તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • લક્ષ્મીરૂપી વહાલી દીકરી દરેક કુળ’ને દીપાવે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લક્ષ્મીરૂપી વહાલી દીકરી દરેક કુળ’ને દીપાવે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેક વર્ષ પહેલાં શત્રુઘ્ન સિંહા, રજત શર્મા અને શીલા ભટ્ટ સાથે બિહાર ગયેલાં ત્યારે તેને પૂછવામાં આવ્યું કે તમારી ભાવિની આશા શું છે? ત્યારે તેણે તુરંત કહ્યું કે મારી તમામ આશા મારી દીકરી સોનાક્ષી ઉપર છે અને આજે તમે ૧૦-૧૨-૧૩ના રોજ ઠેર ઠેર શત્રુઘ્નના ફોટા તેની દીકરી સાથે જુઓ છો. ગ્રીક ફિલસૂફ યુરીપીડઝે પણ કોણ જાણે માત્ર એક પુત્રીના પિતા તરીકે સંતોષ માન્યો હતો. તેણે સરસ વાત કહેલી કે વૃદ્ધ થયેલા પિતા માટે દીકરા કરતા દીકરી વધુ સ્વીટર હોય છે-મીઠડી હોય છે. દીકરાઓ ભલે કમાઉ હોય પણ તે દીકરી જેટલા ટેન્ડર-કોમળ દિલનાં હોતા નથી. આવી દીકરી જ્યારે મોટી થાય છે ત્યારે માતાની અંદર વિરોધાભાસી અબળખા હોય છે. એક બાજુ જ્યારે દીકરીને લગ્ન કરીને સાસરે વળાવવાની હોય છે ત્યારે તે હસતી હોય છે. સૌરાષ્ટ્રની ભાષામાં દીકરી પરણે ત્યારે માતાની એક આંખમાં આંસુ સુકાતા નથી અને બીજી આંખનો હરખ માતો નથી. હાશ! દીકરી ઠેકાણે પડી! અને આ વાત યુનિવ‌ર્સલ હોય છે.
કવિ આલ્ફ્રેડ લો‌ર્ડ‌ ટેનીસને પણ કહેલું કે, માતાની લાગણી-એક આંખ રડે અને એક હસે એ લાગણી તો યુનિવ‌ર્સલ છે. અમારા સૌરાષ્ટ્રમાં મા-બાપને પુત્રની જ અબળખા રહેતી અને દીકરો જ્યારે સારો નીવડે ત્યારે કહેવાનું કે એની માએ દીકરો જણ્યો પરમાણ’ ((પ્રમાણ યોગ્ય)), પણ આજે ૨૧મી સદીમાં દીકરાઓ કરતાં દીકરીઓ માતા અને ખાસ કરીને બાપનું ધ્યાન વધુ રાખે છે. મારી પુત્રી પરણી પછી મને સતત કહેતી કે હવે લખવાનું બંધ કરો અને દિલ્હી આવો. મારી સાથે રહો... એ સતત મને રિટાયર થવાનું ૧૦ વર્ષ પહેલાં કહ્યા કરતી. ત્યારે હું સૌરાષ્ટ્રની કહેવત મનોમન બોલતો ભગવાન! તેં મને દીકરી દીધી પરમાણ!’ બીજી એક સ્પેનિશ કહેવત કોઈ અલગ ભાવથી કહેવાતી. સ્પેનમાં પણ દીકરી ને માટે કહેવાતું દીકરીને ગાય દોરે ત્યાં જાય.’ પણ એ સાથે સ્પેનમાં કહેવાતું કે, દીકરીના બાપે હંમેશાં ગોપાલક ગાયનું ધ્યાન રાખે તેમ દીકરીનું ધ્યાન રાખવું પડે છે!
આપણા મહારાષ્ટ્રનાં રાજકારણી શરદ પવારને સંતાનમાં જો રિલાયેબલ હોય તો તેની પુત્રી સુપ્રિયા છે. ઉપરાંત કદાચ શરદ પવારનો રાજકીય વારસો પણ તેની પુત્રી સુપ્રિયા લેશે. મહિ‌લા પત્રકાર અને તંત્રી વિમલા પાટીલ તેની પુત્રીને સારો વર મળે એ માટે મહારાષ્ટ્રમાં પંચધામની યાત્રા કરાવેલી. હિ‌ટલર આટલો ક્રૂર હતો અને રશિયાનો સરમુખત્યાર લેનિન પણ કઠોર હૃદયનો હતો છતાં બન્ને ઊંડે ઊંડે ઈચ્છતા કે તેમને પુત્રીઓ હોય! તેમના શબ્દોમાં, સ્ત્રી વગર કોઈ પણ દેશમાં ક્રાંતિ ન થઈ શકે કે માસ મૂવમેન્ટ પણ ન થઈ શકે.’ સામૂહિ‌ક આંદોલનમાં પ્રગટ રીતે નહીં તો પાછલે બારણે, આંદોલનની સૂત્રધાર સ્ત્રી જ હોય છે. બાપની પાછળ દીકરી હોય છે. લેનિને કહેલું કે રાજકારણમાં સ્ત્રીને વધુ જલદીથી સફળતા મળતી. જે રીતે જવાહરને અને દેશને ઈંદિરા ગાંધી મળી. પ્રિયંકા ગાંધીએ મોટી ભૂલ એ કરી કે વાઢેરાને પરણી. એને બદલે રાજકારણમાં રસ લીધો હોત તો સારું હતું. સોક્રેટીસ નામનો ગ્રીક ફિલસૂફ કહેતો કે, વીમેન શુડ રિસીવ ધ સેઈમ ટ્રેનિંગ ઈન જ્યોમેટ્રી, જિમ્નેસ્ટિક્સ એન્ડ મ્યૂઝિક સોક્રેટીસ કહેતા કે પરફેક્ટ સોસાયટી જોઈએ તો સ્ત્રીને વધુ સત્તા આપો. સ્ત્રીને પુરુષ જેવી જ તાલીમ મળવી જોઈએ. અમેરિકાના અર્થતંત્રને કે યુરોપના અર્થતંત્રને પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં કોણે સંભાળ્યું? પુરુષો બધા મોરચે ગયા ત્યારે તમામ દેશનું અર્થકારણ વહુઓ-દીકરીઓએ સંભાળ્યું હતું.
જાણીતા મહાન વાર્તાકાર ગુણવંતરાય આચાર્યનો સાહિ‌ત્યનો વારસો જીવતો રાખનાર વર્ષા અડાલજા છે. તેને પણ બે દીકરી જ છે અને તેને કોઈ દીકરાની અબળખા નથી. તેમની દીકરી તો દીકરા કરતાં સવાઈ છે. આજે ફીનલેન્ડ અને ડેનમાર્ક એ બે દેશો સુખીમાં સુખી છે. શું કામ? ત્યાં સ્ત્રીઓને સૌથી પહેલાં ((ફીનલેન્ડમાં ૧૯૦૭થી)) મતાધિકાર મળેલો. જર્મનીમાં ૧૯૧૮થી મતાધિકાર મળેલો અને ત્યાંની ચાન્સેલર ((વડા પ્રધાન)) એન્જેલા માર્કેલ આજે વડા પ્રધાન છે. મોહમ્મદ પયગંબરના પ્રથમ બેગમ ખદીજા બિઝનેસ વુમન હતાં. મા ઈ મા, બીજા વગડાના વા’ કહેવાય છે. માતાને દીકરી જ વહાલી હોય છે. એથી દીકરીએ ભાગીને લગ્ન કર્યાં હોય કે પ્રેમલગ્ન કર્યાં હોય અને બાપે દીકરીનો બોયકોટ ક્ર્યો હોય પરંતુ માતાના દિલમાં દીકરીનું સ્થાન કાયમ હોય છે. સૌરાષ્ટ્રમાં એક લોકગીત છે તે અમુક રીતે જૂના જમાનામાં દીકરી માટે સાસરું કોણ ગોતતું તેનું સૂચક છે. લોકગીત આવું છે:
દાદા હો દીકરી, દાદા હો દીકરી
વઢિયારી નો દેજો જી રે, વઢિયારી સાસુડી દાદા દોયલી
દી’એ દળાવે મને રાતડીએ કંતાવે જો
પાછલેને પરોઢિયે પાણીડાં મોકલે રે લોલ!
આ ગીતમાં મારે જે સૂચિતાર્થ છે તે કહેવો છે. ઘણાં સૌરાષ્ટ્રનાં ગામમાં આજે પણ બાપને ફૂરસદ હોતી નથી. આજે પણ દીકરી દાદા પાસે જ ઊછરે છે. દાદો જ તેની પૌત્રી માટે મુરતિયો શોધે છે. તેથી જ સાસરામાં દુ:ખી થયેલી પૌત્રી દાદાને ઉદ્દેશીને ગીત ગાય છે. દીકરીને હંમેશાં તેના માતા-પિતા, દાદા-દાદીના કુળની જ ચિંતા હોય છે. લેબર પક્ષના નેતા ટ્રેવોટ ફિલીપ્સે કહેલું કે સ્ત્રીઓના હાથમાં સંપૂર્ણ અર્થતંત્ર સોંપાય અને પુત્રીઓને કોમ‌ર્સ, એમ.બી.એ. કે બીજી ડિગ્રી ભણાવાય તો દેશને સ્ત્રીની ટેલેન્ટનો પૂરેપૂરો લાભ થાય અને બ્રિટનને અર્થતંત્રમાં રૂ. ૨૭પપ૦૦ કરોડનો ફાયદો થાય! ભારતમાં આવી રીતે પુત્રીઓને અને સ્ત્રીને અર્થતંત્ર સોંપાય તો ભારતીય અર્થતંત્રને રૂ. ૨૦૦૦૦૦૦ કરોડનો ફાયદો થાય. ભારતીય સમાજમાં અને ખાસ તો ઉત્તર ભારતમાં દીકરીને લક્ષ્મી’ માનવામાં આવે છે એટલે ત્યાં હમણાં જ ડોટ‌ર્સ ડે’ ઊજવાયો. ભારતમાં આજે મહિ‌લાઓ સાયન્સ ગ્રેજ્યુએટ વધુ છે. મહિ‌લાઓમાં ૮૮ ટકા પ્યોર સાયન્સમાં છે. બાયોકોન ઈન્ડિયા નામની બાયોકેમિસ્ટ્રીની કંપની કિરણ મઝુમદારે સ્થાપેલી. દુનિયાની પ્રથમ કમ્પ્યૂટરની પ્રોગ્રમર લેડી ઓગસ્ટા હતી! ઈન્ફોટેકનું જ્ઞાન-વિજ્ઞાન ઉદ્યોગમાં લાગુ કરવામાં ભારતની નારી પ્રથમ નંબરે છે તેમ એક જાપાની મેગેઝિન કહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો