• Gujarati News
  • કુદરતી અને કૃત્રિમ હીરાઓ વચ્ચેની લડાઇ

કુદરતી અને કૃત્રિમ હીરાઓ વચ્ચેની લડાઇ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇ ચીજ કુદરત દ્વારા નિર્માણ પામતી હોય તેની આબેહૂબ નકલ માનવજાત કરી શકે તો આપણને આનંદ અને ગૌરવ થાય છે કે કાળાં માથાનો માનવી કુદરત સાથે પણ સ્પર્ધા કરી શકે છે. હીરાએ કુદરત તરફથી માનવજાતને મળેલી કિંમતી ભેટ છે. હીરાની કિંમત લાખોમાં અને ક્યારેક કરોડોમાં પણ અંકાય છે. આજ દિન સુધી કુદરતમાં મળી આવતાં હીરા જેવા આબેહૂબ હીરા બનાવવાના પ્રયાસો નિષ્ફળ ગયા હતા. તાજેતરમાં અમેરિકાની અમુક કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલા સિન્થેટિક હીરાઓ બજારમાં આવી રહ્યા છે. આ હીરાઓ તમામ રીતે કુદરતી હીરાઓને મળતા આવે છે. એટલે સુધી કે અનુભવી ઝવેરીઓ પણ તેને પારખી શકતા નથી. વિજ્ઞાનની આ શોધને કારણે ગર્વ અનુભવવાને બદલે ઝવેરીઓ ભય અનુભવી રહ્યા છે, કારણ કે તેમનો અબજો રૂપિયાનો હીરાનો ધંધો ખોરવાઇ જાય તેમ છે. દુનિયામાં રફ હીરાના ઉત્પાદનના ક્ષેત્રમાં મોનોપોલી ધરાવતી ડી બીય‌ર્સ નામની કંપની આ કૃત્રિમ હીરાને કારણે દેવાળું કાઢે તેવો ભય પણ પેદા થયો છે.
હીરાના વેપારીઓ અને ડી બીય‌ર્સ જેવી કંપનીઓ પોતાની તમામ તાકાતથી કૃત્રિમ હીરાઓના પ્રવાહને ખાળવાની કોશિશ કરી રહ્યા છે.
દુનિયામાં દર વર્ષે આશરે ૧૪૩ અબજ ડોલરના શુદ્ધ હીરા વેચાય છે. ખાણમાં જે હીરાઓ નીકળે છે, તે હજારો વર્ષોની રાસાયણિક પ્રક્રિયાને અંતે બન્યા હોય છે. હીરો મૂળભૂત રીતે કાર્બનનો શુદ્ધ અણુ છે, જે ભૂગર્ભની ગરમીને કારણે કઠણ બની ગયો છે. હજારો વર્ષો અગાઉ જમીનમાં વૃક્ષો અને પ્રાણીઓના જે અવશેષો દબાઇ ગયા હોય તેના કાર્બનમાંથી હીરા બને છે. હવે વિજ્ઞાનીઓએ પ્રયોગશાળામાં આ પ્રક્રિયાની નકલ કરીને આબેહૂબ કુદરતી હીરા જેવી જ કૃત્રિમ હીરા બનાવ્યા છે.
આ હીરાની ઉત્પાદન કિંમત કુદરતી હીરાની કિંમત કરતાં અડધા જેટલી જ હોય છે. જો કૃત્રિમ હીરાનું મોટાપાયે ઉત્પાદન કરવામાં આવે તો તેની કિંમત હજી ઘટી શકે છે અને વપરાશકારોને સસ્તા હીરા મળી શકે છે. જો આવી પરિસ્થિતિ પેદા થાય તો ગ્રાહકોને ફાયદો થાય તેમ છે, પણ હીરાનું માઇનિંગ કરતી કંપનીઓ અને ઝવેરીઓને નુકસાન જાય તેમ છે. કુદરતી હીરા આફ્રિકા, ઓસ્ટ્રેલિયા વગેરે ખંડોમાંથી નીકળે છે. તેના ઉત્પાદન પાછળ ડી બીય‌ર્સ જેવી કંપનીઓએ અબજો ડોલરનું રોકાણ કર્યું છે. આફ્રિકાના અનેક દેશોમાં પેદા થતાં હીરાઓ વેચીને ત્રાસવાદીઓ તેમાંથી શસ્ર્ાો ખરીદે છે, જેને બ્લડ ડાયમન્ડ તરીકે ઓળખવામાં આવે છે.
જો કુદરતી હીરાઓનું સ્થાન કૃત્રિમ હીરાઓ લઇ લે તો બ્લડ ડાયમન્ડની સમસ્યા હલ થઇ જાય તેમ છે.બેલ્જિયમ હીરાઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર ગણાય છે. થોડા સમય પહેલાં અહીંની ઇન્ટરનેશનલ જેમોલોજિક્લ ઇન્સ્ટિ‌ટયૂટમાં સેંકડો કૃત્રિમ હીરા કુદરતી હીરા તરીકે વેચાવા આવ્યા હતા, જેને કારણે ખળભળાટ મચી ગયો હતો. ચીનમાં ઉત્પાદિત કૃત્રિમ હીરાએ ભારતની બજારમાં પણ પ્રવેશ કર્યો છે. મુંબઇના બાંદરા કુર્લા કોમ્પ્લેક્સમાં ભારત ડાયમન્ડ બુ‌ર્સ આવેલું છે, જેમાં મોટા ભાગના ઝવેરીઓની ઓફિસો આવેલી છે. આ ઝવેરીઓ પાસે જે હીરા વેચાવા આવે છે તેમાં પણ નકલી હીરાની ભેળસેળ હોય છે, જેને તેઓ પારખી શકતા નથી. ડી બીય‌ર્સ કંપની ઝવેરીઓને નકલી હીરા પારખવાનું મશીન વસાવવાની સલાહ આપે છે. જેની કિંમત ૮૦ લાખ રૂપિયા જેટલી છે. હીરના વેપારીઓ ભયભીત છે. તેમને ડર છે કે કૃત્રિમ હીરા તેમનો ધંધો ખતમ કરી નાખશે.
હકીકતમાં કુદરતી હીરાની સરખામણીએ કૃત્રિમ હીરા વધુ શુદ્ધ અને ચડિયાતા હોય છે. કુદરતી હીરા ખાણામાં પાકતા હોય છે, માટે તેમાં ડાઘ અથવા આછો રંગ હોવાની શક્યતા રહે છે. કૃત્રિમ હીરા લેબોરેટરીમાં નિષ્ણાત ટેક્નિશિયન દ્વારા કન્ટ્રોલ્ડ વાતાવરણમાં બનતા હોવાથી તેમાં ડાઘ નથી હોતા. આજે બજારમાં જે કૃત્રિમ હીરા મળે છે તે કુદરતી હીરાની સરખામણીએ ૩૦થી ૩પ ટકા જેટલા સસ્તા હોય છે. જો તેનું હજી જથ્થાબંધ ઉત્પાદન કરવામાં આવે તો તેની કિંમત વધુ નીચી આવી શકે છે. તેનો અર્થ એવો થયો કે મધ્યમ વર્ગના જે લોકો અત્યારસુધી હીરા ખરીદી નહોતા શકતા તેઓ પણ હીરા ખરીદી શકશે. જોકે હીરા ઊંચી કિંમતે ખરીદીને ગર્વથી ધારણ કરતાં શ્રીમંતોનું સ્ટેટ્સ સિમ્બોલ ઝૂંટવાઇ જાય તેવું પણ બની શકે છે. એક સમયે મોતી માત્ર કાલુ માછલીના પેટમાં જ બનતા હતા.
મોતીના વેપારીઓ અઢળક કમાણી કરતા હતા. પછી કુદરતી મોતીને ટક્કર મારે તેવા કલ્ચર મોતી બનવા લાગ્યા. ધીમે ધીમે સાચા મોતીનો ધંધો પડી ભાંગ્યો. અત્યારસુધી કુદરતી હીરાની નકલ થઇ શકતી નહોતી, માટે હીરાના ધંધામાં ડી બીય‌ર્સ જેવી કંપનીઓની મોનોપોલી ટકી રહી હતી. હવે બજારમાં કૃત્રિમ હીરાનું આગમન થયું છે. અમેરિકાની અમુક જ્વેલરી શોપમાં તો સિન્થેટિક હીરામાંથી બનેલા દાગીનાઓ પણ મળવા લાગ્યા છે. અત્યારે દુનિયામાં કૃત્રિમ હીરાનું ઉત્પાદન નગણ્ય છે. આ ઉત્પાદન જેમ જેમ વધતું જશે તેમ કુદરતી ડિમાન્ડ પણ ઘટતી જશે.
ભારતના હીરાના વેપારીઓ અત્યારે તો કૃત્રિમ હીરાના આગમનને એક આપત્તિ તરીકે જોઇ રહ્યા છે, પણ હીરાના વપરાશકારોને તેમાં આર્શીવાદના દર્શન થાય છે. ભારતના કેટલાક ચતુર હીરાના વેપારીઓએ સમય પારખીને આપત્તિને આર્શીવાદમાં પલટી દેવા વિદેશમાં કૃત્રિમ હીરાનાં કારખાનાં શરૂ કરી દીધા છે. ડી બીય‌ર્સ કંપની પણ હીરાના ધંધામાં પોતાની મોનોપોલી ટકાવી રાખવા કૃત્રિમ હીરાનું ઉત્પાદન કરવાની તૈયારી કરી રહી છે. આ હરીફાઇમાં સૌથી વધુ ફાયદો હીરાના વપરાશકારોને થશે તે નક્કી છે.
@ જ્ૂખ્#ૂન્.ત્ગ્ચ્ૂ@ૈૂૌખૈ્રૃોૂજ્રૂચ્ર્‍ચ્ગ્ણ્ઘ્.ેગ્ક્