• Gujarati News
  • છીરી ખાતે કારમાં આવેલા પાંચ ઇસમોએ કર્યું ફાયરિંગ

છીરી ખાતે કારમાં આવેલા પાંચ ઇસમોએ કર્યું ફાયરિંગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
@ ફાયરિંગમાં હોમગા‌ર્ડ‌નો ચમત્કારિક બચાવ
@ કોચરવાના બુટલેગર અથવા અંગત અદાવતમાં જીવલેણ હુમલો કર્યાની આશંકા
ભાસ્કર ન્યૂઝ. વાપી
વાપી નજીકના છીરીગામે ગાલા મસાલા વિસ્તારના જીઆઇડીસીમાં રવિવારે સાંજે કારમાં આવેલા પાંચ અજાણ્યા ઇસમોએ હોમગા‌ર્ડ‌ જવાનની બાઇક આંતરીને ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. હોમ ગા‌ર્ડ‌ ઉપર ફાયરિંગની ઘટનાના પગલે સમગ્ર પોલીસ અધિકારી દોડતી થઇ ગઇ હતી. ફાયરિંગમાં હોમગા‌ર્ડ‌નો બચાવ થયો હતો. ઉદ્યોગ નગર પોલીસે ગુનો નોંધી નિવેદનના આધારે આરોપીની ઓળખ અને ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
વાપીના કોચરવાગામે રહેતા અને ટાઉન પોલીસ સ્ટેશનમાં હોમ ગા‌ર્ડ‌ તરીકે ફરજ બજાવતા વિપુલ શૈલેષ માહ્યાવંશી રવિવારે સાંજે પોતાની ફરજ પુરી કરીને બાઇક ઉપર પોતાના ઘર તરફ જઇ રહ્યો હતો ત્યારે છીરી ગાલા સ્થિત જીઆઇડીસી વિસ્તારમાં એક કારમાં આવેલા પાંચ જેટલા ઇસમોએ તેમની બાઇકને આંતરી ઊભી રાખી હતી.કારમાં સવાર એક ઇસમે પોલીસને બાતમી આપતો હોવાનું કહીને પોતાની પાસે રાખેલા રિવોલ્વરથી તેમની કાન પટ્ટી ઉપર રાખીને ફાયરિંગ કરી દીધું હતું. છીરી ગાલા મસાલા વિસ્તારમાં હોમગા‌ર્ડ‌ ઉપર ફાયરિંગની ઘટનાના પગલે પોલીસ સ્ટાફ અને ઉચ્ચ અધિકારીની ટીમ બનાવના સ્થળે પહોંચી ગઇ હતી. કારમાં સવાર ઇસમોએ કરેલા ફાયરિંગમાં હોમ ગા‌ર્ડ‌ શૈલેશનો અદભુત બચાવ થયો હતો. ફાયરિંગ કર્યા બાદ તમામ આરોપીઓ અંધારાનો લાભ લઇને કારમાં બેસી પલાયન થઇ ગયા હતા. ઉદ્યોગ નગર પોલીસે હોમ ગા‌ર્ડ‌ના નિવેદન લઇને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ઉદ્યોગ નગર પોલીસે પાંચ આરોપી સામે હત્યાના પ્રયાસ તથા આમ્‌ર્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હોમગા‌ર્ડ‌ ઉપર ક્યા કારણોસર હુમલો કરવામાં આવ્યો હતો તે અંગે અનેક સવાલો ઉપસ્થિત થઇ રહ્યા છે. આ ઉપરાંત ચાલતી ચર્ચા મુજબ બુટલેગર પાસેથી નાણાંની લેવડ દેવડમાં કે જૂની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.