાંજરાને ભારે જહેમતે ઉઠાવી ટેમ્પોમાં ગોઠવ્યું
- પાંજરાને ઉંચરીને ટેમ્પોમાં ચઢાવતાં જ કલાક કરતા વધુ સમય લાગ્યો


મહુવા તાલુકાના પૂના ગામે વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે મૂકેલું પાંજરૂ અત્યંત જર્જરિત હોવાના કારણે ગ્રામજનો સહિ‌ત વન વિભાગે ફુલગુલાબી ઠંડીના સમયે પરસેવો પાડવો પડયો હતો. ગ્રામજનો દ્વારા એક કલાકની જહેમત બાદ દીપડા સહિ‌તના પાંજરાને ટેમ્પોમાં ચઢાવીને ગોઠવી શકાયું હતું. ગ્રામજનોએ રીતસર પાંજરું યેનકેન પ્રકારે ઉંચકવું પડયું હતું. વનવિભાગની કહેવાતી લાલિયાવાડીથી ગ્રામજનોમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો હતો.

મહુવા તાલુકાના પૂના ગામેથી પાંચ વર્ષમાં ૨પ દીપડા-દીપડી પાંજરે પૂરાયા છે. ત્યારબાદ બીજા દૂપડા આ વિસ્તારમાં ફરતા હોવાની ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લઈ વન વિભાગ દ્વારા પૂના ગામે પાંજરુ તો ગોઠવ્યું હતું. પરંતુ આ પાંજરુ અત્યંત જર્જરિત હતું. આ પાંજરામાં એક પૈંડામાં ટાયર જ ન હતું, તો બીજા પૈંડામાં ટાયર પંકચરવાળું હતું. અગાઉ જે તે સમયે જર્જરિત પાંજરાના કારણે ગ્રામજનોમાં રોષ પ્રવર્તતો હતો અને જે તે સમયે આ અંગે વન વિભાગને જર્જરિત પાંજરાનો વિરોધ કર્યો હતો અને તેના સ્થાને નવું પાંજરુ ગોઠવવા જણાવ્યું હતું. પરંતુ વનવિભાગના અધિકારીઓ દ્વારા ગ્રામજનોની રજૂઆત ગણકારી ન હતી અને ગામમાં દીપડાને પકડવા માટે આવું જર્જરિત પાંજરું મૂકી ત્યાંથી પલાયન થઈ ગયા હતા. પાંજરુ મૂક્યાં બાદ વન વિભાગના અધિકારીઓ ગામમાં ફરક્યા પણ ન હતા.

ત્યારબાદ ગુરુવારે ગ્રામજનોએ જોયું તો જર્જરિત પાંજરાનું એક પૈંડાનું ટાયર તો હતું નહીં. તેની સાથે જ બીજા પૈંડાના ટાયરમાં પંકચર હતું. જ્યાં પાંજરું મુક્યું હતું ત્યાંથી દીપડાને પકડવા માટે ઓલણ નદીના કિનારે પાંજરુ લઈ જવા માટે ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

આ જર્જરિત પાંજરામાં જ ઓલણ નદીના કિનારે કદાવર દીપડો પાંજરે પૂરાયો હતો. ત્યાંથી આવું જર્જરિત પાંજરુ યેનકેન પ્રકારે ઘસડીને ગ્રામજનો ગામની વચ્ચે લઈ આવ્યાં હતા. ત્યારબાદ વન વિભાગ દ્વારા આવી પાંજરે પૂરાયેલા દીપડાનો કબજો લીધો હતો. પરંતુ જર્જરિત અને ટાયર વિનાનું પાંજરુ હોવાથી ટ્રેક્ટર દ્વારા તેને ઘસડીને લઈ જઈ શકાય તેમ નહીં હોવાથી ગ્રામજનોએ જ ટેમ્પો બોલાવીને પાંજરુ લઈ જવાની તજવીજ હાથ ધરી હતી.

ત્યારબાદ વનવિભાગના કેટલાક અધિકારીઓ પાંજરાની આજુબાજુ અદબવાળી માત્ર તમાશો જ જોયો હતો. જ્યારે ૨પથી વધુ ગ્રામજનો અને એક-બે વન વિભાગના કર્મચારીઓએ ભેગા મળી એક કલાકથી વધુ સમયની ભારે જહેમત બાદ પાંજરુને ઊંચકીને ટેમ્પોમાં ગોઠવી શકાયું હતું. વન વિભાગના તંત્રની આવી કહેવાતી બેદરકારી અને લાલિયાવાડીના કારણે ગ્રામજનોમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો હતો અને બીજીવાર ફરી આ પાંજરુ અહીં નહીં લાવવાની રજૂઆત કરી હતી. તેમજ તેને સ્થાને નવું પાજરું લાવી દીપડાને પકડવાની કવાયત હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરી હતી.

તસવીરો : જયદીપ પરમાર

આગળ જુઓ તસ્વીરી અહેવાલ