• Gujarati News
  • દુમદા ગામે પરવાનગી વિના ટેકરો ખોદી કઢાયો

દુમદા ગામે પરવાનગી વિના ટેકરો ખોદી કઢાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સોનગઢ
સોનગઢના દુમદા ગામે એક કોન્ટ્રાક્ટર દ્વારા પરવાનગી વિના ખાનગી માલિકીનો ટેકરો જેસીબી મશીનની મદદથી ખોદી એમાંથી નીકળતી માટી લઈ જવાઈ રહી છે અને તાપી જિલ્લાનું ખાણ ખનીજ વિભાગ હાથ પર હાથ ધરી બેસી રહ્યું છે.
સોનગઢ તાલુકાના દુમદા ગામે સીંગપુર રસ્તાન નજીક એક ખેડૂતની ખાનગી જગ્યામાં આવેલો ટેકરો ખોદવાની પ્રવૃત્તિ પંદરેક દિવસથી ચાલી રહી છે. સ્થળ પર જેસીબી મશીનના મદદથી આવું ખોદાણ કરી એમાંથી નીકળતી માટી ડમ્પરો દ્વારા રાત દિવસ લઈ જવાઈ રહી છે. આ અંગે સ્થળ પર ડમ્પર ચાલકને પૂછતા તેના જણાવ્યા પ્રમાણે આવી માટી લઈ જવા અંગે કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નથી. ખાનગી માલિકીની જગ્યામાંથી કાઢવામાં આવતી હજારો ટન માટી કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના ઉલેચી લેવામાં આવી છે. આ માટી ચોરીના બનાવમાં સરકાર પક્ષે ભરવા પાત્ર રોયલ્ટીનું નુકસાન થઈ રહ્યું છે. આ પ્રકરણમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય તર તપાસ થાય અને આવા ભૂમાફિયાઓ વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી થાય એવી માંગ સ્થાનિક રહીશો કરી રહ્યાં છે.