Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાકિસ્તાનને ૧૨ રનથી હરાવી શ્રીલંકાનો સંગીન પ્રારંભ
એજન્સી . ફાતુલ્લાહ
ઓપનર થિરિમાનેએ નોંધાવેલી સદી બાદ મલિંગાએ ઝડપેલી પાંચ વિકેટની મદદથી શ્રીલંકાએ અહીં રમાયેલી મેચમાં પાકિસ્તાનને ૧૨ રનથી હરાવીને એશિયા કપ ક્રિકેટ કપમાં પોતાના અભિયાનનો સંગીન પ્રારંભ કર્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર શ્રીલંકાએ છ વિકેટે ૨૯૬ રનનો જંગી સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાન ૪૮.પ ઓવરમાં ૨૮૪રન નોંધાવી શક્યું હતું.
કપરા લક્ષ્યાંક સામે મેદાને પડેલી પાકિસ્તાનની ટીમ તરફથી સુકાની મિસબાહ તથા ઉમર અકમલે પાંચમી વિકેટ માટે ૧૨૧ રનની ભાગીદારી નોંધાવીને ટીમ માટે વિજયની આશા ઉભી કરી હતી. જોકે આ જોડી તૂટતા પાકિસ્તાનનો ફરીથી રકાસ થયો હતો અને તે મેચમાં પરત ફરી શકી નહોતી. મિસબાહે ૮૪ બોલમાં ૭૩ તથા ઉમરે ૭૨ બોલમાં ૭૪ રનનું યોગદાન આપ્યું હતું.
અગાઉ થિરિમાને તથા સંગાકરાએ બીજી વિકેટ માટે ૧૬૧ રનની ભાગીદારી નોંધાવીને ટીમને જંગી સ્કોર તરફ દોરી હતી. થિરિમાનેએ ૧૧૦ બોલમાં ૧૦૨ રનની તથા સંગાકરાએ ૬પ બોલમાં ૬૭ રનની ઇનિંગ્સ રમી હતી. મધ્યમ હરોળમાં સુકાની મેથ્યુઝે પ૦
બોલમાં અણનમ પપ રન ફટકાર્યા હતા.